પર્વાધિરાજ પર્યુષણ પર્વ અંતરમાં ડોકિયું કરવા માટે છે. પોતાની ભૂલોનું સંશોધન કરવા માટે છે.

ગુજરાતી મિડ-ડે લૉગૉ
પર્વાધિરાજ પર્યુષણ પર્વ અંતરમાં ડોકિયું કરવા માટે છે. પોતાની ભૂલોનું સંશોધન કરવા માટે છે. નાનાં–નાનાં નિમિત્તો અને ડગલે ને પગલે ઊભી થતી પરિસ્થિતિમાંથી સજાગતાપૂર્વક પસાર થવાનું છે.
પર્યુષણ પર્વની પુનિત પળ પરભાવથી સ્વભાવમાં પાછા ફરવા માટે છે. જગતમાં નામ ગમે તેટલું મોટું હોય, પરંતુ બીજાને ઉપયોગી ન બની શકીએ તો શું કામનું? પૈસો જિંદગી માટે જરૂરી છે પણ તમે એને અનિવાર્ય બનાવી દેશો તો પૈસાની ખાતર જીવનનાં મોંઘેરાં વરસો સાવ વેડફાઈ જશે. પૈસાની જરૂર છે આરામથી જીવવા માટે, મજેથી રહેવા માટે! રૂપિયા જરૂરી છે, એના વગર જીવી ન શકાય પણ રૂપિયા એટલા બધા ન હોવા જોઈએ કે જિંદગી જ બિનજરૂરી બની જાય! Live with Money, Not for Money. પૈસા સાથે જીવો, પૈસા માટે ન જીવો.
પૈસો ન જાણે કેવાં કામો કરાવે છે અને જ્યારે પૈસો જ બેશરમ થઈને બોલવા માંડે છે ત્યારે સચ્ચાઈ શરમાઈ જાય છે, જિંદગી સંકોચાઈને બહુ પાછળ રહી જાય છે! પોતાના ‘લાભ’ માટે ‘ભલા’ બનો. જેના જીવનમાં દાન નહીં તેને ક્યાંય સ્થાન નહીં. લક્ષ્મી ચંચળ છે, એની ત્રણ જ ગતિ છે. (૧) દાન (૨) ભોગ અને (૩) નાશ.
પૈસા માટે પરસ્પરનો પ્રેમભાવ ન ઘટે અને એકબીજાનો મૈત્રીભાવ ટકી રહે એ અતિ જરૂરી છે. પૈસાનું બીજું નામ ‘દોલત’ છે. આવે ત્યારે દોલત અને જાય ત્યારે બે લાત મારીને જાય છે!
કોઈકે સાચું જ કહ્યું છે કે સરોવર કરતાં વાદળાં વખણાય છે અને પૈસાદાર કરતાં દાનવીર વધુ વખણાય છે. આજે પણ દુનિયા ભામાશા, જગડુશા, ખેમો દેદરાણી વગેરેને યાદ કરે છે.
જીવનમાં ‘યોગી’ ન બની શકાય તો બીજાને ‘ઉપયોગી’ બનવાનું સૂત્ર અપનાવવું જરૂરી છે.
દુનિયામાં જૈનોની વસ્તી અલ્પ હોવા છતાં પ્રભુ મહાવીરના અપરિગ્રહના સિદ્ધાંતને કારણે જૈનોનું દાન અઢળક છે.
‘ધમસ્ય આદિ પદં દાનમ્’ ધર્મની શરૂઆત દાનથી જ થાય છે. જૈન શાસ્ત્રોમાં નવ પ્રકારનાં પુણ્ય બતાવ્યાં છે.
ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી
કરો ઉપકાર કમાણી, એ છે પ્રભુ વીરની વાણીઅન્ન, પાણી, વસ્ત્ર, વસ્તી, સામગ્રી તેમ જ મન–વચન–કાયાને શુભ ભાવમાં રાખવાથી અને વડીલોનો વિનય કરવાથી નમસ્કાર પુણ્ય બંધાય છે. પર્યુષણમાં પરિગ્રહની આસક્તિ છોડી ધર્મ અને સમાજના સારા કાર્યમાં સંપત્તિનો સદ્વ્યય કરી લક્ષ્મી બનાવવાનો શુભ ભાવ કરી આગળ વધવાનું ભૂલશો નહીં!
આજથી આશરે ૨૬૫૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિયકુંડ નગરમાં રાજા સિદ્ધાર્થ અને રાણી િત્રશલાને ત્યાં જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃદ્ધિ થતાં ‘વર્ધમાન’ નામ અપાયું તેવા અહિંસાના અવતાર અને જૈન ધર્મમાં ૨૪મા તીર્થંકર પદે બિરાજમાન થયેલા પ્રભુ મહાવીર સ્વામીના નામથી કોણ અજાણ હોઈ શકે!
પ્રભુ મહાવીર સ્વામીના આત્માએ નયસાર સુથારના ભવમાં ભૂલા પડેલા સંતને ભોજન વહોરાવી સમકિત (સાચી સમજણ)ને પ્રાપ્ત કરી ભવટકીની શરૂઆત કરતાં ૨૭ ભવમાં પ્રભુના જન્મ-મરણનો અંત આવ્યો? આપણા પ્રભુના જન્મ-મરણનો અંત આવ્યો? આપણા ભવભ્રમણનો અંત ક્યારે? વિચારજો.
પ્રભુ મહાવીરના ૪ સંદેશને અપનાવવા પ્રયત્નશીલ બનવાનું ભૂલશો નહીં.
પ્રથમ સંદેશ છે કે મા-બાપના દિલને કદી દૂભવશો નહીં. પ્રભુએ ગર્ભમાં પણ માતાને ઠેસ ન પહોંચે એ માટે જ્ઞાન વડે જાણીને હલનચલન શરૂ કરી માતાના ભાવોની પૂર્તિ કરી હતી. આજની પેઢીનો સૂર છે કે મા-બાપનો સ્વભાવ સારો નથી. પણ વિચારજો, મા-બાપે જન્મ આપ્યો છે તો સંતાનોનું અસ્તિત્વ છે!
પ્રભુનો બીજો સંદેશ છે કે તમારા સુખમાં બીજાને ભાગીદાર બનાવો. સુખનો ભોગવટો તમે એકલા ન કરો. તમારા પરિવારને, સાધર્મિકને હાથ લાંબો ન કરવો પડે એવા ઉદાર બનો.
પ્રભુ મહાવીર સ્વામીએ દીક્ષા પૂર્વે એક વર્ષમાં ૩ અબજ, ૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોરનું વર્ષીદાન કરેલું. લોભવૃત્તિ અને પરિગ્રહની આસક્તિને છોડવા માટે દાન અતિ જરૂરી છે.
પ્રભુનો ત્રીજો સંદેશ છે કે શક્તિનું પ્રદર્શન કરશો નહીં. જીવનમાં પુણ્યના ઉદયે પૈસો પ્રાપ્ત થાય છે. માટે પૈસો કે પાવર બતાવવો નહીં. શક્તિનું પ્રદર્શન કરનારા રાવણ અને કૌરવો રાખમાં રોળાઈ ગયા. સિકંદર જેવાને પણ ખાલી હાથે જ જવું પડ્યું!
પ્રભુનો ચોથો સંદેશ છે કે નિરાશ કદી બનશો નહીં. ‘શુભે યથાશક્તિ પ્રયત્નીશયમ્’ વિકટ પરિસ્થિતિમાં પણ નિરાશાને ખંખેરીને મનોબળ મજબૂત બનાવવું. સંકલ્પથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવો આપણે સહુ માનવભવને સફળ બનાવવા પ્રભુ મહાવીરના ચીંધ્યા ચાહે ચાલવા પા પા પગલી ભરીએ. પ્રભુના ત્રણ સિદ્ધાંતમાં (૧) આચારે અહિંસા (૨) વિચારે અનેકાંત અને (૩) વ્યવહારે અપિરગ્રહની ભાવનાને સધ્ધર બનાવીએ. પ્રભુનો ધર્મ ગુણપ્રધાન છે. વ્યક્તિપ્રધાન નથી. તેથી જ કહેવાય છે કે જૈન ધર્મ જે પાળે તેનો ધર્મ.
જીના મરના બડા નહીં હૈ, કુછ કર જાના જીવન હોતા
સૌરભ યશ ફૈલા જિસકા, ધન્ય ધન્ય વહ જીવન બનતા
(પર્યુષણનો
પાવન સંદેશ
પૂજ્ય શ્રી ધીરગુરુદેવજી મ.સા.)