આપણે કોઈના જેવા કે કોઈના ડુપ્લિકેટ થવાની જરૂર નથી. હા, આદર્શ તરીકે કોઈ સિદ્ધ વ્યક્તિને આપણે જોઈએ એ બરાબર છે, પણ એના જેવા થવાનો પ્રયાસ કરવો નહીં.
માનસ ધર્મ
પૂજ્ય મોરારી બાપુ
આપણા એક વખતના સંરક્ષણપ્રધાન યશવંતરાવ ચવાણ સ્કૂલ વિદ્યાર્થી હતા ત્યારે તેમને શિક્ષકે પૂછેલું કે તમે તમારા જીવનમાં શું થવા ઇચ્છો છો? એ સમયે તેમણે બહુ સરસ જવાબ આપ્યો હતો.
‘હું માત્ર યશવંતરાવ ચવાણ થવા જ ઇચ્છું છું...’
આ જવાબ ખરેખર બહુ સરસ છે અને જીવનમાં ઉતારવા જેવો છે. આપણે બીજા જેવા કે પછી બીજા શું કામ થઈએ? આપણે જે હોઈએ એ જ થવા ઇચ્છવું જોઈએ. કોઈ એમ કહે કે મારે તો વિવેકાનંદ થવું છે તો હું કહીશ કે આ વાત ખોટી છે. તેણે વિવેકાનંદ થવાની જરૂર શું છે, વિવેકાનંદ એક જ હોય. એ રીતે બાળક પણ પોતાના ક્ષેત્રમાં પોતાનું કૌવત બતાવી વિવેકાનંદની જેમ જ શિક્ષણની કે આધ્યાત્મિકતાની કે પછી એ જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રને લગતી ઊંચાઈ મેળવે. આપણે કોઈના જેવા કે કોઈના ડુપ્લિકેટ થવાની જરૂર નથી. હા, આદર્શ તરીકે કોઈ સિદ્ધ વ્યક્તિને આપણે જોઈએ એ બરાબર છે, પણ એના જેવા થવાનો પ્રયાસ કરવો નહીં. કેટલાક લોકો એવું બોલતા મેં સાંભળ્યા છે કે મોરારીબાપુ તુલસીદાસનો અવતાર છે. સાચે જ આવું કેટલાક બોલે છે, પણ આ ખોટું છે. હું આવું સાંભળું ત્યારે કહું કે મારે શા માટે તુલસીદાસનો અવતાર બનવું પડે? તુલસીદાસ તેમની જગ્યાએ અને હું એક મોરારીબાપુ તરીકે મારી જગ્યાએ બરાબર છું, કારણ કે મોરારીબાપુ મોરારીબાપુ બનીને જીવન જીવે એમાં જ મોરારીબાપુનું ગૌરવ હોવું જોઈએ.
ADVERTISEMENT
આદર્શ તરીકે હું તુલસીને મારો શ્રેષ્ઠ આદર્શ માનું, તેણે કંડારેલી પગદંડી પર હું ચાલું, પણ હું તેમનો અવતાર બનું એ કોઈ પણ અંશે યોગ્ય નથી. આ રીતે જ પ્રત્યેક શિક્ષક પોતાની આગવી પ્રતિભાનું દર્શન કરાવે અને આવું ત્યારે જ થઈ શકશે કે જ્યારે વિદ્યાને- શિક્ષણને આપણે બધી રીતે મુક્ત રાખ્યું હશે.
નદી અત્યંત સુંદર એટલા માટે લાગે છે કે એનું વહેણ કુદરતી છે, નિયમોમાંથી મુક્ત છે, એને જ્યાં વળવું હોય ત્યાં એ વળી શકે છે માટે એ રૂપાળી લાગે છે. જ્યારે કૅનલને આપણે વાળવી પડે છે એટલે એનામાં કુદરતી કે પ્રાકૃતિક સૌંદર્ય જણાતું નથી. જેમ નદીના બે કિનારા નદીને સોહામણી બનાવે છે એ જ રીતે વિનય અને સ્વતંત્રતા નામના આ બે કિનારા શિક્ષણના વહેણને સુશોભિત કરે છે.