પરમાત્માનું પાત્ર જેમના જીવનમાં આવી જાય એમનું આત્મકલ્યાણ અવશ્ય થઈ જાય. હોઠ ઉપર સ્મરણરૂપે પરમાત્મા આવે છે, આંખો સામે પ્રતિમારૂપે આવે છે; પણ શું હૃદયમાં પરમાત્મા આવ્યા છે?

પ્રતીકાત્મક તસવીર
પર્યુષણ મહાપર્વના પંચમ દિવસે પરમાત્માનો જય-જયકાર કરતાં-કરતાં આપણા હૃદયમાં પરમાત્માની પ્રતિષ્ઠા કરી, પરમાત્મા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાનો અવસર, જૈન દર્શનનો શ્રેષ્ઠ સિદ્ધાંત, Equality અર્થાત્ સમાનતા! હું અને મારા પરમાત્મા એક દિવસ સમાન બની જઈશું. બંને વચ્ચે કોઈ ભેદ નહીં રહે અને અમે બંને સખાની જેમ સાથે રહીશું.
દરેક આત્મામાં પરમાત્મા બનવાનાં બીજ સમાયેલાં છે, જરૂર છે માત્ર પરમાત્મા જેવો આત્મશુદ્ધિનો પુરુષાર્થ કરવાની!
ભગવાન મહાવીરે સમ્યક્ત્વ પ્રાપ્તિના ૨૭ ભવમાંથી ૨૫મા ભવે, નંદનમુનિના ભવમાં તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું. એ ભવમાં નિશ્ચિત થઈ ગયું હતું કે હવે પછીના ત્રીજા ભવમાં તેઓ પરમાત્મા બનશે.
બની શકે છે, તમારી આસપાસમાં તમારા જ પરિવારમાં કોઈ ભાવિના ભગવાન હોય, જે ત્રીજા કે પાંચમા ભવમાં પરમાત્મા બનવાના હોય. જો તમને એવી પ્રાજ્ઞદૃષ્ટિ મળી જાય અને ખબર પડી જાય કે મારાં સાસુ કે મારાં નણંદ ત્રીજા ભવે પરમાત્મા બનવાનાં છે પછી તમે એમને પજવીને આશાતના કરો કે એમની પૂજા કરો?
એટલે જ આપણી આસપાસના દરેક આત્માને ભાવિના ભગવાનના રૂપમાં જોવા.
જગતના તારણહારા પ્રભુ અવની પર પધાર્યા અને આપણે કેટલા પાપ-દોષોથી બચી ગયા? કેટલા અવગુણોથી બચી ગયા? જો મને પરમાત્મા ન મળ્યા હોત તો?
આ ભવમાં પરમાત્માના સિદ્ધાંતો, પરમાત્માની વાણીનું શ્રવણ કરવાનો યોગ અને પ્રભુપુત્ર એવા ગુરુ મળવા એનાથી મોટું પરમ સૌભાગ્ય એક પણ ન હોય, કેમ કે જે મારા પરમ પુણ્યનું નિમિત્ત છે, જે મારાં પાપોના ક્ષયનું પરમ નિમિત્ત છે એવું એકમાત્ર પાત્ર પરમાત્માનું પાત્ર છે. પરમાત્માનું પાત્ર જેમના જીવનમાં આવી જાય એમનું આત્મકલ્યાણ અવશ્ય થઈ જાય.
હોઠ ઉપર સ્મરણરૂપે પરમાત્મા આવે છે, આંખો સામે પ્રતિમારૂપે આવે છે; પણ શું હૃદયમાં પરમાત્મા આવ્યા છે?
માનો કે તમારો વહાલો દીકરો કૅનેડા ભણવા ગયો છે તો એ દિવસમાં કેટલીવાર યાદ આવે? એ મારાથી અત્યારે કેટલો દૂર છે, મારે એને મળવા જવું છે, આવા વિચારો કેટલીવાર આવે? પણ ક્યારેય એવો વિચાર આવે કે મારા પરમાત્મા મોક્ષમાં છે, મારે એમને મળવા જવું છે?
યાદ રાખજો, જે દિવસે પ્રભુ પ્રત્યે પ્રેમ થઈ જાય, જે દિવસે પ્રભુ હૃદયનું પાત્ર બની જાય અને જે દિવસે પ્રભુ વિના ગમે નહીં, પ્રભુ વિના રુચે નહીં, પ્રભુ વિના ચેન ન પડે, એવી અનન્ય અનુભૂતિ થવા લાગે ત્યારે સમજજો તમે પરમાત્માને પાત્ર બનવા લાગ્યા છો.
એક વાર પરમાત્માને કહો, પ્રભુ! હું તમને પ્રેમ કરું છું, શું તમે મને પ્રેમ કરો છો?
પરમાત્મા શું કહેશે, હા કહેશે કે ના કહેશે?
માટે જ આજે પ્રભુના ગુણગ્રામ કરતાં કરતાં, પ્રભુભક્તિ કરતાં કરતાં, પ્રભુ જન્મોત્સવ ઊજવતાં પ્રભુને કહેવાનું છે, પ્રભુ! તને પાત્રવાન બનવા માટે, પ્રભુ! આજથી હું તને પ્રેમ કરવાની શરૂઆત કરું છું. પ્રભુ! જેમ જેમ તને પ્રેમ કરતો જઈશ, જેમ જેમ તારા પ્રત્યે મારો પ્રેમ વધતો જશે, તેમ તેમ પ્રભુ! હું તારું પાત્ર બનતો જઈશ, મારી પાત્રતાનો વિકાસ થતો જશે.
પછી પ્રભુ! તારે કહેવું પડશે, ‘હા,વત્સ! હું પણ તને પ્રેમ કરું છું. તું મારા લાયક બની ગયો છે એટલે I Like you!’
જેમણે જેમણે પરમાત્માને પ્રેમ કર્યો છે, એમની એમની પાત્રતાનો વિકાસ થયો છે અને જેમની જેમની પાત્રતાનો વિકાસ થયો છે, તેમને તેમને પરમાત્માએ પ્રેમ કર્યો છે.
ચંદનબાળા એક રાજકુંવરી અને ક્ષત્રિય કન્યા હતી. એમણે જે દિવસે પરમાત્મા મહાવીરને નિહાળ્યા, એ દિવસથી પરમાત્મા એના હૃદયનું પાત્ર બની ગયા, એ દિવસથી મનમાં એક જ ભાવ, મહાવીર સિવાય બીજું કોઈ મારું નહીં! દિન-પ્રતિદિન એનો પરમાત્મા પ્રત્યેનો નિ:સ્વાર્થ પ્રેમ વધતો જ ગયો. એના જીવનમાં એને અનેક કષ્ટો, વેદના, પીડા આવી પણ પરમાત્મા પ્રત્યેનો એનો પ્રેમ, એની તાકાત અને વિશ્વાસ બનતાં ગયાં, એનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો અને જેમ-જેમ એનો પ્રેમ વધતો ગયો તેમ-તેમ તેની પાત્રતાનો વિકાસ થવા લાગ્યો. એ પરમાત્માને પાત્રવાન બનવા લાગી અને માટે જ એક દિવસ પરમાત્મા સ્વયં સામે ચાલીને એના દ્વારે આવ્યા, ‘હે આત્મન્ !હું તને તારવા આવી ગયો છું!’
વિચાર કરો, ફર્સ્ટ સ્ટેપ કોણે ઉપાડવાનું હોય? પરમાત્માએ કે આપણે ?
માટે જ આજથી ફર્સ્ટ સ્ટેપ ઉપાડવાનું છે, પ્રભુને પ્રેમ કરવાનું... પ્રભુને હૃદયપાત્ર બનાવવાનું અને પ્રભુને પાત્રવાન બનવાનું!
સંસારમાં તો કેટલાંય પાત્રોને પ્રેમ કર્યો, કેટલાંયને હૃદયમાં સ્થાન આપ્યું પણ દરેક વખતે એ પ્રેમ શૅરબજારના ગ્રાફની જેમ વધ-ઘટ થયા કરતો. ક્યારેક તો એ પ્રેમ દ્વેષમાં પણ કન્વર્ટ થયો હશે.
આજે એક વાર પ્રભુને કહી દો, પ્રભુ! હવે મારે આ વધ-ઘટ થવાવાળા પ્રેમમાંથી, જે ખરેખર તો પ્રેમ નહીં પણ રાગે છે, એમાંથી બહાર નીકળીને માત્ર તને પ્રેમ કરવો છે, જેમાં કોઈ વધ-ઘટ નથી, જેમાં કોઈ ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ નથી પ્રભુ! તને પ્રેમ કરીને, તારા પાત્રવાન બનવું છે.
તમારી આસપાસમાં કોઈ ભાવિનાં મા ત્રિશલા હશે તો કોઈ વર્ધમાન હશે, પણ તમે તેને ઓળખી શકતા નથી. ક્યારેક માતા પણ પોતાના સંતાનની ક્ષમતાને ઓળખી શકતી નથી. તો ક્યારેક શિષ્ય પણ પોતાના ગુરુના સામર્થ્યને ઓળખી શકતાં નથી.
માટે જ અમારી તમને પ્રેરણા છે, આજથી પ્રભુને પ્રેમ કરવાની શરૂઆત સાથે પ્રભુ પાસે માગવાનું છે કે પ્રભુ! મારી પાસે કોઈને ઓળખવાની દૃષ્ટિ નથી એટલે પ્રભુ! તું મને જ્યારે મળે ત્યારે હું તને ઓળખી શકું એવું જ્ઞાન આપી દે, હું તને ઓળખી શકું એવું દૃષ્ટિનું દાન આપી દે, એવું એક વરદાન આપી દે!
જો એવી દૃષ્ટિનું દાન મળી જાય તો આસપાસમાં જે ભાવિના ભગવાન બનવાના હોય એમને સહજતાથી તમે ઓળખી શકો અને પારખી પણ શકોને!
માતા ત્રિશલા અને પરમાત્મા મહાવીર પણ આપણા જેવા જ મનુષ્ય હતાને!
સામાન્યમાંથી અસામાન્ય બનવું એ જ પરમાત્માનો માર્ગ છે. જેમને સામાન્યમાંથી અસામાન્ય બનતાં આવડે એ જ મહાવીર કહેવાય.
પરમાત્માને પ્રેમ કરી, સામાન્ય માનવીમાંથી અસામાન્ય એવા પરમાત્મા બનવાનો પુરુષાર્થ કરવો એ જ આ પ્રભુ જન્મોત્સવની પાવન પળ છે.
પ્રભુને એવો પ્રેમ કરીએ કે પ્રભને પણ આપણને પ્રેમ કરવાનું મન થઈ જાય અને ચંદનબાળાની જેમ સામેથી આપણા દ્વારે આવીને કહે, હે આત્મન્! હું તને તારવા આવ્યો છું.
કરો પ્રભુને પ્રાર્થના
પ્રભુને પ્રેમ કરવાના આ પાવન અવસરે પ્રભુને પ્રાર્થના કરો,
હે પ્રભુ! મારી આસપાસ કોઈ પરમાત્માનું પાત્ર હોય તો હું
એને ઓળખી શકું એવી દૃષ્ટિનું વરદાન આપી દો!
ચિંતન અને મનન કરવા જેવા મુદ્દા
ક્ષમા માગવા આવતી કાલની રાહ ન જોવી, બની શકે ‘કાલ’ આવે એની પહેલાં જ તેને ‘કાળ’ લઈ જાય.
પર્યુષણ મહેમાન બનીને આવે અને સ્વજન બનીને જાય તો પર્યુષણ સાર્થક કહેવાય.
ભક્તિમાં જે ભળે એ પરમાત્મામાં ભળી શકે.
હર આત્મામાં પરમાત્મા બનવાની પાત્રતા હોય છે.
સામાન્યમાંથી અસામાન્ય બનવું એ જ પ્રભુ બનવાનો માર્ગ છે.
પરમાત્માનો હાથ જેના મસ્તક પર ફરે એનું પરમાત્મા બનવાનું બીજ વવાઈ જાય છે.
મારા જીવનના હર પાત્ર ભવિષ્યના પરમાત્માના પાત્ર છે.
ગુરુ માથે હાથ મૂકીને આપણી અંદર પરમ તત્ત્વને પ્રગટાવવાની ખેતી કરે છે.
જેનામાં ધર્મ સંસ્કાર આવે છે એનામાં ગુણ સંસ્કાર આવે છે.
જ્યારે આપણી દૃષ્ટિ સામાન્ય હોય ત્યારે આપણને પરમાત્માનો
ઉત્તમ આત્મા પણ સામાન્ય લાગે છે.
ભક્તિ એ જ હોય જેમાં વ્યક્તિ ભળી જાય.
( અહેવાલ: પર્યુષણ લેખમાળા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ
શ્રી નમ્રમુનિ મ.સા.)