તારીખ : બીજી મેથી ૧૪ મે, સ્થળ : BKCમાં એશિયન હાર્ટ હૉસ્પિટલની સામે આવેલું MMRDA ગ્રાઉન્ડ, સમય : સવારે ૧૦ વાગ્યાથી, રાત્રે ૧૦ વાગ્યા સુધી, એન્ટ્રી-ફી : તદ્દન મફત
મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશન
શુદ્ધ ઘરગથ્થુ ઉત્પાદનો તથા હસ્તકલા અને હૅન્ડલૂમની વસ્તુઓ માટે જાણીતું મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશન બીજી મેથી શરૂ થયું છે અને ૧૪ મે સુધી ચાલવાનું છે. હજી સુધી જો તમે મુલાકાત ન લીધી હોય તો વહેલી તકે જઈ આવજો. બાકી ત્યાં કઈ-કઈ વસ્તુઓ વેચાઈ રહી છે એની માહિતી અહીંથી મેળવી લેજો
મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશન મહારાષ્ટ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ઉમેદ અભિયાન (મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન) હેઠળ આયોજિત વાર્ષિક પ્રદર્શન અને વેચાણમેળો છે. આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ ગ્રામીણ કલાકારો, સ્વસહાય જૂથો (સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ) અને કારીગરોને તેમનાં ઉત્પાદનો સીધાં શહેરી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે પ્લૅટફૉર્મ પૂરું પાડવાનો છે. આ એક્ઝિબિશન હેઠળ આ વખતે ૫૦૦થી વધુ સ્ટૉલ લાગ્યા છે જે ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્ટૉલ્સમાં શું-શું વેચાઈ રહ્યું છે એનો એક આઇડિયા મેળવીએ.
ADVERTISEMENT

પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ ફૅશનનો અદ્ભુત સંગમ એટલે શણની આ બૅગ. એના પર બારીક હસ્તકલાનું ભરતકામ એને વધુ આકર્ષક બનાવે છે, વાંસની પાતળી પટ્ટીઓને એકબીજામાં પરોવીને બનાવેલા લૅમ્પ અને મિલેટ્સના વધતા મહત્ત્વ વચ્ચે એમાંથી તૈયાર કરેલું હેલ્ધી ફરસાણ. એ તેલમાં તળીને નહીં પણ શેકીને બનાવવામાં આવે છે.
ફૂડ-પ્રોડક્ટ્સ
મહાલક્ષ્મી સરસ મેળામાં ખાણી-પીણીનો વિભાગ એટલે જાણે આખા મહારાષ્ટ્રના સ્વાદનો ખજાનો. અહીં તમને આગરી-કોળી, ખાનદેશી અને માલવણી મસાલા જેવા મહારાષ્ટ્રના વિવિધ પ્રદેશોના વિશિષ્ટ અને પરંપરાગત મસાલાઓ મળી રહેશે જે રસોઈમાં અસલ દેશી સ્વાદ ઉમેરે છે. મસાલાની સાથે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર કુદરતી રીતે તૈયાર કરેલાં અથાણાંની પણ અહીં અનેક વરાઇટી છે. એમાં આગરી-કોળી સ્ટાઇલનું કેરીનું અથાણું, કરવંદાનું ખાટું-મીઠું અથાણું, લીંબુ તેમ જ આદું-મરચાં-લસણના અથાણાનો સમાવેશ છે. હાથથી વણેલા રાગીના પાપડ, ચોખાના પાપડ તેમ જ અડદ અને મગના મસાલેદાર પાપડ ઉપરાંત બટાટા-સાબુદાણાના પાપડની વરાઇટી પણ અહીં વેચાઈ રહી છે. જમવાનો સ્વાદ બમણો કરી દે એવી કઢીપત્તા, સિંગદાણા, લસણ અને કોપરાની સૂકી ચટણીઓ પણ અહીં ઉપલબ્ધ છે. અહીં કોઈ પણ મશીન વગર તૈયાર કરેલી અને હાથેથી છડેલી મગ, તુવેર, મસૂર અને અડદની ઉચ્ચ ગુણવત્તાની દાળ પણ છે. ચોખામાં ઇન્દ્રાયણી, વાડા કોલમ, આંબે મહોર અને રેડ રાઇસ જેવી મહારાષ્ટ્રની સ્પેશ્યલ જાતોથી લઈને સોલાપુરની પ્રખ્યાત જુવાર અને ખાનદેશની બાજરી જેવું ઉત્તમ અનાજ પણ અહીં હાજર છે. બજારમાં મળતા કેમિકલયુક્ત પીળા ગોળના વિકલ્પે અહીં ઘેરા કથ્થઈ રંગનો શુદ્ધ ઑર્ગેનિક ગોળ અને ઓરિજિનલ મધ મળી રહ્યાં છે તો સાથે જ ગાયના શુદ્ધ ઘીથી લઈને કાચી ઘાણીનું મગફળી, તલ અને ફ્લેક્સ સીડ્સનું તેલ પણ વેચાઈ રહ્યું છે. ડ્રાયફ્રૂટ્સમાં પ્રીમિયમ ક્વૉલિટીના કાજુ, અખરોટ, બદામ અને અંજીરની સાથે હેલ્ધી સીડ્સ જેવાં કે સનફ્લાવર અને ફ્લેક્સ સીડ્સ પણ અહીં ઉપલબ્ધ છે. મીઠાઈ અને નાસ્તામાં શુદ્ધ ગોળમાંથી બનેલા સિંગ-તલના લાડુ અને ચિક્કી તેમ જ વિવિધ પ્રકારના મિલેટ્સ અને મખાનામાંથી બનેલાં હેલ્ધી ફરસાણના ઑપ્શન્સ છે. એમાં અમુક વસ્તુઓ તો તળીને નહીં પણ હેલ્થને ધ્યાનમાં રાખીને રોસ્ટ કરીને બનાવવામાં આવી છે. બાળકો માટે ઘઉં અને નાચણીના લોટમાંથી ગોળનો ઉપયોગ કરીને બનાવેલી બિસ્કિટ અને કુકીઝ પણ અહીં મળી રહી છે. એટલું જ નહીં, વિવિધ પ્રકારની હર્બલ ટી, આયુર્વેદિક ઉકાળાઓ, તાજાં ફળોના જામ અને ઇન્સ્ટન્ટ વેજિટેબલ સૂપ કે શરબત મિક્સ જેવી અગણિત ઑર્ગેનિક પ્રોડક્ટ્સ અહીં જોવા મળે છે. આ મેળો એટલો વિશાળ છે કે તમે ત્યાં જઈને જોતાં-જોતાં થાકી જશો પણ અહીંની પ્રોડક્ટ્સ અને એની વિવિધતા ખતમ થવાનું નામ નહીં લે.

નદીના કુદરતી પથ્થરોમાંથી બનાવવામાં આવેલી યુનિક શોપીસની ઘડિયાળ, ગ્રામીણ સંસ્કૃતિની ઝલક આપતી કુદરતી પથ્થરો અને ક્લેની મદદથી કંડારાયેલી અનોખી થ્રી-ડી આર્ટ ફ્રેમ અને ભેંસ અને ઘેટાના ચામડામાંથી બનેલી પ્રીમિયમ ક્વૉલિટીની લેધર બૅગ.
લાઇફસ્ટાઇલ ગુડ્સ
આ એક્ઝિબિશનમાં ઝીણવટભર્યા કામવાળી એમ્બ્રૉઇડરી સાડીઓ, સુંદર હૅન્ડ-પેઇન્ટેડ અને હૅન્ડ-ડાયવાળી સાડીઓ તેમ જ પરંપરાગત પ્રાદેશિક વણાટ ધરાવતી સાડીઓનો સમાવેશ છે. શણગારની વાત કરીએ તો બોહેમિયન નેકલેસની સાથે ઑક્સિડાઇઝ્ડ અને ગોલ્ડ-પ્લેટેડ જ્વેલરીના અદ્ભુત ઑપ્શન્સ અહીં ઉપલબ્ધ છે. વાંસમાંથી બનેલી કલાત્મક ટોપલીઓ, ટ્રે અને લૅમ્પશેડ્સ ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દે એવાં છે. એ સિવાય વાંસની બૉટલ, કપ અને શરાબ પીવાના ગ્લાસ જેવી અનોખી વસ્તુઓ પણ અહીં મળી રહી છે. રસોડા માટે અહીં સીસમ અને સાગના લાકડામાંથી બનેલા મજબૂત ચમચા, વેલણ અને પાટલા જેવાં સાધનો છે તો સાથે જ લાકડાની અનોખી ક્રૉકરીમાં રોટલી રાખવાના બૉક્સથી લઈને થાળી, વાટકા અને ગ્લાસની પણ મોટી રેન્જ છે. પર્યાવરણની જાળવણી કરતી શણની એટલે કે જૂટની સુંદર હૅન્ડબૅગ્સ અને થેલીઓ અહીં એટલી આકર્ષક છે કે તમે એને લીધા વગર રહી ન શકો. સ્વાસ્થ્ય અને સુંદરતા માટે અહીં અરીઠાં અને શિકાકાઈ આધારિત હર્બલ ક્લીનર્સ છે જે રાસાયણિક સાબુનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને સંતરાની છાલ, ચંદન, ચારકોલ, શિયા બટર તથા નાગરમોથા જેવાં કુદરતી તત્ત્વોમાંથી બનેલા ઑર્ગેનિક સાબુ અને શરીર ઘસવા માટેના કુદરતી ઑર્ગેનિક લોફા પણ મળી રહે છે. આધ્યાત્મિકતામાં રસ ધરાવતા લોકો માટે દેશી ગાયના છાણમાંથી બનેલી ધૂપબત્તી, અગરબત્તી અને ગણપતિબાપ્પાની મૂર્તિઓ છે તો બાગકામના શોખીનો માટે કમ્પોસ્ટ, સીડ્સ અને નારિયેળનાં ભૂસાંમાંથી બનેલાં કૂંડાં તથા પગલુછણિયાં પણ અહીં છે. કલાના શોખીનો માટે રિવરસ્ટોનમાંથી બનાવેલી શો-પીસ ઘડિયાળ અને ઠંડીમાં હૂંફ આપે એવી કૉટનની હાથવણાટની ગોદડીઓ પણ આકર્ષક છે. બાળકો માટે લાકડાનાં ખાસ રમકડાં જેમાં ગાડી, રેલગાડી અને આલ્ફાબેટ્સ જેવી અનેક વસ્તુઓ છે જે તમારાં સંતાનોને પ્લાસ્ટિકથી દૂર રાખશે. અહીં શુદ્ધ ચામડામાંથી બનેલાં અને અત્યંત મજબૂત બનાવટ ધરાવતાં પ્રખ્યાત કોલ્હાપુરી ચંપલ તેમ જ પ્રીમિયમ પ્યૉર લેધર પર્સ પણ ઉપલબ્ધ છે. મેળામાં જીવનશૈલી અને ઘરસજાવટનો એવો અદ્ભુત ખજાનો છે કે તમારી નજર ક્યાંય ઠરશે જ નહીં.

નારિયેળના ભૂસામાંથી બનેલાં કૂંડાં. એમાં પાણી શોષવાની અને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા હોય છે એટલે વારંવાર છોડને પાણી આપવું પડતું નથી, લાંબા સમય સુધી પાણીને ઠંડું રાખતી વાંસની બૉટલ અને મજબૂતી અને સુંદર નકશીકામ માટે જાણીતાં આ પરંપરાગત કોલ્હાપુરી ચંપલ શુદ્ધ ચામડામાંથી બનેલાં છે.
ફૂડ-કોર્ટ

ઑર્ગેનિક રંગોના ઉપયોગથી તૈયાર કરાયેલાં લાકડાનાં રમકડાં, જે પ્લાસ્ટિકનાં રમકડાંનો શ્રેષ્ઠ વિકલ્પ છેઑક્સિડાઇઝ્ડ અને ગોલ્ડપ્લેટેડ જ્વેલરીના શોખીનો માટે અહીં સિલ્વર ચોકર, ઇઅર-રિંગ્સ અને ડિઝાઇનર બંગડીઓનું અદ્ભુત કલેક્શન છે અને ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી જડેલું લેધરનું જૅકેટ રગ્ડ ફૅશનને જીવંત કરે છે. એમાં ફિનિશિંગ કરતાં ટકાઉપણા અને નૅચરલ લુક પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
શૉપિંગના થાક પછી મુલાકાતીઓ સીધા જ ફૂડ-કોર્ટ તરફ ખેંચાઈ આવે છે, જ્યાં ૮૦થી વધુ સ્ટૉલ પર મહારાષ્ટ્રના ખૂણેખૂણાનો સ્વાદ પીરસવામાં આવી રહ્યો છે. અહીં માત્ર જમવાનું નથી, મહારાષ્ટ્રિયન સંસ્કૃતિનો અસલ અનુભવ પણ છે. તમને અહીં પૂરણપોળી, થાલીપીઠ, ઝુણકા ભાકર, ધપાટે, ભરલેલી વાંગી જેવાં પારંપરિક મહારાષ્ટ્રિયન વ્યંજનો; મિસળપાંઉ, વડાપાંઉ જેવા સ્નૅક્સ; સ્વીટમાં ઉકડીના મોદક, બાસુંદી, ખપલી ગવ્હાચી ખીર તેમ જ રિફ્રેશિંગ ડ્રિન્કમાં સોલકઢી, કૈરી પન્હા, મઠ્ઠો જેવા ઑપ્શન્સ અહીં મળી રહેશે. મુલાકાતીઓ આરામથી બેસીને જમી શકે એ માટેની અહીં સુવિધા છે. જોકે અહીં શાકાહારી કરતાં માંસાહારી વિકલ્પો વધુ છે, જે મહારાષ્ટ્ર ક્વિઝિનનું અભિન્ન અંગ છે.

મહારાષ્ટ્રના વિવિધ પ્રદેશોનાં સ્પેશ્યલ મસાલા અને અથાણાં.
મુલાકાતીઓ માટે રેડ કાર્પેટ અનુભવ

મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશનનું ડેકોરેશન પણ ભવ્ય અને સાંસ્કૃતિક છે. પ્રદર્શનમાં પ્રવેશતાંની સાથે જ છત્રપતિ શિવાજી મહારાજ, જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેની ભવ્ય મૂર્તિઓ મુલાકાતીઓને મહારાષ્ટ્રના ગૌરવશાળી ઇતિહાસની અનુભૂતિ કરાવે છે. પ્રદર્શનના કેન્દ્રમાં સ્ત્રીસશક્તીકરણને જીવંત કરતાં પૂતળાંઓ મૂકવામાં આવ્યાં છે જેમાં મહિલાઓને સિલાઈકામ કરતી, ઘંટીએ અનાજ દળતી, માટીનાં વાસણો બનાવતી અને અનાજ સાફ કરતી દર્શાવવામાં આવી છે. આ દૃશ્યો માત્ર શણગાર નથી પરંતુ ગ્રામીણ મહિલાઓના શ્રમ અને હસ્તકલાનું સન્માન છે. ખાસ કરીને અહીં ઉપયોગમાં લેવાયેલાં શિપિંગ કન્ટેનર્સ એક મોટો સંકેત આપે છે કે ગામડાંની આ પ્રોડક્ટ્સ હવે વૈશ્વિક બજાર સુધી પહોંચવા સજ્જ છે એટલે કે આ સાચો લોકલ ટુ ગ્લોબલનો સંદેશ છે. ગ્રાહકોની સુવિધામાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. મે મહિનાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને આખું પ્રદર્શન વિશાળ AC હૉલમાં રાખવામાં આવ્યું છે જેથી મુલાકાતીઓ તડકાની ચિંતા કર્યા વગર કલાકો સુધી ખરીદીનો આનંદ માણી શકે.

આ કાન્થા વર્કની સાડી છે જેમાં સુતરાઉ સાડીઓ પર સોય-દોરાની સાદી રનિંગ સ્ટિચ (ટાંકા) દ્વારા બારીક હસ્તકલાનું ભરતકામ કરવામાં આવે છે.
આ ઉપરાંત ગ્રાહકોના આરામ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગ્રાહકોને ભારે સામાન ઊંચકીને ફરવું ન પડે એ માટે મૉલ જેવી ટ્રૉલીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકો મન મૂકીને ખરીદી કરી શકે એ માટે પચીસ કિલોમીટરના અંતર સુધી મફત હોમ-ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. નવજાત શિશુઓ સાથે આવતી મમ્મીઓ માટે મેળામાં ખાસ હિરકણી કક્ષ (સ્તનપાન માટેનો રૂમ) તૈયાર કરવામાં આવ્યો છે. મેળામાં સ્વચ્છ વૉશરૂમ અને પીવાના શુદ્ધ પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જે ગ્રાહકોના અનુભવને વધુ સુખદ બનાવે છે.
