ગિરનાર અને ગુરુજીને નામે પોતાનું જીવન લખનારા અને આજીવન આયંબિલ તપ કરવાનો ગુરુઆજ્ઞાથી સંકલ્પ કરનારા પરમ પૂજ્ય આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજસાહેબની વાતો ઘણી રીતે આત્મનિરીક્ષણ કરવા પ્રેરે એવી છે. પર્યુષણ પર્વના પ્રથમ દિવસે આ અદ્ભુત વ્યક્તિત્વ વિશે જાણીન

આચાર્ય શ્રી હિમાંશુસૂરિ મહારાજસાહેબ સાથે આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજ
પર્યુષણના દિવસો એટલે જીવનને અજવાળવાના દિવસો. પાપને ખપાવવાના દિવસો. પુણ્યથી ઊજળા થવાના દિવસો. કર્મથી મુક્ત થવાના દિવસો. આ વર્ષે આઠ દિવસના પર્યુષણમાં આખા વર્ષનું પુણ્યનું ભાથું બાંધવાના પ્રયાસોમાં બળ ઉમેરી શકે એવા જ કેટલાક મહારથીઓ અને મુઠ્ઠી ઊંચેરું કામ કરનારા વિરલાઓની વાતોનો ખજાનો લઈને અમે આવ્યા છીએ, જેની શરૂઆત આજે એવા એક મહાત્માની સાથે થયેલી મુલાકાતથી કરવાના છીએ જેમના એનર્જી ફીલ્ડમાં પ્રવેશ કરતાંની સાથે જ ચેતનાનો કોઈ પરિશુદ્ધ તાર ઝંકૃત થયો હોય એવી સાત્ત્વિકતાનો અનુભવ થાય. સુરેન્દ્રનગર પાસે આવેલા વઢવાણમાં અઢીસો વર્ષ જૂના ઉપાશ્રયમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજ બિરાજમાન છે જેઓ છેલ્લાં ૨૭ વર્ષથી આયંબિલનું તપ કરી રહ્યા છે અને આજીવન આયંબિલ જ કરવાના છે. આ મહાત્મા હજારો યુવાનોના રાહબર અને જિનશાસનના શણગાર એવા પરમ પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખરવિજયજીના શિષ્ય છે. તેમના ગુરુદેવે જ તેમને તપસ્વી સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હિમાંશુસૂરિ મહારાજસાહેબની સેવામાં મોકલ્યા હતા અને એ મહાપુરુષની તેમણે ૧૩ વર્ષ સેવા કરી. પછી જ્યારે તેમના અંતિમ સમયે જ્યારે હેમવલ્લભસૂરિ મહારાજસાહેબે તેમને તેમની અંતિમ ઇચ્છા વિશે પૂછ્યું ત્યારે એ મહાપુરુષે કહ્યું, ‘તમે આખી જિંદગી આયંબિલ કરજો’ અને તરત જ આ મહાત્માએ એ વાતનો સ્વીકાર કરી તેમની ભાવના પૂર્ણ કરીને આજીવન આયંબિલ કરવાની ભીષ્મપ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ગિરનાર તીર્થની સેવામાં જીવન સમર્પિત કરનારા અને અત્યાર સુધીમાં હજારોવાર ગિરનાર તીર્થની યાત્રા કરનારા પૂજ્ય હેમવલ્લભસૂરિજીના ચહેરાનું તેજ જોઈને જ ભલભલા દંગ રહી જાય. તેમની આંખોમાં અનેરી ચમક હતી. ઇન્ટરવ્યુ માટે પહેલાં પુછાવ્યું ત્યારે જ તેમણે તો ના કહી દીધેલી. છતાં તેમની ઉત્કૃષ્ટ ગુરુભક્તિ અને ગિરનાર તીર્થ પ્રત્યેના પ્રેમ અને સમર્પણની વાતો સાંભળ્યા પછી એક વાર તો આવા મહાપુરુષના મળવું જ જોઈએ એવી ધારણા સાથે અમારી સવારી વઢવાણ પહોંચી હતી.
‘સાહેબ, ‘મિડ-ડે’થી છું. આપનાં દર્શન અને વંદન માટે ખાસ આવવાનું પ્રયોજન છે અને જો સંભવ હોય તો આપનો ઇન્ટરવ્યુ પણ લેવો છે.’
‘ઇન્ટરવ્યુ તો નહીં બહેન.’ આટલું કહીને રાબેતા મુજબ પૂજ્ય હેમવલ્લભસૂરિ મહારાજસાહેબે વાસક્ષેપ કર્યો. પછી આંખોથી કહી રહ્યા હોય કે ચાલો, વંદન થયાં હોય તો આગળ સિધાવો.
જોકે આગળ કહ્યું એમ, એ એનર્જી ફીલ્ડમાં પ્રવેશ બાદ ચેતનાનું સ્તર કોઈ જુદા જ લેવલે પહોંચ્યું હોય એવો પ્રત્યક્ષ અનુભવ થઈ જ રહ્યો હતો.
‘કાંઈ વાંધો નહીં, આપ ઇન્ટરવ્યુ ન આપો પણ મનમાં કેટલાક પ્રશ્નો છે એનું સમાધાન કરશો તો કૃપા થશે. પછી જો શક્ય બનશે તો હું મારી અનુભૂતિ લખીશ.’
તેમને એ વાતમાં પણ કંઈ ખાસ રુચિ નહોતી પરંતુ શિષ્ટાચારની દૃષ્ટિએ તેમણે મૌન જ રાખ્યું. અને અમે પહેલો જ પ્રશ્ન તેમને પૂછ્યો, ‘સાહેબ, અમે એક દિવસ પણ આયંબિલનું ખાઈ નથી શકતા. સ્વાદિષ્ટ ભોજન માટે તો શું નથી કરતા અમે? ત્યારે તમને સ્વાદનો પ્રશ્ન જ નથી આવતો. જીવનભર આયંબિલનું ભોજન? તમને ભાવે કેવી રીતે?’
કદાચ સાંભળવામાં બાલિશ લાગે પણ આજે દુનિયાના બહુતાંશ લોકોની પહેલી પ્રાયોરિટી બનેલા સ્વાદિષ્ટ આહારને લગતા આ પ્રશ્નનો જવાબ આપતી વખતે પૂજ્યશ્રીની ગંભીરતા અકબંધ હતી. ‘મેં કંઈ કર્યું નથી, મારા ગુરુજીની ઇચ્છા પૂરી કરી રહ્યો છું બસ. તેર વર્ષ મહાપુરુષની (તપશિરોમણિ અને સહસાવન ગિરનારના તીર્થોદ્ધારક હિમાંશુસૂરિ મહારાજ) સેવામાં રહ્યો અને છેલ્લે તેમણે વચન માગ્યું અને મેં આપ્યું એમાં કંઈ જ નવાઈ નથી. તેઓશ્રીના કારણે જ હું તો આયંબિલ કરું છું.’
મહારાજશ્રીની સહજતા અકબંધ હતી. અને હજીયે મારી આંખોની જિજ્ઞાસાને વાંચતા હોય એમ તેમણે આગળ કહ્યું, ‘અત્યારે સૌથી વધુ પડકારજનક કોઈ બાબત હોય તો એ છે રસનેન્દ્રિયને કાબૂમાં રાખવી. સૌથી અઘરું છે એ. જો રસનેન્દ્રિય કાબૂમાં હોય તો બાકીની બધી જ ઇન્દ્રિયો તમારા કહ્યામાં રહેશે. ટેસ્ટ બડ્ઝને કાબૂમાં રાખવાનો સૌથી સરળ રસ્તો છે તપ. તમે તપના અગ્નિમાં તમારી રસનેન્દ્રિયને તપાવો તો તમારી શુદ્ધિની શરૂઆત થઈ જાય.’
એ બધું બરાબર પણ ૨૭ વર્ષથી અને હવે પછી ક્યારેય તમે ફ્રૂટ્સ નહીં ખાઓ, ક્યારેય દૂધ, દહીં, ઘી, મસાલેદાર વાનગીઓ, ફરસાણ, મીઠાઈઓ તમારા ભોજનમાં આવશે જ નહીં એવું તો કેવી રીતે શક્ય બને? આમને આમ તો તમે શરીરથી નબળા પડી જશો. જેમણે શાસનનાં મોટાં-મોટાં કામ કરવા હોય તેમણે તો પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવા જ કંઈક તર્ક અમારા મનમાં ચાલતા હતા જેના જવાબો પણ પૂજ્યશ્રીએ આપ્યા. જોકે એ વાત કરીએ એ પહેલાં જેમના માટે આયંબિલ નવો શબ્દ છે તેમને કહેવાનું કે દરેક ધર્મમાં વિવિધ તપ અને વ્રતની વાત આવે છે એમ જૈનોમાં આયંબિલ નામનું એક તપ છે જેમાં દિવસમાં માત્ર એક જ વાર, એમાં પણ મોટા ભાગે બપોરના સમયે ભોજન લેવાનું એક સ્થાન પર બેસીને અને એ ભોજનમાં શું લેવાનું? તો ઘી, દૂધ, તેલ, દહીં, ગોળ, સાકર, લીલી શાકભાજી, ફળ-ફ્રૂટ્સ વિનાનો આહાર. તમને થશે કે તો ખાવાનું શું? ઘઉં, ચોખા, દાળ જેવાં ધાનમાં મીઠું અને પાણીનો ઉપયોગ કરીને બનતી વાનગીઓ જ વાપરવાની. બાફેલી ઘી-તેલ કે મસાલા વિનાની ખીચડી, ખીચું, સૂકી રોટલી, ચણા, તેલ-મસાલા વિનાની દાળ વગેરે આહારમાં હોય. તમને થશે કે તો પછી શરીરને ફાઇબર ક્યાંથી મળે? ફ્રૂટ્સ અને વેજિટેબલ્સમાંથી મળતાં માઇક્રો વિટામિન્સનું શું? હીમોગ્લોબિન ઘટી ન જાય? અમને પણ આ જ પ્રશ્ન થયો અને પૂજ્યશ્રીએ જવાબ આપ્યો, ‘થોડાક મહિનાઓ પહેલાં મારી તબિયત સહેજ નાદુરસ્ત હતી. સામાન્ય હવામાનફેરની અસર હતી, પરંતુ સંઘના કેટલાક અગ્રણીઓને ચિંતા થઈ અને આજે ખોરાકમાં બધાં જ પોષક તત્ત્વો ન લેતા હો તો તમે માંદા પડી જાઓ એ વાત તો બધાના મનમાં ઘર કરી ગઈ છે એટલે ના પાડતાં પણ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તેમણે તપાસ કરી અને બધા જ રિપોર્ટ કર્યા. હીમોગ્લોબિનનું પ્રમાણ હતું ૧૪.૪. બધું જ ખાનારા લોકોનું પણ હીમોગ્લોબિન તેરથી વધુ તો માંડ જતું હોય છે. બધાં જ વિટામિન્સ પર્ફેક્ટ. મારી પાસે દેવગુરુ કૃપા સ્વરૂપ વિટામિન ‘K’ છે, જેમાં ‘A’ ટુ ‘Z’ વિટામિન આવી જાય છે. છેલ્લે ડૉક્ટરોએ મને ‘ઍબ્નૉર્મલી હેલ્ધી’ની ઉપમા આપવી પડી. મને આમાં નવાઈ નથી લાગતી. ઘણા લોકો કહે છે કે બાળપણમાં તો ઉપવાસ કરાય જ નહીં. શરીરનો ગ્રોઇંગ સમય હોય અને નબળાઈ આવવાથી વિકાસ અટકી જાય. જોકે આ અનુભવસિદ્ધ બાબત છે કે તપથી બુદ્ધિ શાર્પ થાય. તપ કરનારી વ્યક્તિનો વિષય અને કષાય પર કાબૂ આવે, આસક્તિ ઘટે, આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માગતી વ્યક્તિ માટે તપ અનિવાર્ય છે. તમે તપ કરો એટલે કર્મનાં બંધનો છૂટતાં જાય અને જ્ઞાન પરનું આવરણ પણ હટતું જાય. કોણ કહે છે કે ઊર્જાનો સ્રોત માત્ર આહાર જ છે. આજે હું સવારે ચાર વાગ્યાથી રાતે અગિયાર વાગ્યા સુધી કામ કરું છું. એક મિનિટનો પણ આરામ નથી હોતો છતાં બહુ જ આનંદ લાગતો હોય છે.’
પૂજ્યશ્રીના શબ્દોમાં દૃઢતાની સાથે નમ્રતા હતી. અહીં ઉલ્લેખનીય છે કે લગભગ દસ વર્ષ પહેલાં સુધી તેઓ યોગઅભ્યાસ પણ કરતા હતા. ગિરનાર તીર્થને આ મહાત્માએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેમના જીવનની ઘટમાળની વાતો પણ ખૂબ જ પ્રભાવશાળી છે. ઘાટકોપરમાં રહેતા અને સોમૈયા કૉલેજમાં અભ્યાસ કરનારો યુવાન જીવનને જુદી રીતે માણતો હતો. એવામાં ગણિવર્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબનાં પ્રવચન સાંભળ્યા પછી દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. ગુરુદેવે તેમની પાત્રતા જોઈને દીક્ષા આપી અને સંયમ ગ્રહણ કર્યાના દોઢ જ વર્ષમાં ૩૦૦૦ ઉપવાસ, ૧૧,૫૦૦ આયંબિલના ઘોર તપસ્વી સહસાવન (ગિરનાર) તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી હિમાંશુસૂરિ મહારાજા ૮૩ વર્ષની ઉંમરે જિનશાસનમાં સંઘ એકતા માટે અખંડ આયંબિલ કરી એકલપંડી લડત આપી રહ્યા હતા. એવા સંજોગોને કારણે હેમવલ્લભસૂરિ મહારાજ પણ કાર્યમાં જોડાયા. તેર વર્ષ દરરોજ તેમણે પૂજ્ય હિમાંશુસૂરિ મહારાજની સેવા કરી, તેમનો આયંબિલનો સંકલ્પ છેલ્લા સમયે પોતાના શિરે લઈ લીધો અને દરરોજ ગિરનારની યાત્રા કરીને તીર્થની સેવા અને તીર્થની સંભાળ માટે જાતને સમર્પિત કરી દીધી. એક તરફ ગુરુભક્તિ એવી કે શબ્દો ઓછા લાગે અને બીજી તરફ તીર્થ પ્રત્યેનો લગાવ એટલો કે જીવ આપી દેવાની તૈયારી. આજે દેશના દરેક ગામમાં, શહેરમાં, નેમિનાથ ભગવાન મૂળનાયક હોય એવું એક જિનાલય બનાવવું, નેમિનાથ દાદાના કલ્યાણક દિવસોએ અઠ્ઠમની આરાધના, ગિરનારની ભાવયાત્રા, ગિરનારનો છરિપાલિત સંઘ, ગિરનારમાં ઉપધાન જેવા અઢળક પ્રસંગો થકી ગિરનાર પ્રત્યે જૈનોની ચેતનાને જગાડવાનું કામ થયું; જેમાં પૂજ્યશ્રીએ અનેક રીતે યોગદાન આપ્યું. અત્યાર સુધીમાં તેમણે ગિરનાર તીર્થ માટેનું અઢળક સાહિત્ય સંકલિત કરીને એને પ્રકાશિત કર્યું છે. એક સમય હતો જ્યારે આખા વરસમાં ગિરનારની યાત્રાએ જતા જૈનોની સંખ્યા માંડ ચાર હજાર હતી, જે સંખ્યા આજે વધીને ચાર લાખ ઉપરાંત વધી ગઈ છે.
‘ના, આમાં મેં કંઈ જ નથી કર્યું. તીર્થ આપણી રક્ષા કરે. હું કોણ આવડા મોટા તીર્થની રક્ષા કરનારો. આ તો તીર્થનું અપમાન છે. મારી એવી તાકાત નથી. હું તીર્થનો સેવક છું અને તીર્થની સેવા કરી રહ્યો છે. બાકી મારું કોઈ ગજું નથી’ કંઈક આવા શબ્દોમાં પૂજ્યશ્રી તીર્થ માટેની પોતાની ભાવના પ્રગટ કરે છે.
આપ ગિરનાર અને એની આસપાસ જ રહો છો, બીજે ક્યાંય જવાનું મન નથી થતું આપને? આ પ્રશ્નના જવાબમાં પૂજ્યશ્રી કહે છે, ‘વૈરાગ્ય શતક ગ્રંથ કહે છે કે આજ સુધી એક એવી જગ્યા નથી જ્યાં આપણાં જન્મ-મરણ ન થયાં હોય. અંદરની સાધના કરવાની છે અને એ ચાલી રહી છે. બહાર કંઈ જ નથી. બહાર ભટકીએ ત્યારે દુઃખની શરૂઆત થાય. આપણે તો ખોજ અંદર કરવાની છે.’