અમેરિકાના ક્રોધ સામે પાકિસ્તાન ક્યાંય ખુલ્લું પડી શકે એમ નથી એટલે સાથીદાર થવાની ભૂમિકા ભજવવા તૈયાર થઈને વર્તે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
આજે પાકિસ્તાનની હાલત કેવી કફોડી છે એ જુઓ તમે. અમેરિકાના ક્રોધ સામે પાકિસ્તાન ક્યાંય ખુલ્લું પડી શકે એમ નથી એટલે સાથીદાર થવાની ભૂમિકા ભજવવા તૈયાર થઈને વર્તે છે. આને કરમની કઠણાઈ કહેવાય. મનમાં ભાવ જુદો છે અને એ પછી પણ એણે વર્તવું જુદું પડે છે. જમાદારની બીક છે તો બીજી તરફ મૌલવીઓએ પોતાની ઓથમાં લઈને બેઠેલા આતંકવાદીઓની પણ બીક છે. આ બધા વચ્ચે જનતા પણ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ છે. જનતાનો એક હિસ્સો ભૂખે મરે છે તો બીજો હિસ્સો આતંકવાદીઓના પડખે જઈને ઊભો રહી ગયો છે. જો આ બધામાં હજી સાચું માર્ગદર્શન ન મળ્યું તો સમય જતાં આ બીજા પ્રકારની જનતાનો આંક મોટો થવા માંડશે.
હું તો કહીશ કે કદાચ સમય વિતાવવા માટે જ નાટક ખેલાઈ રહ્યું છે. જેમ-જેમ સમય વીતશે તેમ-તેમ પાકિસ્તાનમાં આતંકવાદના સમર્થકો વધવાના છે. જે છૂપા છે તે પ્રગટ થવાની હિંમત કરશે જ. અમેરિકાનું જ નહીં, દુનિયાના એ બધા દેશોનું કામ ઘણું મુશ્કેલ થઈ જશે જે આતંકવાદવિરોધી છે. જરા વિચારો કે એક સમય હતો કે લોકો એવું માનતા કે આતંકવાદ વ્યક્તિગત રીતે સચવાયેલું પાપ છે; પણ ના, એવું નથી. આતંકવાદનાં મૂળ કોઈ વ્યક્તિવિશેષ છે જ નહીં, પણ આતંકવાદની તલવાર જેમાં છે એ વિચારધારા જ એનું મૂળ છે. યાદ રહે કે જ્યાં સુધી ધાર્મિક વિચારધારાને સુધારવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને નષ્ટ કરવાથી પાયાનું કામ થઈ શકવાનું નથી. આ કામ બીજા દેશો કરે એના કરતાં ઇસ્લામના સાચા વ્યાખ્યાતાઓ કરે એમાં જ સૌનું કલ્યાણ છે. અન્યથા બહુ ખરાબ દિવસો જોવાનો વારો આવી શકે છે અને આતંકવાદ બૂમરૅન્ગ થશે.
ADVERTISEMENT
વિશ્વભરમાં ફેલાયેલી હજારો મદરેસાઓમાંથી ઇસ્લામની કલ્યાણકારી અને માનવતાભરી ધારણાઓ પ્રગટવી જોઈએ. જો આવું ન કરી શકાયું તો થોડાક ગુમરાહ થયેલા માણસો દ્વારા થનારો આતંકવાદ પૂરી પ્રજા પર બૂમરૅન્ગ થઈને પડશે. નિર્દોષ માણસોનો નાશ કરનાર પોતાના નિર્દોષ માણસોને કેવી રીતે બચાવી શકશે? આગમાં સૂકાની સાથે લીલું પણ બળી જતું હોય છે એટલે આગ લગાડનારાને રોકો, અટકાવો, આવનારો ભયંકર વિનાશ જુઓ અને સૌને બચાવો. જો બચાવવાની આ પ્રક્રિયા કરવામાં ઓછા ઊતર્યા તો ધારી લેવું કે પાકિસ્તાન છે એના કરતાં પણ વધારે દુઃખી થવાના દિવસો જાતે જ માંડી રહ્યું છે અને મંડાયેલા એ દિવસોમાં માત્ર ને માત્ર હેરાનગતિ સિવાય કશું લખ્યું નહીં હોય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


