Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > હવે આપણે શાની ગુલામી કરીએ છીએ?

હવે આપણે શાની ગુલામી કરીએ છીએ?

02 December, 2023 12:51 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ઍબલિશન ઑફ સ્લેવરી ડે  ગુલામીને જો આપણે બહોળા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સમજાશે કે આપણે રહીએ ભલે આઝાદ ભારતમાં, પણ હજી આપણે કેટલાય જુદા-જુદા પ્રકારે ગુલામ છીએ. આપણે કઈ બાબતોને લીધે પરાધીન છીએ અને એને કારણે વિવશતા કે પરવશતા અનુભવીએ છીએ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુલામી એક એવી જંજીર છે જે સતત તોડતી રહેવી પડે છે. આપણે એક રાષ્ટ્ર તરીકે ૨૦૦ વર્ષ અંગ્રેજોની ગુલામી કરી છે જેનાથી મુક્ત થવા આપણે ખૂબ લડ્યા અને ૭૬ વર્ષ પહેલાં આઝાદી મેળવી. પરંતુ આ આઝાદ ભારતની અંદર આજે શું આપણે ગુલામીથી મુક્ત છીએ? હજી પણ કદાચ માણસો બીજા માણસોને ગુલામ બનાવીને રાખે એ પરિસ્થિતિ અકબંધ જ છે. પરંતુ ગુલામીને એક બહોળા પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો કેટલી જુદા-જુદા પ્રકારની ગુલામી આપણે સૌએ સ્વેચ્છાએ સ્વીકારી લીધી છે. આજે જાણીએ લોકો પાસેથી કે જો ગુલામીની સામે બ્યુગલ ફૂંકવું જોઈએ એવું તમે માનતા હો તો હાલના સમયમાં આપણે કે આાપણા સમાજે કેવા પ્રકારની ગુલામીમાંથી  મુક્ત થવા મથવું જોઈએ.


આજનો માણસ પૈસાનો ગુલામ છે : નાભિરાજ મહેતા, આર્ટ‍્સ બેઝ્ડ થેરપી એજ્યુકેટર અને પ્રૅક્ટિશનર 
ગુલામીને હું એક બંધન સ્વરૂપે જોઉં છું. આજના સમયે આપણે કોઈ વસ્તુથી જો બંધાઈ ગયા હોય તો એ છે પૈસો. એક સમય હતો કે માણસને પૈસો પોતાનું ગુજરાન ચલાવવા માટે જોઈતો હતો. આમ જીવન માટે પૈસો જરૂરી હતો. આજે પૈસા માટે જીવન જરૂરી થઈ ગયું છે. મટીરિયલિસ્ટિક જીવન જીવતા થઈ ગયા છીએ આપણે બધા. આ પ્રકારનું ઘર, આવી ગાડી, આવાં કપડાં, આનાથી નીચે તો ચાલે જ નહીંવાળી માનસિકતા આ બધું જ એક મોટું બંધન છે. ઍપલથી નીચેનો ફોન નહીં અને મર્સિડીઝથી નીચે કોઈ ગાડી નહીંવાળી અવસ્થામાં આપણે આપણી જાતને ગુલામ બનાવી દીધી છે. સ્ટેટસ આપણાથી હોય, પણ આપણે હવે એનાથી ચાલવા લાગ્યા છીએ. આ ગુલામી નથી તો બીજું શું છે? બીજી એક ગુલામી છે સ્વાદની. આપણને ખાવાનો કેટલો મોહ છે! આ ખાઈ લઈએ અને પેલું ખાઈ લઈએ. નવી-નવી રેસ્ટોરન્ટ, નવી-નવી વાનગીઓ અને બસ ખા-ખા-ખા. માઇન્ડફુલનેસ નથી એમાં. બસ, ખાધા જ કરીએ છીએ. શોખ હોય ત્યાં સુધી ઠીક, પણ ખાધા વગર ચાલે જ નહીં એવી પરવશતા એ ગુલામી છે. આપણે જીભના પણ ગુલામ છીએ. પૈસો અને સ્વાદ આ બંને પ્રકારની ગુલામીથી લડવા માટે એક જ હથિયાર છે જે કામ લાગી શકે છે. એ છે સભાનતા અને શાણપણ. ક્યાં જઈને અટકવું એ સમજાઈ જાય એટલે તમે એનાથી મુક્ત. 



મશીનો અને ટેક્નૉલૉજીની ગુલામીથી બચવા સતર્કતા જરૂરી : સેજલ શાહ, કવિ, વિવેચક, ગુજરાતીનાં અધ્યાપિકા 
ગુલામી આપણે અત્યારે કરીએ છીએ એ છે ટેક્નૉલૉજી અને મશીનની. મશીનની ઉત્પત્તિ એટલે થઈ કે એ માણસને ઉપયોગી થઈ શકે. પરંતુ એનો ઉપયોગ આપણે એટલો વધારી દીધો કે હવે આપણે કશું કરવું જ નથી. બધાં જ કામ મશીન કરે એવું પરાવલંબન મશીનો પર આપણું થયું અને આપણે એના ગુલામ બની ગયા. કોઈ જોડે કમ્યુનિકેટ કરવામાં મશીન ઉપયોગી છે પણ એ કમ્યુનિકેશનના મશીનનો ઉપયોગ આપણે હવે અલાર્મ રાખવામાં, ગણતરીઓ કરવામાં, દરેક વસ્તુ યાદ કરવા માટેના અલર્ટ્સ ગોઠવવા માટે કરવા લાગ્યા. એક સમય હતો જ્યારે આપણને ૨૦-૨૫ નંબર તો મોઢે યાદ રહેતા. હવે આપણે આપણી નજીકની વ્યક્તિનો નંબર પણ મોઢે યાદ રાખતા હોય તો બહુ મોટી વાત છે. આપ્તજનોના જન્મદિવસ પણ આપણને ગૂગલ કે ફેસબુક યાદ દેવડાવે તો યાદ રહે છે. એક સમયે આપણે ઓછા એક્સપોઝરમાં હતા પણ આપણે આપણા માટે 
પૂર્ણ હતા. આપણાં કામો જાતે કરી શકવાની ક્ષમતા અને દાનત બંને રાખતા, જે આજે નથી જોવા મળતી. આ મશીનોની ગુલામી આપણને ખૂબ ભારે પડવાની છે. ચૅટ-જીપીટી આવી ગયું છે અને એ માણસોની જગ્યાએ આપણા જીવનમાં ગોઠવાઈ જાય એ પહેલાં આ ગુલામીમાંથી મુક્તિ મેળવવા આપણે સતર્ક થવું જરૂરી છે. 


આર્થિક સ્વતંત્રતા સ્ત્રીને મુક્ત કરી શકે છે : ઉષા ઠક્કર, મણિભવન, ગાંધી સંગ્રહાલયનાં પ્રેસિડન્ટ
જ્યારે આપણે કોઈ બીબાઢાળ પરિસ્થિતિ કે જે આપણો વિકાસ થવા નથી દેતી, જેવા છે એવા જ રહેવા માટે મજબૂર કરે છે એ ગુલામી છે. એ આપણી માનસિક, શારીરિક, આર્થિક કે સામાજિક ક્ષમતાઓને લિમિટેડ કરી નાખે છે. સંપૂર્ણ આઝાદી તો ત્યારે જ મળે જ્યારે આ દરેક ક્ષેત્રમાં આઝાદ થઈએ. તકલીફ એ છે કે આપણી સંવેદનાઓ મરી પરવારી છે. નહીંતર દરરોજ સ્ત્રી સામે થતા આટલા અત્યાચારો જોઈને આપણું કાળજું કંપે નહીં? સ્ત્રીઓ હજી પણ ગુલામ છે. ઘણી વાર સમાજની જૂની રૂઢિઓ એને ગુલામ બનાવે છે તો ઘણી વાર એના ખુદના જ વિચારો એને બાંધે છે. ગુલામીની એટલી આદત પડી છે વર્ષોની કે એને આઝાદ થવાનું શીખતાં વાર લાગે છે. હું માનું છું કે આર્થિક સ્વતંત્રતા સ્ત્રીને આ ગુલામીમાંથી મુક્ત કરી શકે છે. આપણે અંગ્રેજોથી આઝાદ થયા પણ પશ્ચિમના મોહથી આપણને કોણ આઝાદ કરશે? આપણે આર્થિક રીતે સધ્ધર થયા, પરંતુ ઉપભોક્તાવાદના ગુલામ બન્યા. આ ગુલામીમાંથી નીકળવા અંતરાત્માને ઢંઢોળવો પડશે. બધું ઠીક છે, ચાલશેની ભાવના સાથે તર્કને મારી દઈએ છીએ. મનના અવાજને દબાવી દઈએ છીએ. સાચા માર્ગ પર ચાલીશું તો સાચા અર્થમાં આઝાદ ચોક્કસ થઈ શકીશું. 

દેખાડાની માનસિકતાની ગુલામી આપણને ભારે પડી રહી છે : અનીતા પટેલ કોરડે, ડિરેક્ટર, હેરિટેજ ફાઉન્ડેશન અને લેખક 
આપણે સૌથી મોટા ગુલામ છીએ આજે જુદી-જુદી માનસિકતાઓના. એમાંની એક માનસિકતા છે - જે દેખાય છે એ વેચાય છે. એક સમય હતો કે આપણે આપણાં બાળકોને કહેતા કે બેટા, ખૂબ ભણ, મહેનત કર, પરિશ્રમ કરીશ ત્યારે તારું નામ થશે અને પૈસો મળશે. આજે એક પીએચડી હોલ્ડર પોતાના ઘરથી બે કલાક દૂર ઑફિસ જાય, સવારે ૯ થી ૫ સુધી મહેનત કરે અને માંડ ૨૫-૫૦ હજાર રૂપિયા કમાય અને એની સામે બુદ્ધિ વગરના લોકો ૫૦ સેકન્ડની રીલ બનાવી ફેમસ થઈ જાય. ભેજા વગરની કન્ટેન્ટ બનાવીને ઇન્ફ્લુઅન્સર બની જાય અને લોકોના જીવનને ઇન્ફ્લુઅન્સ કરતા થઈ જાય. જે બાળકોને આપણે ગરિમા સાથે મોટાં કર્યાં હોય એમની જ જનરેશનની કોઈ વ્યક્તિ ચિત્રવિચિત્ર કપડાં પહેરીને લાખો કમાતી થઈ જાય ત્યારે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ તો વિચારવું જ રહ્યું. આ ઝટ દઈને કમાઈ લેવાની, રાતોરાત ફેમસ થઈ જવાની, દેખાડાની માનસિકતાની ગુલામી આપણને ક્યાં લઈ જશે અને આપણે ક્યાં જઈને અટકીશું, મને નથી ખબર. આજે ટીનેજર બાળકો એવું કહેતાં થઈ ગયા છે કે ભણવાની શું જરૂર છે, તમારી અંદર ટૅલન્ટ હોવી જરૂરી છે. તેઓ પણ ભણવાને બદલે, સારી રીલ બનાવવાની 
કોશિશ કરતાં જોવા મળે છે. એમાં તેમને વધુ રસ પડે છે. આ માનસિકતાઓ એક રોગની જેમ સમાજમાં ફેલાઈ રહી છે. જરૂર છે આ ગુલામીમાંથી બહાર આવવાની, પણ એના માટે ખૂબ પરિશ્રમ અનિવાર્ય છે. 


પરવશતા અને પરાવલંબી જીવન એ જ ગુલામીઃ  અજય ગોસલિયા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, વડલો નામની સિનિયર સિટિઝન માટે કાર્યરત સંસ્થાના પ્રેસિડન્ટ
ગુલામીને હું પરવશતા કે પરાવલંબનની રીતે જોઉં છું. જોરજુલમ જેવી ગુલામી તો હવે ભાગ્યે જ હોય છે પરંતુ જેના પર તમે આધીન હો એની વાત કરીએ તો માણસ અત્યારે સૌથી વધુ એના પરિવાર પર આધીન હોય છે. આ પરિવાર યુનિટમાં સૌથી ખરાબ હાલત ટૉડલર્સની અને વૃદ્ધોની છે, કારણ કે ટૉડલર્સ તેમનાં માતા-પિતા પર અને વૃદ્ધો તેમનાં બાળકો પર આધીન છે. પાંચ વર્ષના બાળકની માતાને આજે ખબર નથી હોતી કે તેને કયા પ્રકારનો પોષણયુક્ત ખોરાક દેવો જોઈએ. તેઓ વગર મીઠું કે ખાંડ નાખેલો કોઈ પણ સ્વાદ વગરનો ખોરાક બાળકને આપીને કહે છે કે સફેદ વસ્તુ આપણે અવૉઇડ કરવાની છે એટલે મીઠું કે ખાંડ ખોરાકમાં લેવા નહીં. બિચારું બાળક, તેને સ્વાદ શું છે એની ઓળખ જ નથી કરાવતા. તેને જે સમય, સાચી કૅર મળવાં જોઈએ એ આપ્યા વગર માતા-પિતા પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયાં છે. બીજી બાજુ પાર્ટી માટે સમય છે પણ માતા-પિતા પાસે બે ઘડી બેસવા કે તેમને જોઈતી કૅર આપવા માટે તેમની પાસે નથી સમય કે નથી લાગણી. આ પરવશતા વિવશતામાં બદલાઈ જાય છે. બાળકો કહે એમ કરવાનું અને 
એમ જ જીવવાનું એમાં માતા-પિતાની ગુલામી અને માતા-પિતા જેમ મન ફાવે તેમ ઉછેરે એમ ઊછરતાં બિચારાં બાળકોની આવી ગુલામી સામે લડવું જરૂરી છે. એની સામે સમાજમાં બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપતાં અને માતા-પિતાની સેવ કરતાં લોકો પણ છે જ પરંતુ સમાજનો એક મોટો હિસ્સો આજે આ પ્રકારની પરવશતા અને બિચારાપણામાં જીવે છે, જેની સામે કોઈ પગલાં લેવાં જરૂરી છે. 

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2023 12:51 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK