વ્યક્તિ એ આનંદ પામે, એ હળવાશનો અનુભવ કરે જે તેણે જન્મ સમયે કર્યો છે. આજના આ અતિપવિત્ર અને શુભ દિવસે તેમને જઈને મિચ્છા મિ દુક્કડં કરજો જેમની સાથે નામશેષ સંબંધો રહ્યા નથી અને જેમના માટે મનમાં ભારોભાર ખુન્નસ પ્રસરેલું છે

પર્યુષણ 2023
એક લાખનો મોબાઇલ ટૅક્સીમાં ભૂલી જવો કે એક લાખનું કવર ગાડીમાં ભૂલી જવું એ આસાન છે.
કપાળ પર રહેતાં સોનાની ફ્રેમવાળાં ચશ્માં હોટેલમાં ભૂલી જવાં કે ગળામાંથી કાઢેલો સોનાનો નેકલેસ બાથરૂમમાં ભૂલી જવો એય આસાન છે. સામી વ્યક્તિને પાંચ લાખની બાઇક ભેટ આપી દેવી કે આત્મીયતાના નામે સગા ભાઈને એક કરોડનો બંગલો ભેટ દેવો આસાન છે.
સામો ભિખારી ખુદને છેતરી રહ્યો છે એ જાણ્યા પછી પણ તેના હાથમાં ૧૦૦ રૂપિયાની નોટ પકડાવી દેવી સહેલી છે અને ડ્રાઇવર માંદગીનું જૂઠું બહાનું કાઢી રહ્યો છે એ ખ્યાલ આવી ગયા પછીય માંદગીના નામે તેણે માગેલા ૫૦૦૦ રૂપિયા તેને આપી દેવા એક વાર સહેલા છે, પણ સામા માણસે જાણીજોઈને પોતાને હેરાન કર્યો છે, પોતાની સાથે છેતરપિંડી કરી છે, અપરાધી પોતે હોવા છતાં સામાને અપરાધી ઠેરવવાના બાલિશ પ્રયાસ કર્યા છે અને એમાંય પોતે નોકર હોવા છતાં શેઠ સામે જાણીજોઈને જેણે બદતમીઝી કરી છે એ વ્યક્તિની એ બદતમીઝીને ભૂલી જઈ તેને પ્રેમ આપવો એ તો ભારેમાં ભારે કઠિનતમ અને અસંભવ કહેવાય એવું કાર્ય છે.
ઇન્દોરના આંગણે સામુદાયિક ‘પુણ્યકળશ તપ’ની આરાધના થઈ. એના સમાપનના પ્રવચનમાં આરાધકો સામે એક પ્રસ્તાવ મૂક્યો.
‘જે પણ પરિવારમાં એક કરતાં વધુ આરાધકોએ આ તપ કર્યું છે એ તમામને એટલું જ કહેવું છે કે એક કળશ ભલે તમે તમારા ઘરમાં પધરાવો, પણ એ સિવાયના જે પણ કળશ તમારી પાસે હોય એ તમારાં મામા-માસીને ત્યાં ન પહોંચાડતા. જેની સાથે તમારે બોલવાનો વ્યવહાર ન હોય, જેની સાથે તમારે દુશ્મનાવટ ઊભી થઈ ગઈ હોય તેના ઘરે જઈને તેને ગળે વળગાડી, તેના પ્રતિભાવની પરવા કર્યા વિના તેની ક્ષમા માગી લઈ તેને ત્યાં આ પુણ્યકળશ પહોંચાડી દો. પુણ્યકળશ તપની તમે કરેલી આરાધનાને ચાર ચાંદ લાગી જશે એની જવાબદારી મારી.
પ્રસ્તુત પ્રસ્તાવ મૂક્યા પછી શું બન્યું એની વાત તમને આજે સવંત્સરીના દિવસે મારે કરવી છે.
પુણ્યકળશ તપની આરાધનામાં જે પરિવારના સાત-સાત આરાધકો જોડાયા હતા એ પરિવારના બે વડીલોને પોતાની જ કંપનીના એક માણસની નીચતા અને નાલાયકતાને કારણે વર્ષોથી અણબનાવ થઈ ગયો હતો.
‘આખા જગતને આપણે માફ કરી દઈશું, પણ આ માણસને તો આપણે ક્યારેય માફ નહીં કરીએ...’
એવી એ બન્ને વડીલોના મનમાં ગાંઠ બંધાઈ ગઈ હતી, ગાંઠ
પણ કેવી; છોડી છૂટે નહીં અને તોડી તૂટે નહીં. પ્રવચનમાં પ્રસ્તાવ મૂક્યો, જે એ બન્ને વડીલોએ સાંભળ્યો અને બન્નેએ નક્કી કર્યું કે પુણ્યકળશ તપની આરાધના કહી છે એવા જ ભાવ સાથે કરવી છે.
એ બન્ને વડીલોએ પોતાની કંપનીના એ માણસને સામે ચડીને ફોન કર્યો અને પૂરેપૂરા નમ્રભાવ સાથે વાત શરૂ કરી.
‘અમે બન્ને ભાઈઓ તારે ત્યાં પંદર મિનિટમાં જ પહોંચીએ છીએ, તારો વધારે સમય નહીં લઈએ...’
‘પણ શું કામ હતું?’
‘રૂબરૂ જ વાત કરીએ...’ વડીલે વિનંતીના સૂર સાથે કહી દીધું, ‘જો કામમાં હોય તો અમે બહાર રાહ જોઈશું, પણ મળવું છે એ નક્કી છે.’
પેલો કંઈ પૂછે કે કહે એ પહેલાં તો ફોન કપાઈ ગયો અને બન્ને પોતાના યુવાન પુત્રોને લઈને તેને ત્યાં પહોંચ્યા. એ માણસ પણ સામે ચાલીને તેમને લેવા માટે નીચે આવ્યો. સૌની આંખમાં હર્ષનાં આંસુ ચાલ્યાં.
એ માણસને ગળે વળગાડીને વડીલોએ તેના પૂજાસ્થાને પુણ્યકળશની પધરામણી કરી અને ક્ષમાપના કરી. એ માણસે સૌનાં મોઢાં મીઠાં કરાવ્યાં અને ત્યાંથી સીધા એ સૌ મારી પાસે આવ્યા અને માત્ર એટલું બોલ્યા,
‘ગુરુદેવ, આવો આનંદ જિંદગીમાં ક્યારેય અનુભવ્યો નથી. અમ સૌનાં હૈયે અત્યારે જે હળવાશ અનુભવાય છે એનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય જ નથી.’
આ જ હળવાશ અને આ જ આનંદ આજના આ પર્વાધિરાજ પર્યુષણના અંતિમ દિવસ એવા સંવત્સરી સમયે તમે પણ પામી શકો છો. બસ, કરવાનું એટલું જ છે, જઈને એ સૌને મિચ્છા મિ દુક્કડં કહી દો, જેની સાથે બોલવાનો વ્યવહાર નથી રહ્યો. તેના પ્રતિભાવની પરવા કર્યા વિના તેમને ગળે વળગાડો. આ જ મહાવીરસ્વામીએ સૂચવેલું સાચું પ્રાયશ્ચિત્ત છે.
પોતાનાને મિચ્છા મિ દુક્કડં તો સૌ કરે, પણ જે મનમાંથી, હૃદયમાંથી ઊતરી ગયા છે તેમને ફરી હૃદયાસન પર બિરાજમાન કરવા એ જ સવંત્સરીની સાચી ઉજવણી છે.