મૂડ અને ચંદ્રને સીધો સંબંધ છે. જ્યારે કંઈ કરવાનો મૂડ ન આવતો હોય ત્યારે માનવું કે ચંદ્ર પ્રભાવી બનીને અસર દર્શાવે છે. ચંદ્રની આ નકારાત્મક અસર ઘટાડવા માટે શું કરવું જોઈએ?
પ્રતીકાત્મક તસવીર
જો પૂનમ અને અમાસના દિવસોમાં દરિયો પણ અસર દર્શાવતો હોય તો શરીર કેવી રીતે એનાથી દૂર રહી શકે? શરીરમાં પણ મહત્તમ પ્રમાણમાં પાણી છે એટલે એને પણ ચંદ્રની અસર થયા વિના રહે નહીં, પણ જવાબદારીઓના સમયમાં મૂડની સાથે ચાલી પણ ન શકાય. સમયસર કામ થાય એ પણ અગત્યનું હોય અને સંબંધોમાં પણ મૂડની કોઈ અસર વર્તાય નહીં એ પણ એટલું જ જરૂરી હોય. એમ છતાં જો એવું ન થઈ શકતું હોય અને મૂડલેસનેસ અકબંધ રહે તો એને દૂર કરવાના કેટલાક સરળ રસ્તાઓ છે એને અપનાવવા જોઈએ. મૂડલેસનેસ દૂર કરવાના ઉપાયો કયા છે એ જોઈએ.
૧. સફેદ કલરથી અંતર કરો
ADVERTISEMENT
શ્વેત વસ્ત્રો કે પછી શ્વેત કલર આવતો હોય એવી આઇટમથી દૂર રહેવાનું શરૂ કરવું જોઈએ. સફેદ કલર જે રીતે શુક્રનો વાહક છે એવી જ રીતે સફેદ કલર ચંદ્રનો કારક પણ છે. મૂડલેસ અવસ્થામાં વધારે પડતા સફેદ કલરની આસપાસ રહેવાથી ચંદ્ર વધુ પ્રભાવી બને છે અને એ મૂડલેસ અવસ્થાને વધારે ઘટ્ટ બનાવવાનું કામ કરે છે એટલે જ્યારે મૂડ ન હોય ત્યારે પહેલો પ્રયાસ એ કરો કે તમારી આસપાસ સફેદ કલરનું પ્રમાણ ઓછું થઈ જાય. તમે પોતે પણ સફેદ રંગનાં કપડાં પહેરવાનું શક્ય હોય તો ટાળો તો સાથોસાથ એ પણ પ્રયાસ કરો કે સફેદ રંગનું ફૂડ પણ શક્ય હોય એટલું ઓછું લો. જો ભાત કે દૂધ વિના ચાલતું ન હોય તો પ્રયાસ કરો કે એમાં હળદર ઉમેરી શકાય. દૂધમાં તો તમે ચૉકલેટનો પાઉડર પણ ઉમેરી શકો તો એવી જ રીતે દૂધ અને ભાત બન્નેમાં કેસર પણ વાપરી શકાય, પણ યાદ રહે કે એનો કલર સફેદ રહેવો ન જોઈએ.
૨. સ્નાનમાં વાપરો હળદર
રોજ સ્નાન કરતાં પહેલાં તમારા નાહવાના પાણીમાં હળદર મિક્સ કરો અને એ પાણીથી નાહવાનું રાખો. હળદર મેળવવાનું માપ પણ સમજી લેવું જોઈએ. તમારું જેટલું વજન હોય એને અનુરૂપ હળદર મેળવવી જોઈએ. દસ કિલોએ બે ગ્રામ હળદર મિક્સ કરવી એ આઇડલ માપ છે એટલે ધારો કે તમે એંસી કિલોના હો તો તમારે સોળથી વીસ ગ્રામ જેટલી હળદર નાહવાના પાણીમાં મિક્સ કરવી જોઈએ.
હળદર છે એ ગુરુત્વ ધરાવે છે. હળદર-મિશ્રિત પાણીમાં નાહવાનો અર્થ એ છે કે શરીરમાં ગુરુનું સત્ત્વ વધારવું. એક વાત યાદ રાખવી કે ચંદ્ર હંમેશાં ગુરુને આધારિત રહે છે. અચેતન કે વધારે પડતો ચેતનવંતો થયેલો ચંદ્ર ગુરુ દ્વારા શમતાપૂર્ણ બને છે એટલે હળદરવાળા પાણીથી સ્નાન કરવામાં આવે તો એ ચંદ્રને સંયમિત બનાવીને ફરીથી મૂડને ડેવલપ કરવાનું અને કામમાં જીવ પરોવવાનું કામ કરે છે.
૩. ધર્મ-ધ્યાન તરફ મન વાળો
ધારો કે તમે ધાર્મિક ન હો તો તમારે તમારું મન માનવસેવાની દિશામાં વાળવું જોઈએ અને ધારણા બાંધી હોય એના કરતાં પણ વધારે મોટી માત્રામાં સખાવત શરૂ કરવી જોઈએ. ધારી ન શકાય એવી આ ટિપ છે, પણ આ ટિપનું રિઝલ્ટ અત્યંત ઉમદા છે. જો તમે મૂડલેસ ફીલ કરતા હો અને સાથોસાથ તમને કામ કરવાનો મૂડ ન આવતો હોય તો આ રસ્તો તમારા માટે કારગત પુરવાર થશે. ગરુડપુરાણની એક વાર્તામાં આ રસ્તો દેખાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ માણસને કામ કરવાનું મન ન થાય ત્યારે તેણે પોતાની ધારણા કરતાં વધારે રકમનું દાન કરવું જોઈએ. કરવામાં આવેલા દાનથી બે પ્રકારના ફાયદા થશે.
એક, દાન મેળવનારી વ્યક્તિના ચહેરા પર આવેલી ખુશી તમને આનંદ આપવાનું કામ કરશે અને બીજું, એ આનંદ પુરવાર કરશે કે જો અન્યના ચહેરા પર ખુશી લાવવાનું કામ કરવું હશે તો તમારે કામ કરવું પડશે. બચત ક્યાંક ને ક્યાંક માણસને મૂડ મુજબ જીવવા માટે મજબૂર કરી દેતી હોય છે. ઈશ્વરે દરેકને તેની માત્રા મુજબનું પાત્ર આપ્યું છે. જો એ પાત્ર ભરાઈ જશે તો એમાં નવો સંગ્રહ નહીં થાય અને નવો સંગ્રહ કરવો હોય તો વ્યક્તિએ સમયાંતરે પાત્રમાં થોડી જગ્યા બનાવતાં રહેવું પડે. તેથી તમે જ્યારે મૂડલેસ થાઓ ત્યારે એવું કાર્ય કરો જેને લીધે સામેવાળાને ખુશી મળે અને તમને એ ખુશીથી આનંદ થાય. એક સ્પષ્ટતા, અહીં જે આપવાની વાત થઈ છે એમાં ઉછીના પૈસા આપવાના ભાવથી કોઈને મદદ નથી કરવાની, પણ આપીને ભૂલી જવાની માનસિકતા રાખવાની છે. એ માનસિકતા જ તમારા હિસ્સામાં આવેલા અક્ષયપાત્રમાં જગ્યા બનાવશે અને તમને નવું કામ કરવાની ક્ષમતા આપશે.

