પાકિસ્તાનનો સાથ લીધા વિના આતંકવાદી મૂળિયાંને જેર કરવાં શક્ય નથી એ અમેરિકા પણ જાણતું હતું અને આજે પણ જાણે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ધર્મના નામે જુદા થવાની ભૂલ એ પાકિસ્તાનની પહેલી ભૂલ તો પાકિસ્તાનની બીજી ભૂલ કઈ એના વિશે હવે વાત કરીએ. એવું લાગે છે ફરી પાછા મુસ્લિમો રાષ્ટ્રવાદની જગ્યાએ સંપ્રદાયવાદને વધુ મહત્ત્વ આપવા તરફ દોરવાઈ રહ્યા છે અને જે ભૂલ તેમણે આવા વલણથી દેશના ભાગલા પાડીને કરી હતી એ જ ભૂલનું પુનરાવર્તન હવે એ ફરી કરી રહ્યું છે. જોકે આ વખતે પ્રતિપક્ષી ભારત નથી, અમેરિકા તથા પશ્ચિમી જગત છે જે ઢચુપચુ અને કમજોર નથી. વિશ્વવ્યાપાર કેન્દ્ર, પેન્ટાગૉન અને બીજી અનેક જગ્યાઓએ વિમાનોને મિસાઇલ બનાવીને ખાનાખરાબી કરનાર આતંકવાદીઓ કોણ છે? અમેરિકાની બધી તપાસ એક જ તરફ નિર્દેશ કરતી હતી કે તે માણસ ઓસામા છે. ઓસામાને અને તેના શરણદાતા અને સાથીદારોને પકડવા કૃતસંકલ્પ અમેરિકા પ્રહાર કરવા તલપાપડ હતું. અહીં આપણે જરા જ્યૉગ્રાફિકલ વાત કરવી પડશે.
અફઘાનિસ્તાનની મોટી કમજોરી એ કે એની પાસે સમુદ્ર નથી, પણ આ જ કમજોરી ઓસામાના સમયે તેમના માટે પ્રબળ રક્ષક બનીને ઊભી રહી ગઈ. અફઘાનિસ્તાનની ચારે તરફ જમીન છે અને એ મુસ્લિમ રાષ્ટ્રોના હાથમાં છે. બધાં મુસ્લિમ રાષ્ટ્રો એકઅવાજે વિશ્વવ્યાપાર કેન્દ્રના નાશને વખોડે, પણ ઓસામા કે અફઘાનિસ્તાન પર આક્રમણ કરવાની વિરુદ્ધમાં ખબરદાર કરવાનું કામ પણ એટલું જ જોશપૂર્વક કરે. આ તો એવી વાત થઈ કે તમે જે માર ખાધો એને અમે વખોડીએ છીએ, પણ માર મારનાર પર આંગળી ઉપાડશો તો અમે સહન નહીં કરીએ. તે અમારો માણસ છે. ગમે તેવો તો પણ તે અમારો ભાઈ છે. તે જે કંઈ કરે છે એ ધર્મ માટે કરે છે અને અમે સૌપ્રથમ ધર્મને મહત્ત્વ આપીએ છીએ, પછી બીજી વાતો.
પાકિસ્તાનનો સાથ લીધા વિના આતંકવાદી મૂળિયાંને જેર કરવાં શક્ય નથી એ અમેરિકા પણ જાણતું હતું અને આજે પણ જાણે છે. પાકિસ્તાન પોતે આતંકવાદીઓની ભૂમિ બની ગયું અને કેટલીયે સંસ્થાઓ આતંકવાદની પ્રવૃત્તિ લઈને સક્રિય થઈ ગઈ, જે બધાને પાકિસ્તાન ખુલ્લંખુલ્લા ટેકો આપે છે. આ બધું અમેરિકા જાણે છે, પણ એના ટેકા વિના નાટકનો પ્રથમ અંક ભજવી શકાય એમ નથી એટલે એને મનાવવાના પ્રયત્ન કરે છે. આ એક એવી રાજરમત છે જેનો લાભ દશકાઓ સુધી દુનિયાની મહાસત્તાઓએ લીધો, પણ હવે વાત બદલાઈ છે. હવે એ રાજરમત લાંબી ચાલતી દેખાતી નથી એટલે ભારતના છૂપા ડરે અમેરિકા પણ સીધો પાકિસ્તાનનો વિરોધ કરવા માંડ્યું છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)