ગાંધીજી હાર્યા અને મુસ્લિમ વિચારધારા જીતી ગઈ.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ભારતના ભાગલા વખતની વિચારધારાની વાત કરીએ તો એ સમયે બે મુખ્ય વિચારધારા હતી અને એ વિચારધારા પર આપણી આઝાદીની લડત આગળ વધતી હતી. એ સમયે રહેલી બે વિચારધારાની વાત કરીએ તો એક વિચારધારા મહાત્મા ગાંધીની હતી. તેમનું માનવું હતું કે હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ એમ સૌએ હળીમળીને, સંપીને એકતા સાથે રહેવાનું છે તો આ વિચારધારા સામે એક બીજી વિચારધારા પણ હતી, જે કહેતી હતી કે અમે હિન્દુઓની સાથે રહી જ ન શકીએ, અમે બધી રીતે જુદા છીએ. અમારી રહેણીકરણીથી માંડીને રીતભાત, રિવાજો, ધાર્મિક માનસિકતા અને પારિવારિક વ્યવહારો એમ બધું જુદું છે એટલે અમારું જુદું જ રાષ્ટ્ર હોવું જોઈએ.
આ બે વિચારધારા વચ્ચે ગાંધીજી હાર્યા અને મુસ્લિમ વિચારધારા જીતી ગઈ. જુદું રાષ્ટ્ર થયું. પાકિસ્તાન બન્યું. આ પાકિસ્તાન શબ્દનો અર્થ બહુ સરસ છે. પાકિસ્તાન એટલે પવિત્ર સ્થાન, પણ આજે જુઓ ત્યાં કેવી હાલત છે. અત્યારની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો એક સમયના વડા પ્રધાનને પણ ફાંસીએ લટકાવી દેવાની માનસિકતા સાથે આખો દેશ બે હિસ્સામાં વહેંચાવા માંડ્યો છે. અનેક વડા પ્રધાનને અગાઉ ફાંસી આપવામાં આવી છે અને એ પછી પણ તેમના વંશજો એ જ રાજકારણમાં આગળ વધી રહ્યા છે, પણ આ એક આખો અલગ વિષય છે એટલે એની વાત આપણે પછી કરીશું.
ADVERTISEMENT
અત્યારે વાત કરીશું પાકિસ્તાનની. હિન્દુ સાથે રહી શકતા નથી એવા દાવા સાથે અલગ રાષ્ટ્ર તો તેમણે માગ્યું, પણ એ પછી થોડા જ સમયમાં એ દેશના બે ટુકડા થયા અને બંગલાદેશ અલગ થઈ ગયો. પહેલાં હિન્દુઓ સાથે રહી શકાતું નહોતું અને પછી મુસ્લિમ-મુસ્લિમ સાથે રહી શક્યા નહીં. કેમ, હવે શું વાંધો હતો? પાકિસ્તાનમાં મુહાજિરો, શિયાઓ, સુન્નીઓ, એહમદિયાઓ, ખ્રિસ્તીઓ વગેરે સૌનો મેળ ક્યાં પડે છે? ભાગલા પહેલાં જે હુલ્લડો થતાં એવાં હવે અંદરોઅંદર થઈ રહ્યાં છે. પાકિસ્તાન બન્યા પછી પણ મુસ્લિમને શાંતિ ક્યાં છે? કહેવાય છે કે કરાચીમાં સાંજ પછી ઘરની બહાર નીકળવું ભયજનક લાગે છે. અરે, નમાજ પડતા માણસો પર મસ્જિદમાં ગોળીઓ વરસાવાય છે અને લાશોના ઢગલા કરી દેવાય છે. પવિત્ર સ્થાન આવું હોય? ત્રણ-ચાર વાર લોકશાહીનું ગળું ટૂંપીને સૈનિક ડિક્ટેટરોએ સત્તા પચાવી પાડી છે. ભારત સાથે ત્રણ-ચાર વાર યુદ્ધ કરીને ખુવાર થયેલું આ રાષ્ટ્ર પોતાનું દેવું તો શું, દેવાનું વ્યાજ પણ ભરી શકતું નથી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)