નવરાત્રીમાં દરેક દિવસ પ્રમાણે વસ્ત્ર ધારણ કરીને પૂજન કરવામાં આવે તો મા દુર્ગા પ્રસન્ન થાય છે. તો જાણો નવરાત્રીમાં કયા દિવસે કયા રંગના કપડા પહેરવા જોઈએ.
તસવીર સૌજન્ય મિડ-ડે
આજથી શારદીય નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ઘરે ઘરે માતાજીની પૂજા સ્થાપ્ના થઈ ગઈ છે. 14 ઑક્ટોબર 2021 ગુરુવારે નવમીના દિવસે કન્યાપૂજનની સાથે નવરાત્રી સમાપ્ત થશે. આગામી નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. આજે પહેલા દિવસે મા શૈલ પુત્રી, બીજા દિવસે મા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચન્દ્રઘણ્ટા, ચોથા દિવસે મા કુષ્માણ્ડા, પાંચમે સ્કંધમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમે કાલરાત્રિ, આઠમે મા મહાગૌરી અને નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગા આદિશક્તિના નવ સ્વરૂપોની જુદી-જુદી મહિમા છે. નવરાત્રીમાં કલર્સનું પણ ખાસ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે જો નવરાત્રીમાં દરેક દિવસ પ્રમાણે વસ્ત્ર ધારણ કરીને પૂજન કરવામાં આવે તો મા દુર્ગા પ્રસન્ન થાય છે. તો જાણો નવરાત્રીમાં કયા દિવસે કયા રંગના કપડા પહેરવા જોઈએ.
ઑક્ટોબર -7 કલર પીળો
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીનું પૂજન થાય થે આ દિવસે ભક્તોએ પીળા કલરના કપડા પહેરીને માની પૂજા કરવી જોઈએ. માનવામાં આવે છે કે શૈલપુત્રીને પીળો કલર પ્રિય છે.
ADVERTISEMENT
ઑક્ટોબર - 8 કલર લીલો
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાનું પૂજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે તેમને લીલો રંગ પ્રિય છે. મા બ્રહ્મચારિણીને લીલા રંગની ચૂંદડી ઓઢાડવી જોઈએ તેની સાથે જ લીલા કલરના કપડા પહેરીને માતાનું પૂજન કરવું જોઈએ.
ઑક્ટોબર - 9 કલર ભૂરો
ત્રીજા નોરતે મા ચંદ્રઘણ્ટાનું પૂજન કરવામાં આવે છે. મા ચંદ્રઘણ્ટાને ભૂરો રંગ પ્રિય છે. આથી ભક્તોએ ભૂરા (ગ્રે) કલરના કપડા પહેરી માની પૂજા કરવી જોઈએ.
ઑક્ટોબર -10 કલર નારંગી
નવરાત્રીના ચોથા દિવસે કૂષ્માંડા માતાની પૂજા કરવામાં આવે છે. માતા કૂષ્માંડાને નારંગી કલર ખૂબ જ પ્રિય છે. આથી તેમનો શણગાર નારંગી કલરથી કરવો અને પોતે પણ નારંગી (કેસરી - Orange) કલરના કપડા પહેરવા.
ઑક્ટોબર - 11 કલર સફેદ
પાંચમા નોરતે સ્કંધમાતાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સ્કંધમાતાને શ્વેત- સફેદ કલર ખૂબ જ પ્રિય છે. આ દિવસે માતાને શ્વેત વસ્ત્રો પ્રદાન કરવા અને પોતે પણ શ્વેત વસ્ત્રો ધારણ કરવા.
ઑક્ટોબર -12 કલર લાલ
છઠ્ઠા નોરતે કાત્યાયની માતાનું પૂજન કરવામાં આવે છે. કાત્યાયની માતાને લાલ કલર ખૂબ જ પ્રિય છે. આથી માની પૂજા માટે લાલ વસ્ત્રો પહેરવા.
ઑક્ટોબર -13 કલર નીલો
કાલરાત્રિ માતાનું પૂજન નવરાત્રીના સાતમા દિવસે કરવામાં આવે છે. નીલો રંગ કાલરાત્રિમાને ખૂબ જ પ્રિય છે આથી નીલા (Royal Blue)કલરના કપડા પહેરી માતાની પૂજા કરવી.
ઑક્ટોબર - 14 કલર ગુલાબી
આઠમા નોરતે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મહાગૌરી માતાને ગુલાબી કલર ખૂબ જ પ્રિય છે આથી સાધકોએ આઠમા દિવસે ગુલાબી કલરના વસ્ત્રો ધારણ કરીને મહાગૌરી માનું પૂજન કરવું જોઈએ.
ઑક્ટોબર -15 કલર જાંબલી
નવરાત્રીના છેલ્લા એટલે કે નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાનું પૂજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે તેમને જાંબુળી રંગ પ્રિય છે. આથી ભક્તોએ જાંબુળી (Purple) કલરના કપડા પહેરવા જોઈએ.

