Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કોઈ માટે સંકલેશનું કારણ, તો એ જ ઘટના કોઈ માટે સમાધિનું કારણ

કોઈ માટે સંકલેશનું કારણ, તો એ જ ઘટના કોઈ માટે સમાધિનું કારણ

13 May, 2024 07:44 AM IST | Mumbai
Acharya Rajratnasundersurishwarji Maharaj | feedbackgmd@mid-day.com

જે ઘટના કોઈકને માટે સાતમી નરકનું કારણ બનતી હોય છે એ જ ઘટના કોઈકને માટે મુક્તિનું કારણ બને છે. 

 જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

અંતરખોજ

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.


એક નજર હોય અને બીજી દૃષ્ટિ હોય. દૃષ્ટિના કેન્દ્રમાં સમજદારી, ડહાપણ, વિવેક, દીર્ઘદર્શિતા અને પરિણામદર્શિતા હોય છે. મકરાણાની ખાણ તો નાસ્તિક-આસ્તિક-ધાર્મિક ત્રણેયને દેખાતી હોય છે, પણ નાસ્તિકને ખાલી ખાણમાં રહેલા પથ્થર જ દેખાય, શક્ય છે કે આસ્તિકને એ પથ્થરમાં છુપાયેલી પ્રતિમા દેખાય, જ્યારે શક્ય છે કે ધાર્મિકને એ પ્રતિમામાં પ્રાણપ્રતિષ્ઠાના માધ્યમે પધારી શકતા પરમાત્મા દેખાય.

આનો અર્થ? એ જ કે નજરને તો સામે જે હોય છે એ જ દેખાય છે, પણ દૃષ્ટિને તો એ જ દેખાય છે જે તે પોતે જોવા માગે છે. આ જ વાતને અલગ સંદર્ભમાં એમ કહી શકાય કે ઘટના ભલે સર્વસામાન્ય હોય, પણ એનું અર્થઘટન દરેક વ્યક્તિ પોતાની સમજણ મુજબ કે પોતાની કક્ષા મુજબ કરતી રહે છે. પરિણામ એ આવે છે કે જે ઘટના કોઈકને માટે સંકલેશનું કારણ બનતી હોય છે એ જ ઘટના કોઈકને માટે સમાધિનું કારણ બનતી હોય છે. જે ઘટના કોઈકને માટે સાતમી નરકનું કારણ બનતી હોય છે એ જ ઘટના કોઈકને માટે મુક્તિનું કારણ બને છે. એ બહેનની વય કદાચ ૮૦-૮૫ વર્ષ આસપાસની હશે. બહેન ઇન્દોરમાં રહે. ઉદારતા તેમની જો ગજબની છે તો સાધુ-સાધ્વી વૈયાવચ્ચની તેમની તમન્નાય જબરદસ્ત છે. સામાયિકનો તેમનો નશો જો બેનમૂન છે તો તત્ત્વની રુચિ પણ તેમની જોરદાર છે. સુપાત્રદાનની તેમની ભૂખ જોકે ક્યારેય સંતોષાતી નથી, તો જ્યારે પણ વંદનાર્થે આવે ત્યારે ‘કંઈક તો લાભ આપો’ શબ્દો તેમના મુખમાંથી અચૂક સાંભળવા મળે જ મળે.  બે વર્ષ પહેલાંના ચાતુર્માસ વખતે એ બહેને પોતાના જીવનની જે યાદગાર ઘટના કહી એ તેમના જ શબ્દોમાં મૂકવી છે.

એ દિવસોમાં મારી ભરયુવાન વય હતી. એક રસ્તા પર ભરબપોરના તાપમાં હું ચાલી રહી હતી અને મારી નજર એક મુનિરાજ પર પડી. બળબળતી બપોર, ડામરની સડક, મુનિવરના ખુલ્લા પગ, શરીર પસીનાથી રેબઝેબ, હાથમાં ગોચરીનાં પાતરાં, પસીનાને કારણે શરીરને ચોંટી ગયેલાં કપડાં! હું સ્તબ્ધ થઈ ગઈ. પગમાં પહેરેલાં ચંપલ મેં હાથમાં લઈ લીધાં અને જીવનભર પગમાં ચંપલ કે બૂટ કશું જ ન પહેરવાનો મેં નિયમ લઈ લીધો.’ બહેને વાત આગળ વધારતાં કહ્યું, ‘મહારાજસાહેબ, પૂરાં પાંચ કિલોમીટર ખુલ્લા પગે હાથમાં ચંપલ લઈને મારા ઘરે પહોંચી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આજના કાળેય સંયમીઓ કેવું ગજબનાક પરાક્રમ કરી રહ્યા છે!’ ‘કેટલાં વર્ષોથી ચંપલ નથી પહેર્યાં?’ ‘એ પ્રસંગને પંચાવન વર્ષ થયાં હશે. પંચાવન વર્ષથી પગમાં મેં કશું પહેર્યું નથી અને આજે પણ નિયમ છે કે મૂંગા પાંચ જીવને જમાડ્યા વિના હું જમતી નથી.’ જરૂર છે સંયમભાવની, જે માનવધર્મને સતત જીવંત રાખે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 07:44 AM IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK