એક વ્યક્તિએ મને એક સજ્જનની ઓળખાણ કરાવી અને કહ્યું કે આ વડીલની કરોડો રૂપિયાની કમાણી છે અને પોતાની આવકનો દસમો ભાગ તે સત્કર્મમાં વાપરે છે.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
સેવા, સ્મરણ, સમજણ અને સેતુ. મનુષ્યમાં જે પાંચ તત્ત્વોનો મેળાપ થવો જોઈએ એની વાત કરવામાં આ ચાર તત્ત્વોની આપણે વાત કરી લીધી. હવે વાત કરવાની આવે છે પાંચમા તત્ત્વની. આ પાંચમું તત્ત્વ એટલે સરળતા.
હનુમાનજીને પામવાનું પાંચમું અને છેલ્લું લક્ષણ છે. સરળતાનો અર્થ નિરભિમાની અથવા અહંકારને શૂન્ય કરવાનું છે. એક વ્યક્તિએ મને એક સજ્જનની ઓળખાણ કરાવી અને કહ્યું કે આ વડીલની કરોડો રૂપિયાની કમાણી છે અને પોતાની આવકનો દસમો ભાગ તે સત્કર્મમાં વાપરે છે.
ADVERTISEMENT
પેલા સજ્જન એટલા બધા સાદગીસભર હતા કે તેમના દેખાવ પરથી કોઈને લાગે નહીં કે એ માણસને અબજોની આવક હશે. કોઈ ધારી પણ ન શકે એવી સાદગીવાળા એ ભાઈની ઓળખાણ પૂરી થઈ એટલે તેમણે મને વિનમ્રતાથી હાથ જોડ્યા અને કહે કે આ ભાઈ મારાં ખોટાં વખાણ કરે છે, હું મારી આવકનો દસમો ભાગ સત્કર્મમાં વાપરતો નથી. એ પછીના તેમના જે શબ્દો હતા એ શબ્દો સૌકોઈએ જીવનમંત્ર બનાવવા જેવા હતા.
તે સજ્જને નમ્રતા સાથે કહ્યું, ‘ઈશ્વર કેવો દયાળુ છે કે એક ભાગ પોતે રાખે છે અને નવ ભાગ મને આપે છે.’
આ પણ વાંચો : હનુમાનની સહાય વગર સેતુ બનાવવો અસંભવ હતો
આ સરળતા છે જે હૈયાસોંસરવી ઊતરી જાય અને એ પછી પણ નમ્રતા તમારા ચહેરા પર ભારોભાર છલકાતી રહે. આ સરળતા લાવવાની છે. સરળતા હોય ત્યાં ક્યારેય કોઈ વાતનો છોછ રહે નહીં. સરળતા હોય તેની પાસે જઈને મન હળવું કરવાનું પણ કપરું કોઈને લાગે નહીં અને સરળતા હોય તેની સાથે ચાલવામાં પણ ભાર વર્તાય નહીં.
માનવી પાસે પ્રેમસભર સેવા હોય, સત્યસભર સ્મરણ હોય, જ્ઞાનસભર સમજણ હોય, કરુણાસભર સેતુ હોય; પણ એ બધા પછીયે જો તે માણસમાં સરળતા ન હોય, તે માણસ અહંકાર વચ્ચે રાચતો હોય અને દરેક તબક્કે એવું માનતો હોય કે જે થાય છે એ બધું તે પોતે જ કરે છે અને આ દંભમાં સતત રત રહેતો હોય તો માત્ર એક કદમના અંતરથી તે હનુમાનજીનો સાક્ષાત્કાર ચૂકી જાય છે. એટલે અભિમાનની સંપૂર્ણ બાદબાકી કરીને સરળતા પ્રાપ્ત કરવી અત્યંત આવશ્યક છે. સરળતા પ્રાપ્ત થયા પછી દરેક કાર્ય હરિઇચ્છાથી થાય છે એની સમજણ આપોઆપ આવી જતી હોય છે; કારણ કે ભક્તિમાં બુદ્ધિ કામમાં નથી આવતી, શુદ્ધિ જ કામમાં આવે છે.
રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન રામના મુખેથી શબરી સમક્ષ ભક્તિસૂત્રોની ચર્ચા કરી છે. એનું પાલન કરવાથી પણ ભક્તિયોગ સિદ્ધ થયો ગણાશે એવી મારી સાત્ત્વિક શ્રદ્ધા છે, પણ એની વાત કરીશું હવે પછી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)