સામાન્ય રીતે અગરબત્તીથી લઈને પરફ્યુમ કે અત્તરમાં આપણે આપણી પસંદને પ્રાધાન્ય આપતા હોઈએ છીએ, પણ એવું કરવાને બદલે જો એ ગ્રહ કે વાર મુજબનું પસંદ કરવામાં આવે તો એ માત્ર ખુશ્બૂ જ નહીં, રિઝલ્ટમાં પણ અનેકગણું ચડિયાતું પુરવાર થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
આપણે વાત કરીએ છીએ અરોમા થેરપી દ્વારા કેવી રીતે સ્ટાર્સને બૂસ્ટ આપી શકાય કે પછી ઇચ્છિત પરિણામો લાવી શકાય એની. સાથોસાથ આ જ વાતમાં આપણે વાત કરીએ છીએ કયા દિવસે કઈ ખુશ્બૂ વાપરવાથી વ્યક્તિને તન, મન અને ધનની દૃષ્ટિએ સુખ-શાંતિ મળે. ગયા રવિવારે આપણે જન્માક્ષરમાં રહેલા સૂર્ય ગ્રહની વાત કરી તો સાથોસાથ રવિવારના દિવસની પણ વાત કરી.
આજની વાત આગળ વધારતાં પહેલાં એક ખાસ વાત કહેવાની કે જો યોગ્ય ખુશ્બૂનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તો એ જે ગ્રહ સાથે જોડાયેલી ખુશ્બૂ હોય એ ગ્રહને પ્રભાવિત કરવાનું કામ કરી શકે છે. એટલે ધારો કે તમે માત્ર ખુશ્બૂના હેતુથી જ કોઈ પરફ્યુમ વાપરતા હો અને એ સમયે તમારી પાસે તમારા સ્ટાર્સને લાયક ખુશ્બૂ હાજર ન હોય તો ઇંગ્લિશ ખુશ્બૂ વાપરવાની કોશિશ કરવી, જેથી એનું કોઈ નુકસાન જોવું ન પડે.
ADVERTISEMENT
હવે વાત કરીએ ચંદ્ર અને એની સુગંધની.
ચંદ્ર અને સુગંધ
ચંદ્ર મનનો કારક છે. માનસિક શાંતિ આપવાનું કામ ચંદ્ર કરે છે. જો ચંદ્ર દૂષિત હોય તો એ ઉદ્વેગ અને વ્યાકુળતા આપે છે. અહીં એ પણ કહેવાનું કે જો તમે વાતે-વાતે ઉગ્ર થઈ જતા હો તો તમારે સમજી જવું જોઈએ કે તમારો ચંદ્ર દૂષિત છે અથવા તો થઈ રહ્યો છે. એવા સમયે કે પછી તમે જાણતા હો કે તમારા જન્માક્ષરમાં ચંદ્રને બળવાન કરવો જરૂરી છે તો તમારે નિયમિત જાસ્મિન કે રાતરાણીનું સેન્ટ કે અત્તર વાપરવું જોઈએ. ગયા રવિવારે કહ્યું હતું કે પરફ્યુમનો ઉપયોગ કરવાને બદલે બહેતર છે કે અત્તરનો ઉપયોગ કરવો જોઈએ. આ તો વાત થઈ જન્માક્ષરની. ધારો કે તમને જન્માક્ષર વિશે જાણકારી નથી, પણ તમે માનસિક શાંતિની અપેક્ષા રાખતા હો તો પણ તમારે જાસ્મિન કે રાતરાણીના અત્તરનો ઉપયોગ કરવો જોઈએ. રાતે ઊંઘ ન આવતી હોય કે પછી વિચારવાયુને કારણે સાઉન્ડ સ્લીપ ન મળતી હોય તો એવી વ્યક્તિએ ઘરે જ જાસ્મિન કે રાતરાણીના ફૂલ સાથે તેલ બનાવીને હેડ-મસાજ કરવો જોઈએ. ગૅરન્ટી, એક જ વીકમાં ઘસઘસાટ ઊંઘ આવવા માંડશે.
જાસ્મિન કે રાતરાણીના અત્તર ઉપરાંત ઑફિસ કે ઘરમાં પણ એ ખુશ્બૂના ઍર-ફ્રેશનરનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ લાભદાયી બની શકે છે. ઑફિસ કે ઘરના ડેકોરેશનમાં પણ આ બન્ને ફૂલનો ઉપયોગ કરવો હિતાવહ છે તો સાથોસાથ વ્યક્તિ જો રોજબરોજના વપરાશમાં પણ આ ફ્રૅગ્રન્સના બાથસોપનો ઉપયોગ કરે તો એ પણ લાભદાયી બને. જાસ્મિન અને રાતરાણીના ફૂલનો કલર વાઇટ હોય છે. માનસિક શાંતિ ઇચ્છતી વ્યક્તિઓએ પણ સફેદ રંગનો મહતમ ઉપયોગ કરવો જોઈએ.
સોમવાર ચંદ્રનો વાર છે એટલે જો શક્ય હોય તો સોમવારે જાસ્મિન કે રાતરાણીનો ઘર કે ઑફિસમાં ધૂપ કરવામાં આવે તો એ પણ રિઝલ્ટ આપવામાં ગતિને તેજ કરી શકે છે. ધારો કે ધૂપ ન થઈ શકે તો જાસ્મિન કે રાતરાણીની ખુશ્બૂ ધરાવતી ધૂપસ્ટિક કે અગરબત્તી દર સોમવારે કરવી જોઈએ.
અન્ય ગ્રહો તથા એને લાભકારી બનતી હોય એવી સુગંધની વાતો હવે આપણે કરીશું આવતા રવિવારે.


