ટેન્થનાં રિઝલ્ટ આવી ગયાં છે ત્યારે જાણીએ કે...
પ્રતીકાત્મક તસવીર
દસમા ધોરણ પછી કઈ દિશામાં આગળ વધવું એ બાળકો માટે કરીઅરનો અત્યંત મહત્ત્વનો પડાવ ગણી શકાય. એક સમય હતો જ્યારે દસમા પછી ગણ્યાગાંઠ્યા ઑપ્શન્સ હતા, પરંતુ આજે તો આગળ વધવા માટે અધધધ ઑપ્શન્સ છે બાળકો પાસે. દસમા ધોરણ પછી કરીઅરની ગાડી કઈ દિશામાં આગળ વધારવી એ બાબતે મુંબઈના સ્ટુડન્ટ્સની હાલત શું છે એ નિષ્ણાતો પાસેથી સમજવાની કોશિશ કરીએ.
દસમા ધોરણનું પરિણામ આવી ગયું છે. એક સમય હતો જ્યારે ફક્ત એટલું જ પૂછવામાં આવતું કે સાયન્સ લીધું કે કૉમર્સ? જાણે કે આ બે જ ઑપ્શન હોય કરીઅર માટે. પણ આજની તારીખે કરીઅર-ઑપ્શન્સનો રાફડો ફાટ્યો છે. નવા-નવા સ્કિલ-બેઝ્ડ કોર્સિસ, ફક્ત ડિગ્રી જ નહીં પણ તાલીમ સાથે બાળકને તૈયાર કરતી ઇન્સ્ટિટ્યૂટ્સ, ક્રીએટિવ જૉબની તકો, વધુ ને વધુ સ્પેશ્યલાઇઝ્ડ બનતા જતા જૉબ-પ્રોફાઇલ્સ અને દર ક્ષણે બદલાતી જતી કૉર્પોરેટ દુનિયામાં કરીઅર એક અઘરો વિષય બની ગઈ છે. દરેક બાળક માટે દસમા પછી કઈ દિશામાં જવું, કયો કોર્સ પસંદ કરવો, કઈ લાઇન લેવી આ બધા યક્ષપ્રશ્નો બની જાય છે. ઘણા લોકો એમ કહેતા જણાય છે કે આટઆટલા ઑપ્શન્સ છે છતાં કેમ આટલી તકલીફ પડે છે? પણ હકીકત એ છે કે માણસને જેટલા ઑપ્શન્સ આપીએ એટલું તેનું કન્ફ્યુઝન વધતું હોય છે, છતાં પણ ઘણાં સ્માર્ટ બાળકો એવાં પણ છે જે આ ઑપ્શન્સને સુવર્ણ તક સમજીને ઝડપી લે છે અને આવનારા સમય માટે પોતાને પૂરી રીતે સજ્જ કરે છે. આજે કેટલાક નિષ્ણાતો પાસેથી જાણીએ કે મુંબઈના દસમી પાસ બાળકોની પરિસ્થિતિ શું છે? તેઓ કેટલાં ક્લિયર અને કેટલાં કન્ફ્યુઝ્ડ છે?
ડૉ. માધવી શેઠ, કરીઅર કાઉન્સેલર, સૉલ્યુશન્સ કાઉન્સેલિંગ સેન્ટર
સાચું કહું તો બાળકો કરતાં તેમનાં માતા-પિતા વધુ કન્ફ્યુઝ્ડ છે, કારણ કે આજે જેમની પાસે પોતાની કરીઅર છે તે જ વિચારે છે કે આવતાં પાંચ વર્ષમાં આ કરીઅર ટકી રહેશે કે તેમને બીજા કોઈ ઑપ્શન વિશે વિચારવું પડશે. આજે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે લોકોને ડરાવી મૂક્યા છે. કરીઅર પસંદ કરતી વખતે વર્ષોથી એક નિયમ એ રહ્યો છે કે બાળક ભણીને બહાર આવે ત્યારે કઈ વસ્તુની ડિમાન્ડ હશે એના આધારે કરીઅર લોકો નક્કી કરતા હોય છે. આજની તારીખે એ કહેવું અત્યંત મુશ્કેલ છે. અત્યારે કાયમી કરીઅર જેવો કન્સેપ્ટ ભૂંસાતો જાય છે. એક વાર એક નોકરી પકડી કે એક પ્રકારનું ફીલ્ડ પસંદ કર્યું એટલે જીવનભર એમાં જ ટકી રહેવું એવું હોતું નથી અને ભવિષ્યમાં એવું હશે જ નહીં. એટલે કરીઅર-ઑપ્શન વધુ કન્ફ્યુઝિંગ બન્યા છે.
મુંબઈના છોકરાઓ અને માતા-પિતા બન્નેને એક વસ્તુની ક્લૅરિટી છે. તેમને પૈસા કમાવા છે. એટલે લોકો અમારી પાસે આવીને એમ જ પૂછે છે કે કયા ફીલ્ડમાં વધુ પૈસા છે, એમાં અમે બાળકને નાખીએ. આ અપ્રોચ ખબર નહીં બદલાતો જ નથી. હકીકત એ છે કે તમારું બાળક જે કામ સર્વશ્રેષ્ઠ રીતે કરી શકશે એમાં તે પૈસા કમાઈ શકશે એ સમજવું જરૂરી છે. બીજી તકલીફ એ છે કે બાળકોને લાગે છે કે તે ખુદ સ્માર્ટ છે, તેમને દુનિયાનું જ્ઞાન છે. તેમની પાસે ઇન્ટરનેટ છે એટલે આખી દુનિયાના કરીઅર-ઑપ્શન્સ તેમની પાસે આવી જાય છે એટલે તેમને લાગે છે કે અમને બધી ખબર છે. ભલે તેમની પાસે દુનિયાની જાણકારી છે પણ તેઓ ખુદને ઓળખતા નથી. ખુદ શું ઇચ્છે છે એ તેમને ખબર નથી. કરીઅર ચૂઝ કરતી વખતે બે વસ્તુ જરૂરી છે. એક તો એ કે તમને ખબર હોય કે કેટલા ઑપ્શન્સ છે, બીજું એ કે તમને ખબર હોય કે તમે શું કરવા માગો છે અને કરી શકો એમ છો. જે બાળકો ખુદને ઓળખે છે તે સાચી કરીઅર ચૉઇસ કરી શકે છે.
મુંબઈ જે મીડિયા-સેન્ટ્રિક શહેર છે ત્યાં બાળકોને મીડિયામાં જવાનો અભરખો હોય એ સહજ છે. આજકાલ રાતોરાત સોશ્યલ મીડિયા સ્ટાર અને યુટ્યુબર બનીને કરોડો કમાવાની ઇચ્છા અને રાતોરાત ફેમસ બનવાની ઇચ્છા પણ ઘણાં બાળકોમાં જોવા મળે છે. એમાં કશું ખોટું નથી, પરંતુ આ ઉંમરનાં બાળકોને રિયલિટી ચેક આપવાની પણ જરૂર છે. કોણ આ ફીલ્ડ અપનાવી શકે, એમાં કોણ છે જે આગળ વધી શકે એમ છે, તમે કેટલાં વર્ષ આ કામ કરી શકશો એ બધું સમજવું પણ જરૂરી છે. ક્વિક મની અને ક્વિક ફેમ આજનાં બાળકોને આકર્ષે એ સમજી શકાય છે, પણ એ લાંબું ન ટકે તો શું કરશો એ પણ સમજવું જરૂરી છે.
બાળકોને તેમની કરીઅર માટે તૈયાર કરવા માટે આજના સમયમાં જરૂરી છે કે તેઓ સ્કિલ-બેઝ્ડ ટ્રેઇનિંગ લે. એ પણ એક નહીં, ઘણીબધી સ્કિલ્સ ડેવલપ કરે. આવડત હોવી જરૂરી છે. સતત શીખતા રહેવાની ઝંખના જરૂરી છે, કારણ કે દુનિયા ખૂબ ઝડપથી બદલી રહી છે. બાળક મલ્ટિ-ટાસ્કર બને. ૧૧-૧૨મું ધોરણ તો તેમણે કરવાનું જ છે પણ વિષય તેમના રસનો પસંદ કરે. જો સાઇકોલૉજી ખૂબ જ ગમતું હોય તો આર્ટ્સમાં કોઈ ફ્યુચર નથી એમ સમજીને એનાથી દૂર ન ભાગો. ઊલટું એની બેસ્ટ કૉલેજમાં ઍડ્્મિશન લો. મૅથ્સમાં માર્ક્સ આવી ગયા એટલે એ કરી શકાય એમ ન માનો. માર્ક્સનો ક્રાઇટેરિયા પૂરતો નથી. તમને એ વિષય સમજાવો જોઈએ, એમાં પૂરતો રસ પડવો જોઈએ; પછી જ સ્ટ્રીમ પસંદ કરો. આમ બાળકને ગમે છે શું અને તેની પર્સનાલિટી શું છે એના આધારે સ્ટ્રીમ કે કરીઅર નક્કી કરાય, પૈસા કે ટ્રેન્ડ કે માર્ક્સને આધારે નહીં.
ક્ષમા શાંતિસ્વરૂપ વાલાન્જુ, પ્રિન્સિપાલ, કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, કાંદિવલી
મારા અનુભવની વાત કરું તો આજનાં બાળકો ખૂબ જ ક્લિયર છે કે તેમને શું કરવું છે. દસમા ધોરણના ફેરવેલ વખતે મેં મારી સ્કૂલનાં બાળકોને જ્યારે પૂછ્યું કે હવે આગળ શું કરવાની ઇચ્છા છે તો બાળકો એકદમ સ્પષ્ટ હતાં. ૩૯૬ બાળકોમાંથી એક પણ બાળક એવું નહોતું કે તેને ખબર જ નથી કે હવે દસમા પછી તે શું કરશે. શું બનવું છે, કેવી રીતે બનશો, કેમ આગળ વધશો, આ ફીલ્ડમાં એક્સેલ કરવા માટે કયા પ્રકારની સ્કિલ્સ જરૂરી છે એ બધી જ તેમને ખબર હતી; જેનું કારણ શાળામાં અપાતું માર્ગદર્શન તો છે જ પણ સાથે-સાથે તેમને મળતું એક્સપોઝર પણ છે જે આજની તારીખમાં ઘણું વિશાળ છે. એક સમયે બાળકોને કશું બનવું કે કરીઅરનું શું મહત્ત્વ છે એ પણ આ ઉંમરમાં સમજ પડતી નહોતી, પરંતુ આજનાં બાળકો એવાં નથી.
પહેલાં અને આજમાં કોઈ સમાનતા હોય તો એ છે કે સાયન્સની બોલબાલા આજે પણ એટલી જ છે. જે છોકરાઓ હોશિયાર છે તેમને સાયન્સ જ લેવું છે અને બાકી મોટા ભાગનાં બાળકોને કૉમર્સ લેવું છે. આ સ્ટ્રીમ પસંદ કર્યા પછી શું કરવું છે એ પણ તેમને ખબર છે. સૌથી સારી વાત એ છે કે આજના દસમી પાસ છોકરાઓને એ ખબર છે કે ફક્ત ડિગ્રી કામ નહીં લાગે. ડિગ્રી અને અનુભવ બન્નેની જરૂર પડશે જ. જે રિયલિટી ચેક તેમની પહેલાંની જનરેશનને પછી થયો એ તેમને પહેલેથી જ ખબર છે.
મુંબઈ જેવું સ્માર્ટ સિટી તેમને તેમની આવતી કાલ માટે તૈયાર કરવામાં પૂરેપૂરો ભાગ ભજવે છે. એનું ઉદાહરણ કહું તો અમારી સ્કૂલમાં ઘણાં બાળકો એવાં છે જેમણે ટ્રેડિંગ ચાલુ કર્યું છે. શૅરમાર્કેટનો અભ્યાસ કરીને રોકાણ કઈ રીતે કરાય એ તેમને આવડે છે. ઘણાં બાળકો એવાં છે જે અભ્યાસક્રમ સિવાય કોડિંગ અને વેબ-ડેવલપમેન્ટ શીખે છે, જેને કારણે તેમણે જાતે એક વેબસાઇટ બનાવેલી જેમાં ડિઝાઇનિંગથી લઈને નાનામાં નાની બાબત તેમણે પોતે જ કરેલી. ત્યાં સુધી કે એમાં કઈ રીતે લે-વેચ થાય એનું ડમી તેમણે પોતે કરેલું જે આ ઉંમરનાં બાળકો માટે એક ઘણી મોટી ઉપલબ્ધિ ગણાય. ઘણી છોકરીઓ એવી છે જે મેંદીની ટ્રેઇનિંગ લઈ રહી છે અને જે પ્રોફેશનલ હોય તેમની સાથે રહીને કામ શીખે છે. ઘણાં બાળકો જે આર્ટ શીખી રહ્યાં છે કે સ્કિલ-બેઝ્ડ કામ કરીને આગળ વધવા માગે છે તેઓ એમ નથી વિચારતાં કે મોટાં થઈને કરીશું. તેઓ અત્યારથી જ એ કામ પ્રત્યે ગંભીર બની એની સ્કિલ શીખવા લાગ્યાં છે. આમ આ જનરેશન ઘણી હોશિયાર છે. પૂરી સ્પષ્ટતા સાથે કામ કરે છે.
ટેન્થનાં રિઝલ્ટ આવી ગયાં છે ત્યારે જાણીએ કે..., નિશા શાહ, કરીઅર કાઉન્સેલર, માઇન્ડોપિયા કાઉન્સેલિંગ સેન્ટર
દસમાં ધોરણ પછીનાં ૮૯ ટકા બાળકો બિલકુલ ક્લિયર નથી કે તેમને જીવનમાં આગળ શું કરવું છે. મુંબઈમાં રહેતું ૧૬-૧૭ વર્ષનું બાળક ઘણું સ્માર્ટ હોય છે. તેને પોતાની ચૉઇસિસ સમજાતી હોય છે, પણ અફસોસની વાત એ છે કે માતા-પિતા આજે પણ બાળકો પર ખૂબ દબાણ કરે છે. માતા-પિતા તેમને તેમની રીતે તેમની પસંદ મુજબ આગળ વધવા દેવા નથી માગતાં. આજે પણ એવા ઘણા પેરન્ટ્સ છે જે તેમનાં બાળકો પર સાયન્સ લેવા માટે દબાણ કરે છે. બાળકો તેમના દબાણમાં આવીને તેમને ન ગમતા સ્ટ્રીમમાં ઍડ્્મિશન લઈ તો લે છે પણ પછી રિઝલ્ટ લાવી શકતાં નથી અને એટલે ફેલ્યરનો ટૅગ લઈને જીવે છે. આજે પણ એવાં કેટલાંય બાળકો છે જેમને પોતાને કશુંક કરવું છે અને માતા-પિતાને બીજું કંઈક કરાવવું છે એની વચ્ચે પિસાયા કરતાં હોય છે.
બીજું એ કે સોમાંથી દસ બાળકો એવાં હોય છે જે ખૂબ જ સ્પષ્ટ હોય છે કે તેમને શું કરવું છે, કઈ રીતે કરવું છે અને આગળ વધવા માટે શું જરૂરી છે. આવાં બાળકો પોતાની કૅપેસિટીને ખૂબ નાનપણથી સમજતાં હોય છે અને એક ફોકસ સાથે એક દિશામાં આગળ વધે છે. બીજા પ્રકારના બાળકો એવાં છે જેઓ ભણતર અને કરીઅર વિશે વિચારતાં જ નથી. પરંતુ તકલીફ એ બાળકોને છે જે આ બન્નેની વચ્ચેનાં છે. આ એ બાળકો છે જે ઍવરેજ છે, જેમને દિશા સૂઝતી નથી. તેઓ જે વિષયમાં મહેનત કરે તો માર્ક્સ આવે, ન કરે તો ન આવે. આવાં બાળકો કન્ફ્યુઝ્ડ છે કે તેમણે શું કરવું. આ બાળકોને ખુદને ખબર નથી કે તેમનું શું પોટેન્શિયલ છે. એ ખુદને ઓળખતાં નથી. આવાં બાળકોને પેરન્ટ્સ, ટીચર્સ અને કાઉન્સેલરે મદદ કરવી જોઈએ જેના થકી તેઓ જીવનમાં શું કરી શકે છે એ સમજી શકે. એના પછી કરીઅર-ઑપ્શન્સ તેમને કન્ફ્યુઝ નહીં કરે.
આજે પણ કરીઅર પસંદ કરતાં પહેલાં એ જ વિચારવામાં આવે છે કે આ કરીઅરમાં પૈસા કેટલા કમાઈ શકાશે, કેટલી સૅલેરી અને કેટલું પૅકેજ રહેશે. આ બધાંમાં બાળકનો રસ, તેની કેળવણી, તેની ક્ષમતા આ બધાંને ઇગ્નૉર કરવામાં આવે છે; જે ખોટું છે. આવાં બાળકો મોટા થઈને પસ્તાય છે. જે કામ બાળકને કરવું ગમે, તેની ક્ષમતા એમાં ડેવલપ કરી શકાય, જે કામમાં તેને ઊંડું ઊતરવાનું મન થાય એ કામ કે એ કરીઅરની પસંદગી જ યોગ્ય પસંદગી છે. દસમા પછી આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધી શકાય. જે બાળકો કે માતા-પિતાને કન્ફ્યુઝન છે તેમણે કરીઅર કાઉન્સેલિંગની મદદ લેવી જરૂરી છે. ઍપ્ટિટ્યુડ ટેસ્ટની મદદ લઈ શકાય. સ્પષ્ટતા કેળવી શકાય. જે પણ નિર્ણય લો એ પૂરી જાગૃતિ સાથે લેવો જરૂરી છે. આ પ્રોફેશનલ હેલ્પ ઘણી મદદરૂપ થાય છે.

