બોલીવુડ એક્ટ્રેસ કંગના રણોતનો પંગા મોડ ઑન છે અને તે છેલ્લા ઘણાં સમયથી જાણીતી હસ્તીઓને લઈને પોતાના વિવાદાસ્પદ નિવેદન આપતી રહે છે. છેલ્લા કેટલાક સમયથી કંગનાના નિશાને ઉર્મિલા માતોંડકર રહી છે. તાજેતરમાં જ ઉર્મિલાએ એક નવી ઑફિસ લીધી છે જેની કિંમત 4 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. તેણે લીધેલી પ્રૉપર્ટીને લઈને કંગનાએ તેના પર નિશાનો સાધ્યો હતો. તો હવે અભિનેત્રી કંગના રણોતને જવાબ આપવા માટે ઉર્મિલા માતોંડકરે એક વીડિયો જાહેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જણાવવાનું કે ઉર્મિલાએ આ વીડિયો શૅર કરતા કંગના રણોતને ટૅગ કરી છે. આ વીડિયોને જોઇને સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે તેણે આ વીડિયો ખાસ કંગનાને જવાબ આપવા માટે જ બનાવ્યો છે. વીડિયોમાં ઉર્મિલાએ કંગનાને એક મુલાકાત ગોઠવવાનું કહ્યું છે. ઉર્મિલાએ કહ્યું કે આ મીટિંગમાં તે ઑફિસની ખરીદીના પ્રમાણ માટે બધા જ દસ્તાવેજો સાથે હાજરી આપશે.
ઉર્મિલાએ વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, "તમારા જે ઉચ્ચ વિચાર છે તે હું સાંભળી ચૂકી છું, એટલું જ નહીં આખો દેશ જાણે છે. આજે આખા દેશ સામે જણાવવા માગું છું કે જગ્યા અને સમય તમે નક્કી કરો હું બધાં ડૉક્યુમેન્ટ્સ લઈને આવી જઈશ. મારા 25-30 વર્ષના કરિઅરમાં મેં જે પૈસાની કમાણી કરી તેમાંથી ફ્લેટ અને ઑફિસ ખરીદ્યા. આ બધાનાં પેપર્સ તમને બતાવવા માગું છું. મેં જે ફ્લેટ ખરીદ્યું હતું તે રાજકારણમાં આવવાના ઘણાં સમય પહેલા લીધું હતું."
ઉર્મિલા અહીં અટકતી નથી અને તેણે કંગના પર પલટવાર કર્યો. રાજકારણમાં આવેલી ઉર્મિલાએ કંગના રણોતને મળેલી વાય પ્લસ સિક્યોરિટીને લઈને પણ નિશાનો સાધ્યો છે. તેણે કહ્યું કે, "બદલામાં હું ખૂબ જ નાનકડી વસ્તુ ઇચ્છું છું કે અમારા જેવા કેટલાય લાખો-કરોડો ટેક્સપેયરના પૈસાને બદલે તમને જે તમારી સરકારે વાય પ્લસ સિક્યોરિટી આપી છે, કારણકે તમે વાયદો કર્યો હતો કે તમારી પાસે કેટલાય એવા લોકોના નામ છે જે તમે એનસીબીને આપવા માગો છો તો તે નાનકડી વસ્તુ લઈને આવો કારણકે ડ્રગ્સનો સામનો આપણે બધાએ મળીને કરવાનો છે. હું તમારા જવાબની રાહ જોઇશ."
गणपति बाप्पा मोरया 🙏🏼@KanganaTeam pic.twitter.com/m8mRgbsg6o
— Urmila Matondkar (@UrmilaMatondkar) January 3, 2021
નોંધનીય છે કે તાજેતરમાં જ સમાચાર હતા કે ઉર્મિલાએ 3 કરોડની પ્રૉપર્ટી ખરીદી છે જેમાં તેની ઑફિસ હશે. આ સમાચાર આવતા જ કંગના રણોતે ટ્વીટ કરીને તેના પર નિશાનો સાધ્યો. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'ઉર્મિલાજી મેં જાતે મહેનત કરીને ઘર બનાવ્યા હતા, કૉંગ્રેસ તેને તોડી રહી છે. ભાજપને ખુશ કરીને મારા હાથે 25-30 કેસ મૂકાયા, કાશ હું પણ તમારી જેમ સમજદાર હોત તો કૉંગ્રેસને ખુશ કર્યું હોત. હું ખરેખર મૂરખ છું.' આ ટ્વીટમાં કંગનાએ ઉર્મિલાને ટૅગ પણ કરી હતી.