લોકો મને ભૂલી જશે તો...
લોકો મને ભૂલી જશે તો...
‘ડિયર ઝિંદગી’ અને ‘ફોબિયા’ જેવી ફિલ્મો તેમ જ ‘દિલ્હી ક્રાઇમ’, ‘ઍડલ્ટિંગ’, ‘મેડ ઇન હેવન’, ‘વૉટ આર ધ ઓડ્સ’ વગેરે સિરીઝ કરી ચૂકેલી યશસ્વિની દયામા યુવાનોમાં લોકપ્રિય છે. તે છેલ્લે એમએક્સ પ્લેયરની શૉર્ટ ફિલ્મ ‘ધ રાઇટ ક્લિક’માં જોવા મળી છે, જેમાં કોરોના પછીની ન્યુ નૉર્મલ લાઇફની વાત છે. યશસ્વિની જણાવે છે કે ‘હું બિઝનેસ-માઇન્ડેડ નથી. માટે મને ખબર નથી કે કઈ રીતે કોઈ ફિલ્મ માટે નિગોશિયેશન કરવું કે પોતાની જાતને રજૂ કરવી. નેટવર્ક કઈ રીતે ઊભું કરવું એની ખબર નથી. મારા માટે ચૅલેન્જિંગ અને ડરાવણું એ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કેમ કરીશ એ હું નથી જાણતી. તમે અહીં દેખાશો નહીં તો ખોવાઈ જશો અને મને ડર એટલે જ લાગે છે, કેમ કે ગયા વર્ષે મેં કંઈ જ શૂટ નથી કર્યું કે નથી કંઈ નવું મોટું થયું.’
યશસ્વિની સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહે છે અને તેને લોકપ્રિયતા પણ ડિજિટલ માધ્યમને લીધે મળી છે. યશસ્વિનીનું કહેવું છે કે અત્યાર સુધીની તેની જર્ની પ્રમાણમાં સરળ રહી છે એટલે મોટા પડકાર નથી આવ્યા, પરંતુ તેને એવો ડર તો રહે જ છે કે પોતે યુટ્યુબ અને સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હોવા છતાં લોકો મને ભૂલી જશે!