થ્રી ઇડિયટ્સની સફળ ત્રિપુટી ફરી સાથે

Published: 10th October, 2011 20:11 IST

કોઈ પણ ફિલ્મની સફળતા સાથે બૉલીવુડમાં સમીકરણો બદલાતાં હોય છે. આમિર ખાને પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા અને ડિરેક્ટર રાજકુમાર હિરાણી સાથે પહેલી વાર ‘થ્રી ઇડિયટ્સ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને મળેલી બમ્પર સફળતાને કારણે આમિરે ફરી આ ટીમ સાથે કામ કરવાની ઇચ્છા જાહેર કરી હતી અને હવે લગભગ બે વર્ષ પછી આ ઇચ્છા પૂરી થવાની તૈયારી છે.

 

આમિર ખાન પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા અને ડિરેક્ટર રાજકુમાર હિરાણીની આગામી ફિલ્મમાં કામ કરવા તૈયાર : આ મૂવીમાં શર્મન જોશીની પણ ખાસ ભૂમિકા

ખબર પડી છે કે પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા અને ડિરેક્ટર રાજકુમાર હિરાણીની આગામી ફિલ્મમાં આમિર કામ કરી રહ્યો છે અને આ ફિલ્મમાં ‘થ્રી ઇડિયટ્સ’ના અન્ય હીરો શર્મન જોશીની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મની વાર્તા વિશે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે કે રાજકુમાર હિરાણીની જે સ્ટાઇલમાં કૉમેડી ફિલ્મ બનાવવાની હથોટી છે એ સ્ટાઇલમાં જીવનને સ્પર્શે એવી વાર્તા પરથી આ ફિલ્મ બનાવવામાં આવશે.

ફિલ્મમાં શર્મનના રોલ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘શર્મન હાલમાં પ્રોડક્શન હાઉસની ‘ફેરારી કી સવારી’માં પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન રાજકુમાર હિરાણીનો અસિસ્ટન્ટ રાજેશ માપુસકર કરી રહ્યો છે. શર્મન હવે આ પ્રોડક્શન હાઉસનો મહત્વનો હિસ્સો બની ગયો છે. વળી આમિર અને શર્મન ‘રંગ દે બસંતી’ તથા ‘થ્રી ઇડિયટ્સ’માં સાથે કામ કરી ચૂક્યા હોવાને કારણે તેમની વચ્ચે સારી મિત્રતા પણ છે.’

થોડા સમય પહેલાં ચર્ચા હતી કે રાજકુમાર હિરાણી તેમની સફળ ફ્રૅન્ચાઇઝની ‘મુન્નાભાઈ’ની ત્રીજી સિરીઝ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ચર્ચાની તથા આમિર-શર્મનને ચમકાવતી આગામી ફિલ્મ વિશે સ્પષ્ટતા કરતાં બૅનર સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘રાજકુમાર હિરાણી તેમની સફળ ફ્રૅન્ચાઇઝની ‘મુન્નાભાઈ’ની ત્રીજી સિરીઝ બનાવવાની તૈયારી કરી રહ્યા છે એ વાત સાવ ખોટી છે. રાજકુમાર એવા ડિરેક્ટર છે જે જ્યાં સુધી તેમના હાથમાં ફિલ્મની તેમની પસંદગી પ્રમાણે તૈયાર પટકથા ન આવી જાય ત્યાં સુધી ફિલ્મ શરૂ નથી કરતા. હાલમાં તેમની પાસે બીજી પટકથા તૈયાર હોવાને કારણે હવે એના પર કામ શરૂ કરવામાં આવશે અને સાથે-સાથે ‘મુન્નાભાઈ’ની ત્રીજી સિરીઝનું કામ પણ ચાલુ રહેશે અને એ તૈયાર થઈ જશે પછી જ એના પર કામ શરૂ કરવામાં આવશે. જોકે આમિર અને શર્મનને ચમકાવતી આ ફિલ્મ નજીકના ભવિષ્યમાં શરૂ થાય એવી કોઈ શક્યતા નથી, કારણ કે શર્મન ‘ફેરારી કી સવારી’ના શૂટિંગમાં અને આમિર ડિરેક્ટર રીમા કાગતીની સસ્પેન્સ-થિ્રલર ફિલ્મમાં વ્યસ્ત છે. ૨૦૧૨ના જાન્યુઆરી મહિનામાં આમિર ‘ધૂમ ૩’નું શૂટિંગ શરૂ કરવાનો છે. જ્યારે આ બધા કલાકારો અને ડિરેક્ટરો પોતપોતાના કામમાંથી નવરા થઈ જશે ત્યારે વર્ષના ઉત્તરાર્ધમાં આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ થઈ જશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK