સેલ્વમણિ સેલ્વરાજ દ્વારા વીરપ્પનની ફૅમિલીની સ્ટોરી તો દેખાડવામાં આવી છે પરંતુ એને વધુ મહત્ત્વ આપતાં એવું લાગે છે કે તેને સિમ્પથી આપવામાં આવી છે : હ્યુમન ટચની સાથે પોલીસની સાઇડની જે સ્ટોરી છે એ ખૂબ જ રોમાંચક છે
હ્યુમન રાઇટ્સ અને અપરાધ વચ્ચેની સ્ટોરી
વીરપ્પન. નામ સાંભળતાંની સાથે જ દિમાગમાં સૌથી પહેલાં આવે છે કે તે હાથીઓનો શિકારી અને ચંદનચોર હતો. જોકે આ સિવાય પણ તેણે ઘણાં કુકર્મો કર્યાં હતાં. તે મનુષ્યના અવતારમાં એક રાક્ષસ હતો, જેણે હજારો હાથીની સાથે અદાંજે ૧૮૪થી વધુ વ્યક્તિનાં મર્ડર કર્યાં હતાં, જેમાંના અડધા પોલીસ અને ફૉરેસ્ટ ઑફિસર હતા. તેનાં પાપ એટલાં છે કે તેની સામે તેણે જેટલાં પણ પુણ્ય કર્યાં હોય એનો કોઈ અર્થ નથી રહેતો. નેટફ્લિક્સ પર આ ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘ધ હન્ટ ફૉર વીરપ્પન’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ સિરીઝમાં ચાર એપિસોડથી જે ઍવરેજ ૫૦ મિનિટના છે.
સ્ટોરી ટાઇમ
સેલ્વમણિ સેલ્વરાજ દ્વારા આ ડૉક્યુ-સિરીઝને ડિરેક્ટ કરવામાં આવી છે. આ સિરીઝમાં વીરપન્નની ફૅમિલી અને મિત્રો અને ગૅન્ગ-મેમ્બર્સની સાથે પોલીસ અને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના કેટલાક માણસોના ઇન્ટરવ્યુ પણ દેખાડવામાં આવ્યા છે. આ સ્ટોરીને ચૅપ્ટર દ્વારા ડિવાઇડ કરવામાં આવી છે. પહેલા એપિસોડને ધ ફૉરેસ્ટ કિંગ નામ આપવામાં આવ્યું છે, જેમાં તે હાથીઓના શિકારથી લઈને ચંદન ચોર કેવી રીતે બન્યો અને ત્યાર બાદ તેણે જંગલ પર કેવી રીતે રાજ કર્યું એ દેખાડવામાં આવ્યું છે. બીજો એપિસોડ ધ બ્લડબાથ છે. એમાં તેની પોલીસ સાથેની દુશ્મનીને કારણે કેટલા લોકોના જીવ ગયા એની સાથે જંગલ અને નાનાં-નાનાં ગામનો પણ સફાયો થયો એ દેખાડવામાં આવ્યું છે. ત્રીજો એપિસોડ ધ રેવલ્યુશનરી છે. આ એપિસોડમાં તેણે મૂવી સ્ટાર ડૉક્ટર રાજકુમારને કિડનૅપ કર્યો હતો એના પર છે. આ કિડનૅપિંગને કારણે કર્ણાટક અને તામિલનાડુ બન્ને રાજ્યમાં પૉલિટિકલ ઊથલપાથલ થઈ હતી. ચોથો એપિસોડ ધ વે આઉટ છે. આ એપિસોડમાં દેખાડવામાં આવ્યું છે કે વીરપ્પન કેવી રીતે બધું છોડીને તેની ફૅમિલી સાથે એકલો શાંતિથી રહેવા માગતો હોય છે, પરંતુ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા તેને શોધીને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવે છે.
ADVERTISEMENT
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સેલ્વમણિ સેલ્વરાજની આ સ્ટોરીમાં ઘણા પૉઇન્ટ વિશે સવાલો ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તેને પકડવા માટે જે પણ રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ વિશે પણ વાત કરવામાં આવી છે. આજ સુધી એક પણ શો કે ફિલ્મમાં આ વિશે વાત નહોતી કરવામાં આવી, પરંતુ કાયદાના રક્ષક દ્વારા જે-જે સ્ટેપ લેવામાં આવ્યાં હતાં એના પર માનવીય અધિકારની દૃષ્ટિએ જોઈએ તો સવાલ જરૂર ઊભા થાય છે. જોકે ફરી એક સવાલ પણ આવે છે કે પોલીસ અથવા તો સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા જે પણ સ્ટેપ લેવામાં આવ્યાં, એને કારણે વીરપ્પને કરેલાં પાપ દૂર નથી થતાં. તેણે જે પણ પાપ કર્યાં છે એના માટે કોઈ માફી નથી. તેને અટકાવવા માટે જે કરવું પડે એ કરવું પડે એ પણ એટલું જ સાચું લાગે છે. જોકે આ સિરીઝનો સૌથી મોટો પૉઇન્ટ એ છે કે એમાં ફૅમિલીના ઇન્ટરવ્યુને ખૂબ જ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને તેની પત્ની મુથુલક્ષ્મીને. તેની ફૅમિલી વીરપ્પનના પક્ષમાં બોલવાની એ સ્વાભાવિક છે. આથી જો આવી વાતને વધુ મહત્ત્વ આપવામાં આવે તો એવું લાગે છે કે વીરપ્પન સાથે લાઇફમાં જે ખોટું થયું એને લઈને તેણે આવું કર્યું છે. તે કોઈ રૉબિનહુડ નહોતો, પરંતુ આ ઇન્ટરવ્યુને લીધે એવું લાગે છે. તે કોઈ રેવલ્યુશનરી નહોતો કે પોતાના લોકો માટે કંઈ સારું કરતો હોય. જોકે ખોટા રસ્તાને કારણે જે પણ કામ કર્યું હોય એ ખોટું જ લાગે છે. આથી સેલ્વમણિ સેલ્વરાજે આ ઇન્ટરવ્યુ પર લગામ કસવી ખરેખર જરૂરી હતી. જોકે વીરપ્પનનાં પાપ જગજાહેર છે અને એ લોકોની મેન્ટાલિટી ચેન્જ કરી શકે એવું ખૂબ જ ઓછા ચાન્સ છે, પરંતુ આજે ટીવી અને સોશ્યલ મીડિયામાં જે દેખાડ્યું એ લોકો માની બેસે છે. તેઓ પોતાના વિચારો અને પોતાની સમજશક્તિ શું કહે છે એ વિશે વધુ વિચારવાનું પસંદ નથી કરતા. જોકે આ સાથે જ જંગલનાં જે દૃશ્યો છે અને જે રીતે એને દેખાડવામાં આવ્યું છે એ કાબિલે દાદ છે. સેલ્વમણિ સેલ્વરાજની સ્ટોરીમાં હ્યુમન ટચ જરૂર છે, પરંતુ એ લોકોનું પર્સેપ્શન ચેન્જ કરી શકે એવું છે. શોમાં ઘણાં ઓરિજિનલ દૃશ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ ખરેખર અસરકારક છે. તેમ જ ચિત્રાત્મક દૃશ્યોને પણ ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યાં છે. કર્ણાટક અને તામિલનાડુની સરકારને વીરપ્પનને પકડવા માટે લગભગ સો કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થયો હતો. ઇન્ડિયાનું આ સૌથી મોટું ડોમેસ્ટિક મિશન હતું. ૩૬ વર્ષ જંગલમાં રાજ કરનાર વીરપ્પનને પકડવા માટે પણ ઘણાં વર્ષોનો સમય લાગ્યો હતો. પોલીસની સ્ટોરીનો જે ઍન્ગલ દેખાડવામાં આવ્યો છે એ પણ રોમાંચક છે.
આખરી સલામ
આ સિરીઝ બાદ ઘણા સવાલો ઊભા થાય છે કે પોલીસ દ્વારા લોકોને જે રીતે ટૉર્ચર કરવામાં આવ્યા હતા એ યોગ્ય કહેવાય કે નહીં. બીજી તરફ એ પણ સવાલ ઊભો છે કે ગામના લોકો વીરપ્પનને સંતાડતા હતા અને તેને સપોર્ટ કરતા હતા એ કેટલી હદ સુધી સાચા? ગુનો કરનારને સપોર્ટ કરનાર પણ ગુનેગાર કહેવાય.

