અનુરાગનું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મને હવે ડર લાગે છે

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપનું કહેવું છે કે ‘તાંડવ’ના વિવાદ બાદ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સે ‘સેક્રેડ ગેમ્સ 3’ને પડતી મૂકી છે. એ સિરીઝ ન બનવા વિશે સવાલ કરતાં એનું કારણ જણાવતાં અનુરાગ કશ્યપે કહ્યું કે ‘વિક્રમ મોટવાણી ‘સેક્રેડ ગેમ્સ’ને પ્રોડ્યુસ કરતો હતો. મારે ‘મુક્કાબાઝ’નું શૂટિંગ કરવાનું હતું એના દસ દિવસ પહેલાં તેણે મને આ શો માટે પૂછ્યું હતું. મેં તેને કહ્યું કે હું તૈયાર છું, પરંતુ કેટલાક લોકોને મારાથી તકલીફ હતી. કેટલાક લોકોએ તેમને જણાવ્યું કે મારી પાસે ફીમેલ ઑડિયન્સ નથી. ત્રીજી સીઝન બનવાની હતી, પરંતુ તેમણે એેને બંધ કરી દીધી. એનું કારણ તો નેટફ્લિક્સને જ ખબર હશે.’
સૈફ અલી ખાનના વેબ-શો ‘તાંડવ’ના એક સીનને લઈને ખાસ્સો વિવાદ મચ્યો હતો. એમાં દેખાડવામાં આવ્યું હતું કે મોહમ્મદ ઝીશાન અય્યુબ શંકર ભગવાનનો વેશ ધારણ કરીને યુનિવર્સિટીમાં હાજર વિદ્યાર્થીઓને કહે છે કે ‘આપકો કિસસે આઝાદી ચાહિએ?’
નારદના વેશમાં હાજર વ્યક્તિ કહે છે કે ‘નારાયણ નારાયણ’. પ્રભુ કુછ કિજીએ, સોશ્યલ મીડિયા પર રામજી કે ફૉલોઅર્સ બઢતે જા રહે હૈં.’
આ સીનથી દેશમાં વિવાદ ઊભો થયો હતો. લોકો કહી રહ્યા હતા કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને આ શોનો ખાસ્સો વિરોધ કર્યો હતો. અનુરાગનું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મને હવે ડર લાગે છે. એ વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘મારે ઘણુંબધું કામ કરવું છે. મેં ખરેખર તો કામ પણ કર્યું છે. જોકે ડિજિટલ પ્લૅટફૉર્મ પાસે હવે હિમ્મત નથી કેમ કે ‘તાંડવ’ને લઈને ઊઠેલા વિવાદથી બધા ગભરાઈ ગયા છે. હવે મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર કામ કરવાનો ઇન્ટરેસ્ટ નથી કે જ્યાં હું પાત્રોની અટકનો ઉપયોગ ન કરી શકું. જેનું અસ્તિત્વ છે એને દેખાડવાની મને મંજૂરી નથી. હું આવું હાઇજિનિક કામ નથી કરી શકતો. જો હું રિયલ વસ્તુ ન દેખાડી શકતો હોઉં તો મારે કામ નથી કરવું.’