આ શોની સ્ટોરી પરથી ઘણા પ્રોજેક્ટ બન્યા છે, પરંતુ આમાં દાઉદના પિતાના ઍન્ગલથી શોને દેખાડવાની કોશિશ ઇન્ટરેસ્ટિંગ છે; જોકે વધુપડતી ગાળો મજા બગાડી શકે છે : કે. કે. મેનન, ક્રિતિકા અને અવિનાશના પર્ફોર્મન્સ જોરદાર છે

બમ્બઈ મેરી જાન
બમ્બઈ મેરી જાન
કાસ્ટ : કે. કે. મેનન, અવિનાશ તિવારી, ક્રિતિકા કામરા,
સૌરભ સચદેવા, નવાબ શાહ, અમાયરા દસ્તુર
ડિરેક્ટર : શુજાત સૌદાગર
સ્ટારઃ 3/5
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અન્ડરવર્લ્ડનો ખૂબ જ જૂનો સંબંધ છે. પહેલાંના સમયમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અન્ડરવર્લ્ડ કહે એ રીતે કામ થતું હતું. જોકે ત્યાર બાદ અન્ડરવર્લ્ડનો દબદબો પૂરો થતાં એના પરથી ઘણી ફિલ્મો બનાવવામાં આવે છે. હાલમાં જ આ વિષય પર એક વેબ-શો રિલીઝ કરવામાં આવ્યો છે જે ‘બમ્બઈ મેરી જાન’ છે. આ નામ જોઈને કોઈને પણ ખબર પડી શકે છે કે એ દાઉદ ઇબ્રાહિમ પર હશે. જોકે આ શો ફક્ત દાઉદ પર નથી.
સ્ટોરી ટાઇમ
આ શોની શરૂઆત ઇન્સ્પેક્ટર ઇસ્માઇલ કાદરીનું પાત્ર ભજવતા કે. કે. મેનનથી થાય છે. તે તેનાં બાળકો અને પત્ની સાથે મુંબઈ આવે છે. તેની ટ્રાન્સફર થઈ હોય છે. તે અન્ડરવર્લ્ડ સામે જંગ છેડે છે. એ સમયે હૈદરાબાદથી મુંબઈ આવેલા સુલેમાન મકબૂલી એટલે કે હાજીસા’બનું રાજ હોય છે. આ પાત્ર સૌરભ સચદેવાએ ભજવ્યું છે. તે દરેક પ્રકારનાં ખોટાં કામ કરતો હોય છે. ઇસ્માઇલ કાદરી હાજી પાછળ પડે છે અને હાજી તેને ખરીદવા અને અટકાવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરે છે. જોકે આ ઇન્સ્પેક્ટર પણ તૂટે છે અને તેને કામમાંથી કાઢી મૂકવામાં આવે છે. આ દરમ્યાન તેનો દીકરો દારા એટલે કે અવિનાશ તિવારી બમ્બઈનો કિંગ બનવા માગતો હોય છે. તે હાજી અને દરેક ગૅન્ગને પૂરી કરી નાખવાનું બીડું ઉપાડે છે. જોકે આ સ્ટોરી દારા કેવી રીતે અન્ડરવર્લ્ડનો કિંગ બને છે એના પર જ નથી, પરંતુ તેણે લાઇફમાં શું-શું ખોવું પડે છે એના પર પણ છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
રાઇટર અને જાણીતા ક્રાઇમ જર્નલિસ્ટ એસ. હુસેન ઝૈદી દ્વારા આ શોની સ્ટોરી લખવામાં આવી છે. આ સ્ટોરીને સમીર અરોરા અને રેન્સિલ ડિસિલ્વા દ્વારા સ્ક્રીનપ્લેમાં ઉતારવામાં આવી છે. આ સ્ક્રીનપ્લેને ડિરેક્ટ શુજાત સૌદાગરે કર્યો છે. તેમ જ અબ્બાસ અને હુસેન દલાલ દ્વારા આ શોના ડાયલૉગ લખવામાં આવ્યા છે. મોટા ભાગના વેબ-શોના ડાયલૉગ આ જોડી દ્વારા લખવામાં આવે છે. આ સ્ક્રીનપ્લેમાં પહેલા બે એપિસોડ ફક્ત અને ફક્ત ઇસ્માઇલ કાદરી કેવી રીતે અન્ડરવર્લ્ડને મિટાવવાની કોશિશ કરે છે એના પર છે. ત્યાર બાદ દારા પિક્ચરમાં આવે છે. મોટા ભાગની ફિલ્મ અથવા તો વેબ-શોમાં અન્ડરવર્લ્ડના ડૉનને હીરો જેવા દેખાડવામાં આવ્યા છે. જોકે અહીં એક વસ્તુ સારી છે કે આ શો દારાના પિતા એટલે કે ઇસ્માઇલ કાદરીની નજરે અને તેના વૉઇસ ઓવર સાથે આગળ વધે છે. આથી દારા જે પણ કરે એ ખોટું જ છે એનો હંમેશાં એહસાસ કરાવવામાં આવ્યો છે. જોકે એમ છતાં આ શોમાં પહેલાંની ગૅન્ગસ્ટર ફિલ્મમાંથી રેફરન્સ લેવામાં આવ્યા હોય એ જોઈ શકાય છે. એટલે કે એનું રિપીટ ટેલિકાસ્ટ જોતા હોઈએ એવું લાગે છે. જોકે શુજાતે તેના ડિરેક્શન દ્વારા ઘણાં દૃશ્યોને ખૂબ જ સુંદર રીતે દેખાડ્યાં છે. આ સાથે જ તેણે દરેક ઇમોશનને ખૂબ જ સારી રીતે દેખાડ્યા છે. દારાની બહેન હબીબાનું પાત્ર ભજવનાર ક્રિતિકા કામરાની સ્ટોરી પણ તેણે ખૂબ જ સારી રીતે દેખાડી છે. જોકે બીજી તરફ દારાને ખૂબ જ ઝડપથી કિંગ બનાવી દેવામાં આવ્યો છે. તેની જર્નીને પૂરતો ન્યાય આપવામાં નથી આવ્યો. કેટલાંક દૃશ્યો ખૂબ જ ક્રૂરતા ભરેલાં છે. આ એક એવો શો છે જેમાં ખુશી હોય કે ગમ, ગાળો ભરી-ભરીને દેવામાં આવી છે. એથી હેડફોનમાં જોવું વધુ યોગ્ય રહેશે.
પર્ફોર્મન્સ
કે. કે. મેનને તેના ઇસ્માઇલના પાત્રનાં ઇમોશન્સને ખૂબ જ સારી રીતે દેખાડ્યાં છે. પહેલા બે એપિસોડ સંપૂર્ણ રીતે કે. કે. મેનનના છે. તેણે આ દરમ્યાન ઇમોશન્સને અલગ રીતે અને એકદમ રિયલ દેખાડવાની પૂરતી કોશિશ કરી છે. આ બે એપિસોડ બાદ સ્ટોરી સ્પીડ પકડે છે અને ત્યાર બાદ તેના દરેક ઇમોશનમાં જોઈ શકાય છે કે દારા તેનો દીકરો હોવા થતાં તે તેના એક પણ કામથી ખુશ નથી. તે શાંત હોય ત્યારે પણ એક પ્રકારનો અણગમો અને દિમાગમાં ચાલતા વિવિધ વિચારો સામે આવે છે. અવિનાશ તિવારીએ દાઉદનું પાત્ર ભજવ્યું છે. આ એક એવું પાત્ર છે જે અગાઉ એક ખૂબ જ અલગ પ્રકારની ઑરા ધરાવતા ઍક્ટર્સ દ્વારા એ ભજવવાની કોશિશ કરવામાં આવી છે. જોકે અવિનાશને દાઉદના પાત્રમાં જોવો એકદમ અલગ છે. તે બૉડીબિલ્ડર હોવા કરતાં પોતાનું દિમાગ ચલાવતો હોય છે. જોકે કેટલાંક દૃશ્યમાં તેની ક્રૂરતા જોવા મળી છે. ખાસ કરીને જર્નલિસ્ટના મર્ડરનો બદલો લે છે એમાં. સૌરભ સચદેવા અને નવાબ શાહ તેમનાં પાત્રને પૂરતો ન્યાય આપે છે. દારાની મમ્મીના રોલમાં નિવેદિતા ભટ્ટાચાર્યએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. જિતિન ગુલાટીનું પાત્ર ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે અને તેણે એને એટલું જ સારી રીતે ભજવ્યું છે. દારાની બહેન હબીબાનું પાત્ર ક્રિતિકાએ ભજવ્યું છે. આ પાત્ર એક ફિલ્મમાં શ્રદ્ધા કપૂરે ભજવ્યું હતું. જોકે અહીં ક્રિતિકાએ એને પોતાનું બનાવી દીધું છે. શરૂઆતથી લઈને અંત સુધીમાં તેનું પાત્ર જે રીતે સ્ટ્રૉન્ગ બને છે એ જોરદાર છે. શોનો એન્ડ જે રીતે થાય છે એને જોતાં બીજી સીઝન આવશે એવું લાગે છે. જોકે ક્રિતિકા એક અલગ જ અવતારમાં દેખાશે. અમાયરા દસ્તુરે દારાની પ્રેમિકાનું પાત્ર ભજવ્યું છે, પરંતુ તેના પાત્રને પૂરતું એક્સપ્લોર કરવામાં નથી આવ્યું.
આખરી સલામ
અગાઉ જોયું હોય એ બધું આ શોમાં જોવા મળશે, પરંતુ એમાં નવીનતા પણ છે. આ નવીનતા માટે દસ એપિસોડનો આ શો જોઈ શકાય છે. તેમ જ કે. કે. મેનનને જોવો એક લહાવો છે. આ શો ફક્ત અને ફક્ત તેના પર્ફોર્મન્સના દમ પર ઇન્ટરેસ્ટિંગ બન્યો છે.