આ એકમાત્ર એવો ભારતીય શો છે જેને બર્લિન સિરીઝ માર્કેટ સિલેક્ટ્સ માટે પસંદ કરવામાં આવ્યો છે

કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂરે ‘બ્રાઉન’માં પોતાના રોલ માટે બંગાળી ભાષા શીખવાની સાથે સિગારેટ રોલ કરતાં પણ શીખી હતી. આ એકમાત્ર એવો ભારતીય શો છે જેને બર્લિન સિરીઝ માર્કેટ સિલેક્ટ્સ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ શો અભિક બરુઆની ૨૦૧૬માં આવેલી નૉવેલ ‘સિટી ઑફ ડેથ’ પરથી બનાવવામાં આવ્યો છે. એને દિગ્વિજય સિંહ, સુનયના કુમારી અને મયુખ ઘોષે ઍડપ્ટ કર્યો હતો અને અભિનવ દેવે ડિરેક્ટ કર્યો છે. કરિશ્મા ભાગ્યે જ આલ્કોહૉલ ડ્રિન્ક કરે છે, પરંતુ પોતાના રોલમાં પ્રાણ પૂરવા માટે તેણે ડિનર છોડીને ડ્રિન્ક્સ કર્યું હતું જેથી તે જાગે તો હૅન્ગઓવરમાં હોય એવી દેખાય. સાથે જ તે નૉન-સ્મોકર છે, પરંતુ તે સિગારેટ રોલ કરતાં શીખી. આ શોમાં તેનું પાત્ર કલકત્તાનું હોવાથી તેણે બંગાળી ભાષાની પણ ખાસ ટ્રેઇનિંગ લીધી હતી. પોતાના રીટાના રોલ વિશે કરિશ્માએ કહ્યું કે ‘શૂટિંગ વખતે મારી આસપાસના ઘણા લોકો મને ઓળખી ગયા હતા. મારા કૅરૅક્ટર સાથે મારપીટ થઈ હોય છે. તે ઘણીબધી તકલીફમાંથી પસાર થાય છે. લોકો તેને ધક્કા મારે છે અને આવું સામાન્ય જીવનમાં પણ ઘટતું હોય છે. આ માત્ર ડિપ્રેશન કે પછી આલ્કોહૉલિઝમની વાત નથી. લોકો એની ચર્ચા પણ નથી કરતા. જોકે એક સમય આવે છે જ્યારે લોકોને કોઈ વ્યક્તિની હાજરી કે ગેરહાજરીથી કોઈ ફરક નથી પડતો. મારું પાત્ર ફરીથી બેઠું થાય છે, કારણ કે તેની અંદર એ ક્ષમતા છે. રીટા બ્રાઉન દરેક મહિલા માટે પ્રેરણાદાયી છે અને એ જ વસ્તુ મને સ્પર્થી ગઈ છે. મારી લાઇફમાં હું પણ ઘણુંબધું વેઠી ચૂકી છું.’