૨૦૦૭ની પચીસ સપ્ટેમ્બરે તેનો જન્મ થયો છે.
પંદર વર્ષની ચાઇલ્ડ આર્ટિસ્ટ રૂહાનિકાએ ખરીદ્યું પોતાનું મકાન
‘યે હૈ મોહબ્બતેં’માં રૂહીના રોલમાં જોવા મળેલી ૧૫ વર્ષની રૂહાનિકા ધવને પોતાનું મકાન ખરીદ્યું છે. તેણે ‘મિસિસ કૌશિક કી પાંચ બહુએં’ અને ‘મેરે સાંઈ-શ્રદ્ધા ઔર સબૂરી’માં પણ કામ કર્યું છે. આ સિવાય તેણે ‘જય હો’ અને ‘ઘાયલ : વન્સ અગેઇન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ૨૦૦૭ની પચીસ સપ્ટેમ્બરે તેનો જન્મ થયો છે. પોતાના મકાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રૂહાનિકાએ કૅપ્શન આપી હતી, ‘વાહે ગુરુજી અને મારા પેરન્ટ્સના આશીર્વાદથી મારી નવી શરૂઆતની ખુશી હું તમારા સૌની સાથે શૅર કરવા માગું છું. હું અતિશય ખુશ છું અને ખૂબ આભારી પણ છું. મારી જાતમહેનતથી મકાન ખરીદું એવું મારું સૌથી મોટું સપનું મેં પૂરું કર્યું છે. આ મારા માટે મોટી બાબત છે અને તમને સૌને જણાવવા માટે હું આતુર છું. મારા પેરન્ટ્સ, મને જે પ્લૅટફૉર્મ્સ મળ્યાં અને જે તકો મળી જેના માધ્યમથી મારું સપનું હું પૂરું કરી શકી એના માટે હું અતિશય આભારી છું. કોઈની મદદ કે પેરન્ટ્સના માર્ગદર્શન વગર આ શક્ય નથી. આ લખતી વખતે હું પોતાની જાતને ખૂબ નસીબદાર માનું છું. વિશેષ આભાર મારી મમ્મીનો માનું છું કે જે એક જાદુગર છે કે જેણે બચત કરીને રકમને ડબલ કરી. આ વાત તો માત્ર ભગવાન અને તે જ જાણે છે. મને કોઈ હવે અટકાવી ન શકે. આ તો માત્ર શરૂઆત છે. મેં મોટાં સપનાં જોયાં છે. એને પૂરાં કરવા માટે હું વધુ મહેનત કરીશ. એથી જો હું કરી શકું છું તો તમે પણ એ કરી શકો છો. એથી સપનાં જોઈને એને પૂરાં કરવાના પ્રયાસ કરો અને એક દિવસ એ જરૂર પૂરાં થશે. તમે બધાએ જે મારી મદદ અને સપોર્ટ કર્યો છે મારી એ લાગણીને હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. તમે સૌએ આપેલા પ્રેમ અને આશીર્વાદનો હું ફરી એક વખત આભાર માનું છું.’