‘બિગ બૉસ OTT 3’ના સ્પર્ધક અરમાન મલિકની જગ્યાએ સોશ્યલ મીડિયા પર સિંગર અરમાન મલિકને લોકો કરી રહ્યા છે ટૅગ
અરમાન મલિક
સિંગર અરમાન મલિકને લઈને હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. ‘બિગ બૉસ OTT 3’માં એક સ્પર્ધક છે. એ સ્પર્ધકનું નામ અરમાન મલિક છે. આ સ્પર્ધક તેની બે પત્નીઓને લઈને ખૂબ જ ચર્ચામાં છે. જોકે તેની જગ્યાએ સોશ્યલ મીડિયા પર યુઝર્સ સિંગર અરમાન મલિકને ટૅગ કરી રહ્યા છે. આથી કંટાળીને સિંગર અરમાન મલિકે સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ‘હેલો, છેલ્લા ઘણા સમયથી હું આ ઇશ્યુને નજરઅંદાજ કરતો આવ્યો છું, પરંતુ હવે એ મારા કાબૂની બહાર જતો રહ્યો છે. એક યુટ્યુબ ક્રીએટર, જે પહેલાં સંદીપના નામે ઓળખાતો પરંતુ તેણે હવે તેનું નામ અરમાન મલિક કરી નાખ્યું છે તે હાલમાં ‘બિગ બૉસ OTT 3’માં જોવા મળી રહ્યો છે. એનાથી ઘણું કન્ફ્યુઝન થઈ રહ્યું છે. ઘણા લોકો તેની જગ્યાએ મને ટૅગ કરી રહ્યા છે કે હું એ જ વ્યક્તિ છું. હું દરેકને એ ખાતરી આપવા માગું છુ કે મારો એ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. તેમ જ હું અરમાન અથવા તો તેની લાઇફસ્ટાઇલને પણ પ્રમોટ નથી કરતો. હું કોઈને નામ બદલતાં તો અટકાવી નથી શકતો, પરંતુ હું મારા લોકોને એટલી વિનંતી કરું છું કે મને આ મુસીબતમાંથી બહાર નીકળવામાં મદદ કરો.’