આ શોમાં શ્વેતા તિવારી અને માનવ ગોહિલ લીડ રોલમાં છે

શ્વેતા ગુલાટી
ઝીટીવી પર ૨૭ સપ્ટેમ્બરે શરૂ થનારી નવી સિરિયલ ‘મૈં હૂં અપરાજિતા’માં પોતાના રોલ મોહિની સિંહ દ્વારા શ્વેતા ગુલાટી ભરપૂર ડ્રામા લઈને આવવાની છે. આ શોમાં શ્વેતા તિવારી અને માનવ ગોહિલ લીડ રોલમાં છે. સિરિયલમાં અપરાજિતાની છબિ ખરડવાનો પ્રયાસ મોહિની કરતી દેખાશે. પોતાના રોલ વિશે શ્વેતા ગુલાટીએ કહ્યું કે ‘આ સિરિયલ ‘મૈં હૂં અપરાજિતા’માં કામ કરવાની મને ખુશી છે. આવા રોલ કરવાની મજા આવે છે. મારી કરીઅરમાં મેં આજ સુધી આવો રોલ નથી કર્યો. આ પાત્ર માટે મેન્ટલી અને ઇમોશનલી ખૂબ તૈયારીની જરૂર પડે છે. મારો રોલ શોમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામાનો ઉમેરો કરશે, કારણ કે હું અક્ષયની બીજી વાઇફના પાત્રમાં દેખાઈશ. ૧૭ વર્ષ બાદ હું માનવ સાથે ફરીથી દેખાવાની છું. અમે બન્નેએ જ્યારે ટેલિવિઝન પર અમારી જર્નીની શરૂઆત કરી ત્યારે અમે બન્ને યંગ હતાં. મને એ વાતની ખુશી છે કે આ વખતે મને કંઈક અનોખું કરવાની તક મળી છે. તેની સાથે કામનો અનુભવ મજેદાર છે અને મને ખાતરી છે કે સાથે શૂટિંગ કરવાની પણ અમને મજા પડશે. આશા છે કે હું મારા આ કૅરૅક્ટર સાથે ન્યાય કરી શકીશ અને દર્શકોને પણ એ ગમશે.’