નીતિન મુકેશ હાલમાં જ ‘સા રે ગા મા પા’માં જોવા મળ્યો હતો

નીતિન મુકેશ અને મુકેશ
નીતિન મુકેશ દ્વારા હાલમાં જ એક વાત કહેવામાં આવી છે કે તેના પિતાએ બાળકોની સ્કૂલ ફી ભરવા માટે શાકભાજીના ફેરિયા પાસે લોન લેવી પડી હતી. નીતિન મુકેશ હાલમાં જ ‘સા રે ગા મા પા’માં જોવા મળ્યો હતો. આ શોમાં નીતિન મુકેશે કહ્યું કે ‘મેં મારા પિતા જેટલી સ્ટ્રગલ કોઈએ લાઇફમાં કરી હોય એવું નથી સાંભળ્યું. તેમણે ઘણા દિવસ પાણી અને ભોજન વગર પસાર કર્યા હતા. જોકે નવાઈની વાત એ છે કે એમ છતાં તેઓ ‘ધ મુકેશજી’ બન્યા હતા. ‘આવારા હૂં’ અને ‘મેરા જૂતા હૈ જપાની’ જેવાં હિટ ગીત આપ્યા બાદ પણ તેમણે છથી સાત વર્ષ સુધી સ્ટ્રગલ કરવી પડી હતી. એક સમય હતો જ્યારે તેઓ બાળકોની સ્કૂલ ફી પણ ભરી શકે એમ નહોતું. એ સમયે તેમણે શાકભાજી વેચનાર પાસેથી લોન લીધી હતી. તેને મારા પિતાનો અવાજ પસંદ હોવાથી તેણે લોન આપી હતી અને મારા પિતાએ મારી અને બહેનની સ્કૂલ ફી ભરી હતી. મારા પિતા અને શાકભાજી વેચનારે આ વિશે અમને કંઈ નહોતું કહ્યું, પરંતુ મારી મમ્મી અમને બધું કહેતી હતી. તે અમને શીખવાડતી હતી કે મારા પિતા કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ બધી વાતો હું ક્યારેય ભૂલી શકું એમ નથી. તેમણે ક્યારેય હાર નહોતી માની અને તેઓ હંમેશાં કહેતા કે તેઓ વિનર બનીને આવશે.’

