રેમો હાલમાં ‘ડીઆઇડી સુપર મૉમ્સ’માં રક્ષાબંધન સેલિબ્રેટ કરતો જોવા મળશે

ડીઆઇડી સુપર મૉમ્સમાં રક્ષાબંધન સેલિબ્રેશન
રેમો ડિસોઝાનું કહેવું છે કે એક સમય એવો હતો જ્યારે તેનો હાથ રાખડીઓથી સતત ભરાયેલો રહેતો. રેમો હાલમાં ‘ડીઆઇડી સુપર મૉમ્સ’માં રક્ષાબંધન સેલિબ્રેટ કરતો જોવા મળશે. આ શોમાં રિયાએ તેના ભાઈને મિસ કરી રહી હોવાનું કહ્યું હતું અને ત્યારે રેમોએ સ્ટેજ પર આવીને તેની પાસે રાખડી બંધાવી હતી. આ વિશે વાત કરતાં રેમોએ કહ્યુ હતુ કે ‘હું મારી ‘ડીઆઇડી સુપર મૉમ્સ’ સિસ્ટર્સનો આભાર માનું છું જેમણે સ્ટેજ પર મને રાખી બાંધી છે. એનાથી મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા હતા. મારી ચાર બહેનો છે અને મારી આસપાસ રહેતી છોકરીઓને પણ મેં બહેનો બનાવી દીધી હતી. દરેક રક્ષાબંધન પર દરેક છોકરી મને હાથમાં રાખડી બાંધતી હતી. મને યાદ છે તેઓ મારા હાથમાં રાખડી બાંધવા માટે ખૂબ જ ફૅન્સી રાખી લઈને આવતી હતી. આજે તો લોકો એકદમ પાતળી અને સિમ્પલ રાખડી બાંધે છે. જોકે આ સ્પર્ધકોએ રાખડીથી મારા હાથને ભરી દીધો હતો અને એનાથી મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા હતા.’