‘કુછ પાને કે લિએ કુછ ખોના પડતા હૈ’ આ કહેવત પર સુધાંશુને જરાપણ વિશ્વાસ નથી
સુધાંશુ પાંડે
સ્ટાર પ્લસ પર આવતી ‘અનુપમા’ સિરિયલમાં વનરાજ શાહનો રોલ કરનાર સુધાંશુ પાંડે આજે ઘર-ઘરમાં જાણીતો છે. તેનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં માત્ર મહિલાઓને જ નહીં, પુરુષોને પણ કૉમ્પ્રોમાઇઝ કરવાનું કહેવામાં આવે છે. પોતાને મેન્ટલી સ્ટ્રૉન્ગ જણાવીને સફળ થવા માટે શૉર્ટકટ્સ લેવામાં ભરોસો નથી કરતો. ફેમસ ડિરેક્ટર્સે તેને કૉમ્પ્રોમાઇઝ કરવા કહ્યું હતું અને બદલામાં કામની ઑફર્સ આપવામાં આવશે એવી બાંહેધરી આપી હતી. ‘કુછ પાને કે લિએ કુછ ખોના પડતા હૈ’ આ કહેવત પર સુધાંશુને જરાપણ વિશ્વાસ નથી.
સુધાંશુ જ્યારે બાર વર્ષનો હતો ત્યારે એક ડૉક્ટરે તેને મોલૅસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસર ડૉક્ટરના બદઇરાદાની જાણ થતાં તે એમાંથી બચી ગયો હતો. ભૂતકાળની એ ઘટના પર પ્રકાશ પાડતાં સુધાંશુ કહે છે, ‘અમે ફૅમિલીમાં એક લગ્નમાં ગયાં હતાં જ્યાં એક ડૉક્ટર સાથે મુલાકાત થઈ હતી. તેમની સાથે સારી રીતે હું ભળી ગયો હતો. ડૉક્ટરે બાદમાં મને તેની રૂમમાં બોલાવ્યો હતો. ત્યાં જઈને મને ડૉક્ટરના ખરાબ ઇરાદાઓની જાણ થઈ ગઈ હતી કે તે શું કરવા માગે છે. હું ડૉક્ટરને ધક્કો મારીને ત્યાંથી નીકળી ગયો અને મમ્મીને આખી ઘટના જણાવી હતી. આ ઘટનાને કારણે ભવિષ્યમાં મને ઘણી મદદ મળી હતી. જ્યારે પણ કૉમ્પ્રોમાઇઝ કરવાનું જણાવવામાં આવતું તો હું ચોખ્ખી ના પાડીને કહેતો કે હું એવા પ્રકારનો માણસ
નથી.’


