લિસાના પરિવારે એક નિવેદન બહાર પાડીને આ દુઃખના સમયમાં તેમના સમર્થન અને પ્રાર્થના માટે દરેકનો આભાર માન્યો છે. આ સાથે અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં પરિવારની પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે
તસવીર સૌજન્ય: એએફપી
પ્રખ્યાત અમેરિકન ગાયિકા અને ગીતકાર લિસા મેરી પ્રેસ્લી (Lisa Marie Presley)નું નિધન થયું છે. તેમણે 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિસાને મેડિકલ ઈમરજન્સીના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. લિસા મેરી પ્રેસ્લી સ્વર્ગસ્થ અમેરિકન અભિનેતા, ગાયક અને સંગીતકાર એલ્વિસ પ્રેસ્લી (Elvis Presley)નાં પુત્રી હતાં.
લિસા એલ્વિસ પ્રેસ્લીનાં એકમાત્ર પુત્રી હતાં. ગાયકના આકસ્મિક નિધનથી તેમનો પરિવાર ખૂબ જ શોકમાં છે. ચાહકોમાં પણ શોકની લહેર છે. લિસાના પરિવારે એક નિવેદન બહાર પાડીને આ દુઃખના સમયમાં તેમના સમર્થન અને પ્રાર્થના માટે દરેકનો આભાર માન્યો છે. આ સાથે અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં પરિવારની પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે લિસા પ્રેસ્લીએ સ્વર્ગસ્થ પોપ સિંગર માઈકલ જેક્સન (Michael Jackson) સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, બાદમાં બંનેએ છૂટાછેડા લીધાં હતાં. બંનેનાં લગ્ન બાદ 1994થી 1996 સુધી સાથે રહ્યાં હતાં. એકવાર પ્રેસ્લીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યાં હતાં, ત્યારે તે બાળકો થવાથી ડરતાં હતાં. એક ટૉક શૉ દરમિયાન લિસાએ કહ્યું હતું કે, “મારા પર બાળકો પેદા કરવાનું દબાણ હતું અને હું ઈચ્છતી પણ હતી, પરંતુ હું ભવિષ્ય વિશે વિચારતી હતી અને ક્યારેય જેક્સન સાથે કસ્ટડીની લડાઈમાં ઉતરવા માગતી ન હતી.”
આ પણ વાંચો: સર્જરીમાંથી બહાર આવતાં ઇન્ટેન્સિવ કૅરમાં છે જેરેમી રનર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રેસ્લીને હાર્ટ એટેક આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બે દિવસ પહેલાં, ગાયિકા તેની માતા સાથે ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં હાજરી આપી હતી. લિસાની માતા પ્રિસિલા પ્રેસ્લી પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે. જ્યારે લિસા પ્રેસ્લી પાંચ વર્ષનાં હતાં, ત્યારે તેના પિતા એલ્વિસ પ્રેસ્લી અને માતા પ્રિસિલાના છૂટાછેડા થઈ ગયાં હતાં. જ્યારે તે 9 વર્ષની હતાં ત્યારે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, એલ્વિસ પ્રેસ્લીનું નિધન વર્ષ 1977માં થયું હતું. લિસા મેરી પ્રેસ્લીનું ગાયક અને ગીતકાર તરીકે ડેબ્યુ આલ્બમ વર્ષ 2003માં રિલીઝ થયું હતું.