કાર ચેઝ, ટ્રેઇન વગેરે ઍક્શન અગાઉ જોવા મળી છે, પરંતુ અહીં એકદમ અલગ રીતે અને ડીટેલમાં દેખાડવામાં આવી છે, જે ઍક્શનને એક સ્ટેપ આગળ લઈ જાય છે
ટૉમ ક્રૂઝ, રેબેકા ફર્ગ્યુસન,
ટૉમ ક્રૂઝની ઍક્શન અદ્ભુત છે અને તે જ્યારે ઍક્શન ન કરતો હોય ત્યારે હેલી એટવેલ સાથેની કેમિસ્ટ્રીમાં હ્યુમર જોવા મળે છે : કાર ચેઝ, ટ્રેઇન વગેરે ઍક્શન અગાઉ જોવા મળી છે, પરંતુ અહીં એકદમ અલગ રીતે અને ડીટેલમાં દેખાડવામાં આવી છે, જે ઍક્શનને એક સ્ટેપ આગળ લઈ જાય છે
મિશન : ઇમ્પૉસિબલ – ડેડ રેકનિંગ પાર્ટ વન
ADVERTISEMENT
કાસ્ટ : ટૉમ ક્રૂઝ, રેબેકા ફર્ગ્યુસન, હેલી ઍટવેલ, વેનેસા કિર્બી
ડિરેક્ટર : ક્રિસ્ટોફર મૅક્કવેરી
સ્ટાર : ૪ સ્ટાર પૈસા વસૂલ
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મમાં ટૉમ ક્રૂઝ ઇમ્પૉસિબલ મિશન ટાસ્ક ફોર્સનો નંબર વન એજન્ટ ઇથન હન્ટના પાત્રમાં છે. દુનિયા પર સંકટ આવ્યું હોય છે કે એક ડેડલી વેપન કોઈના હાથમાં આવી ગયું તો તે એક જ દેશ નહીં, પરંતુ સમગ્ર દુનિયા અને માનવજાત પર રાજ કરી શકે એમ હોય છે. આ વેપનની એક ચાવી હોય છે જેને બે પાર્ટમાં વહેંચવામાં આવી હોય છે. આ ચાવી જેના હાથમાં આવી ગઈ તે દુનિયા પર રાજ કરી શકે છે. આથી આ ચાવી પાછળ ઘણા લોકો પડ્યા હોય છે. ઇથન હન્ટને પણ તેની લાઇફનું અત્યાર સુધીનું સૌથી ડેડલી મિશન આપવામાં આવે છે, જેમાં તે તેની લાઇફમાં તેણે જે મેળવ્યું હોય એ ખોઈ શકે એમ હોય છે. આ ફિલ્મમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને વિલન દેખાડવામાં આવ્યું છે, જેને એન્ટિટી કહેવામાં આવે છે. આ બે ચાવીમાંનો એક પાર્ટ એલ્સા એટલે કે ઇથન હન્ટની ભૂતપૂર્વ પ્રેમિકા રેબેકા ફર્ગ્યુસન પાસે હોય છે. બીજો પાર્ટ ઍરપોર્ટ પર એક વ્યક્તિ લઈને આવવાનો હોય છે, પરંતુ તેની પાસેથી ગ્રેસ એટલે કે હેલી ઍટવેલ એ ચોરી લે છે. તે એક પૉકેટમાર હોય છે. આથી બન્ને ચાવી ઇથન કેવી રીતે બચાવે છે અને એ ચાવીનું શું કરે છે અને તેણે કેટલું બલિદાન આપવું પડે છે એના પર ફિલ્મ છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ક્રિપ્ટને ખૂબ જ ડીટેલથી લખવામાં આવી છે. આગળની છ ફિલ્મોનાં કેટલાંક પાત્રોને ફરી આ ફિલ્મમાં લાવવામાં આવ્યાં છે. એની કન્ટિન્યુઇટી જાળવી રાખવી અને અત્યારના નવા પાત્ર સાથે એને સિન્ક કરવાં એ સરળ નથી. ઍક્શનથી લઈને હ્યુમર અને ક્લાઇમૅક્સથી લઈને બાઇક સીન કે પછી કાર ચેઝ દરેક બાબતમાં ખૂબ જ ડીટેલથી કામ કરવામાં આવ્યું છે. ટૉમ ક્રૂઝ હોય ત્યાં સ્ટન્ટ જોરદાર હોય એ વિશે બેમત નથી, પરંતુ દરેક સ્ટન્ટને તે એકદમ આગળ લઈ જાય છે. કાર ચેઝનાં દૃશ્યો મોટા ભાગની દરેક ફિલ્મમાં હોય છે. ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસની દરેક ફિલ્મ લઈ લો કે રોહિત શેટ્ટીની કોઈ પણ ફિલ્મ લઈ લો કે પછી ટૉમ ક્રૂઝની જ પોતાની ‘મિશન : ઇમ્પૉસિબલ’ સિરીઝને લઈ લો, દરેક ફિલ્મમાં કાર ચેઝ હોય છે. જોકે આ ફિલ્મમાં એને વધુ ચૅલેન્જિંગ બનાવવામાં આવી છે. મોટા ભાગના લોકો મિલિટરી લેવલની કાર સામે ટૉમ ક્રૂઝ માઇક્રો ફિયાટ લઈને જાય છે એની વાત કરશે. જોકે એ પહેલાં તે જે કારમાં બેઠો હોય છે ત્યારે તે ફક્ત એક હાથથી ડ્રાઇવિંગ કરતો હોય છે. કાર ડ્રાઇવ કરવા માટે જે હાથનો વધુ ઉપયોગ થાય છે એ તેણે હાથકડી વડે બાંધી દીધો હોય છે. તેણે રિયલમાં આ હાથને બાંધી દીધો હતો અને શૂટિંગ કર્યું હતું. આથી આ કાર ચેઝની ડીટેલ પર ફોકસ કરવામાં આવે તો એ ખૂબ જ મુશ્કેલ સ્ટન્ટ હતો. ફિલ્મની શરૂઆતમાં રણમાં શૉટ છે એ પણ સારો હતો. ફિલ્મનું નામ પડે એ પહેલાં તો એક મિશન પૂરું થઈ ગયું હોય છે. આથી ફિલ્મની શરૂઆત જ ખૂબ જોરદાર કરવામાં આવી છે. ક્રિસ્ટોફરની ફિલ્મની દરેક ઍક્શનમાં નવીનતા છે. બાઇક જમ્પનું જે દૃશ્ય છે એ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. એવું કહેવાય છે કે ટૉમ ક્રૂઝને સંતોષ ન થતો હોવાથી તેણે આ માટે ઘણા રિટેક્સ પણ લીધા હતા. ત્યાર બાદ સૌથી જોરદાર દૃશ્ય હોય તો એ છે ક્લાઇમૅક્સનું ટ્રેઇનનું. બ્રિજ પરથી ટ્રેઇન પડવાનું દૃશ્ય ઘણી ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. શાહરુખ ખાનની ‘પઠાન’માં પણ સલમાન ખાન સાથે એ દેખાડવામાં આવ્યું હતું. જોકે એમાં એ દૃશ્યને જેટલું હળવાશથી દેખાડવામાં આવ્યું હતું એટલું જ ડીટેલ અને એ દૃશ્ય પર ફોકસ કરીને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું. ટ્રેનના ડબ્બા જે રીતે એક-એક કરીને પડે છે અને ઇથન અને ગ્રેસ પોતાને જે રીતે બચાવે છે એ ખરેખર રૂંવાડાં ઊભાં કરી નાખે છે. આ માટે આ ફિલ્મ થિયેટરમાં જોવી રહી. ક્રિસ્ટોફરે દરેક ઍક્શન દૃશ્યને સ્ટોરી સાથે કનેક્ટ કર્યાં છે અને ત્યાર બાદ સ્ટોરીને આગળ વધારી છે. એવું નથી કે ઍક્શનને દેખાડવા પૂરતી દેખાડવામાં આવી છે. તેમ જ તેણે એક પણ દૃશ્ય એવું નથી છોડ્યું જ્યાં ઍક્શનની જરૂર હોય અને તેણે ન દેખાડી હોય. ફિલ્મ ખૂબ જ સ્પીડમાં આગળ વધે છે, પરંતુ એમ છતાં એ થોડી લાંબી છે. કેટલાંક દૃશ્યોને કાઢી શકાયાં હોત જેથી ફિલ્મ બે કલાક અને ૪૨ મિનિટથી નાની બની શકે.
પર્ફોર્મન્સ
ટૉમ ક્રૂઝનો પર્ફોર્મન્સ કેવો હોય એ ફિલ્મના નામ પરથી કહી શકાય છે. તે હંમેશાં ઇમ્પૉસિબલ ઍક્શન કરવા માટે જાણીતો છે. તેની ઉંમર આજની તારીખે ૬૧ વર્ષની છે. જોકે ફિલ્મને બનતાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં. એમ છતાં તે આટલી ઉંમરે પણ આવી ઍક્શન કરે અને દરેક સ્ટન્ટ પોતે કરે એ કાબિલે દાદ છે. એવું પણ નથી કે તેના સ્ટન્ટ ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કારણ કે તેની ફિલ્મનું મેકિંગ જે હોય છે એના તે વિડિયો શૅર કરે છે અને એ જ વિડિયો તેની ફિલ્મને પ્રમોટ કરવાનું કામ કરે છે. ટૉમ ક્રૂઝે તેના પર્ફોર્મન્સમાં એ દરેક વસ્તુની ખાતરી રાખી છે કે તેના ચાહકો કે દર્શકોને તેમણે ખર્ચેલા પૈસાનું પૂરેપૂરું એન્ટરટેઇનમેન્ટ મળે. તે ભલે તેના દરેક સ્ટન્ટ જાતે કરતો હોય, પરંતુ તેણે તેની ઉંમરને ધ્યાનમાં રાખી છે. એવું નથી કે તેણે મેકઅપ દ્વારા તેની ઉંમર છુપાવી હોય જે સલમાન ખાન અને શાહરુખ ખાન કરે છે. તેમ જ તેની ઉંમર પ્રમાણે તેની દોડવાની સ્પીડમાં પણ એ જોવા મળે છે. આથી તેણે તેના પર્ફોર્મન્સને એકદમ રિયલ રાખવાની કોશિશ કરી છે. હેલી ઍટવેલે ગ્રેસનું પાત્ર ભજવ્યું છે. તેની અને ટૉમ વચ્ચેની તૂતૂ-મૈંમૈં ખરેખર જોવાની મજા આવે છે. તેમ જ બન્નેના પાત્રને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યાં છે અને આગામી સીક્વલમાં તેમની વચ્ચે પણ પ્રેમ જોવા મળશે એમાં બેમત નથી. રેબેકા ફર્ગ્યુસને તેના કામને સારી રીતે ભજવવાની કોશિશ કરી છે. જોકે વેનેસા કિર્બીની હાજરી બાદ ફિલ્મમાં ગ્લૅમરની સાથે થોડી વિલનવાળી ફીલિંગ પણ આવે છે. તેની હાજરીથી સ્ક્રીનમાં થોડી વાઇબ્રન્સી આવી જાય છે. તે અગાઉ ‘મિશન : ઇમ્પૉસિબલ – ફૉલઆઉટ’માં જોવા મળી હતી. આ સિવાય ઇથન હન્ટના દરેક સાથીએ પણ તેમના પાત્રને સારી રીતે ભજવ્યું છે.
આખરી સલામ
ટૉમ ક્રૂઝની એક પણ ફિલ્મ અત્યાર સુધી ઇન્ડિયામાં સો કરોડનો બિઝનેસ નથી કરી શકી. આ તેની પહેલી ફિલ્મ બની શકે છે જે થોડા દિવસમાં સો કરોડની ક્લબમાં સામેલ થઈ શકે. આ એક એવી ફિલ્મ છે જેને ફક્ત થિયેટરમાં જોવાની મજા આવે છે.


