હૉલીવુડની ફિલ્મ ‘હાર્ટ ઑફ સ્ટોન’ની પ્રોડ્યુસર અને ઍક્ટર ગલ ગડોટ આ ફિલ્મ માટે આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીને લકી માનતી હતી
આલિયા ભટ્ટ અને ગલ ગડોટ
હૉલીવુડની ફિલ્મ ‘હાર્ટ ઑફ સ્ટોન’ની પ્રોડ્યુસર અને ઍક્ટર ગલ ગડોટ આ ફિલ્મ માટે આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીને લકી માનતી હતી. આ ફિલ્મ ૧૧ ઑગસ્ટે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એ ફિલ્મના શૂટિંગ અગાઉ જ આલિયાએ તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ વાત તેણે જ્યારે ગલને કહી તો તે ખૂબ ખુશ થઈ હતી. એ વિશે આલિયાએ કહ્યું કે ‘મને યાદ છે કે મેં જ્યારે ગલને કૉલ કર્યો અને તેને મારી પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું. હું શૂટિંગ શરૂ કરવાની હતી. મારે કેટલીક ઍક્શન સીક્વન્સ કરવાની હતી પરંતુ મારે તેને જણાવવું જરૂરી હતું, કેમ કે તે આ ફિલ્મની પ્રોડ્યુસર છે. સાથે જ મારે કેટલાક પ્રતિબંધો પણ હતા. તે એટલી તો ખુશ, એક્સાઇટેડ થઈ હતી અને તેણે ચિયર કરવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ જણાવ્યું કે આ ફિલ્મ માટે એ લકી છે. મને લાગે છે કે ભાગ્યે જ એવા લોકો તમને મળે છે. શરૂઆતની બે મિનિટ તેણે ખૂબ કાળજી લીધી, અતિશય ઉમળકો દેખાડ્યો અને માત્ર સલામતીની વાત કરી. તમે જ્યારે આવા લોકો સાથે કામ કરો તો રિલેશનશિપ વિકસે છે. તમને એવા લોકોને મળવાનું અને વાતો કરવાનું ગમે છે જે તમારા દિલને સ્પર્શી જાય છે અને તમને આરામદાયક અનુભવ કરાવે છે. આવો જ મને એહસાસ થયો હતો.’


