ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફાસ્ટ એક્સ રિવ્યુ: જેસન મોમોઆએ બચાવી લાજ

ફાસ્ટ એક્સ રિવ્યુ: જેસન મોમોઆએ બચાવી લાજ

20 May, 2023 06:06 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

સ્લો અને ધક્કો મારીને ચાલતી હોય એવી સ્ટોરીમાં વિન ડીઝલ આપણા સલમાનભાઈની જેમ ફક્ત સ્ટાઇલ મારવા માટે હોય એવું લાગે છે : ડાન્ટેએ તેની ઍક્ટિંગ અને ટાઇમિંગને કારણે આ ફિલ્મને ઇન્ટરેસ્ટિંગ બનાવી છે

ફાસ્ટ એક્સ રિવ્યુ: જેસન મોમોઆએ બચાવી લાજ

ફાસ્ટ એક્સ રિવ્યુ: જેસન મોમોઆએ બચાવી લાજ

ફિલ્મ: ફાસ્ટ એક્સ

કાસ્ટ: વિન ડીઝલ, જેસન મોમોઆ, ચાર્લીઝ થેરોન, મિશેલ રૉડ્રિગ્સ, જેસન સ્ટેધમ, બ્રી લાર્સન, જૉન સીના, ટાઇરીસ ગિબ્સન, લુડાક્રીસ, નથાલી ઇમૅન્યુઅલ, સુંગ કેન્ગ, સ્કૉટ ઈસ્ટવુડ


ડિરેક્ટર: લુઇ લેટેરિયર


રિવ્યુ: ૨ (ઠીક-ઠીક)

વિન ડીઝલની ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ ફ્રૅન્ચાઇઝીની દસમી ફિલ્મ ‘ફાસ્ટ એક્સ’ રિલીઝ થઈ છે. આ સિરીઝની આ છેલ્લી ફિલ્મ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ થોડા દિવસ અગાઉ જ વિન ડીઝલે કહ્યું કે તેની આગામી ફિલ્મ પણ આવશે. આ ફિલ્મને જસ્ટિન લિને નહીં, પરંતુ લુઇ લેટેરિયરે ડિરેક્ટ કરી છે.


સ્ટોરી ટાઇમ

આ સિરીઝની નવમી ફિલ્મ જ્યાંથી પૂરી થઈ હતી ત્યાંથી દસમી ફિલ્મને શરૂ કરવામાં આવી છે. જોકે ફિલ્મની શરૂઆત અગાઉની ફિલ્મનાં કેટલાંક દૃશ્યથી કરવામાં આવે છે. આ ફિલ્મમાં જેસન મોમોઆની વિલન તરીકે એન્ટ્રી થઈ છે. તે કોણ છે અને કેવી રીતે આવ્યો અને શું કામ આવ્યો એની ડીટેલ માટે કેટલાંક દૃશ્યોને ફરીથી દેખાડવામાં આવ્યાં છે. ત્યાર બાદ ખરી શરૂઆત થાય છે અને તેઓ ફૅમિલી લંચ કરવા માટે બેઠા હોય છે. ત્યાં જ રોમન પિયર એક નવો પ્લાન લઈને આવે છે અને તેઓ સરકારની મદદ કરવા માટે મિશન પર જવાના હોય છે. જોકે આ વખતે તે મિશન લીડ કરી રહ્યો હોય છે, કારણ કે ડૉમિનિક ટોરેટો અને લેટી તેની સાથે નથી જતાં. આ મિશન પર જતાં જ તેમને ખબર પડે છે કે તેમની સાથે દગો કરવામાં આવ્યો છે અને આથી તેમને બચાવવા માટે ડૉમિનિક ટોરેટો આવે છે. જેસન મોમોઆએ ડાન્ટેનું પાત્ર ભજવ્યું છે. ડાન્ટેનું ફક્ત એક જ મિશન હોય છે કે ડૉમિનિક ટોરેટોને તડપાવી-તડપાવીને મારવો અને એ પહેલાં તેની ફૅમિલીનું નામોનિશાન મિટાવી કાઢવું. આ માટે ડાન્ટે ડૉમિનિક અને તેની ફૅમિલીની પાછળ ઘોડાના ડાબલા બાંધ્યા હોય એમ મિશનથી જરા પણ આમ-તેમ હટ્યા વગર તેમની પાછળ પડ્યો હોય છે. ડૉમિનિક તેની ફૅમિલીને બચાવી શકે કે નહીં એના પર આ ફિલ્મ છે અને આ ફૅમિલીમાં તેના દીકરાનો પણ સમાવેશ થાય છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

આ ફિલ્મની સ્ટોરી ડેન મઝેયુ, જસ્ટિન લિન અને ઝેક ડીને લખી છે. જસ્ટિન લિન ફિલ્મને ડિરેક્ટ કરવાનો હતો, પરંતુ તેણે અંતિમ ઘડીએ ફિલ્મને છોડતાં લુઇને પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મની મુખ્ય થીમ ફૅમિલી છે. આ ફિલ્મમાં ફૅમિલી એટલી વાર બોલવામાં આવે છે કે એક વાર તો આ શબ્દથી નફરત થઈ જાય. આ સિરીઝને ટ્રિબ્યુટ આપવા માટે આ ફૅમિલી શબ્દ અને સ્ટોરીને એની આસપાસ વણવા પર ખૂબ જ ફોકસ કરવામાં આવ્યું છે. જોકે સ્ટોરી ખૂબ જ ધીમી છે. ફિલ્મમાં ઍક્શન સિવાયનાં જેટલાં પણ દૃશ્યો છે એ ઘણાં બોરિંગ લાગે છે. આ સિરીઝની દરેક ફિલ્મ જોઈ હોય અને દસમી ફિલ્મ છેલ્લી હોવાથી એના રિવ્યુ પહેલાં ફરી નવ ફિલ્મને જોવામાં આવે ત્યારે આ દસમી ફિલ્મ ખૂબ જ ધીમી અને બોરિંગ લાગે છે. લુઇના ડિરેક્શનમાં પણ કોઈ નવીનતા નથી. જસ્ટિન લિનની ખોટ દેખાઈ આવે છે. જોકે અહીં ભૂલ સ્ટોરી એટલે કે સ્ક્રિપ્ટની છે. એને ખૂબ જ ધીમી અને ધક્કા મારીને ચલાવવામાં આવતી હોય એવી બનાવવામાં આવી છે. જસ્ટિન લિને સ્ક્રિપ્ટને લઈને વિન ડીઝલ સાથે મતભેદ થતાં આ ફિલ્મને છોડી દીધી હતી. જસ્ટિન તેની ઓરિજિનલ સ્ક્રિપ્ટને લઈને ફિલ્મ બનાવવા માગતો હતો અને જો એ કર્યું હોત તો એ સારું થયું હોત, કારણ કે આ ફિલ્મમાં એટલો દમ નથી. કેટલાંક દૃશ્યોને સારી રીતે શૂટ કરવામાં આવ્યાં છે, પરંતુ એ પણ સિનેમૅટોગ્રાફરની કારીગરી છે. ફિલ્મમાં ડાન્ટે એક ડાયલૉગ બોલે છે કે લોકોમાં મર્દાનગીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને એને ઓછું કરવાની જરૂર છે. અહીં મેકર્સ એક મેસેજ આપી રહ્યા હતા અને એને લેવો જરૂરી છે. આ સિવાય ફિલ્મમાં એક પણ સારો ડાયલૉગ નહોતો. ટ્રેલરમાં રોમ સિટીમાં એક લોખંડનો બૉમ્બ દેખાડવામાં આવે છે જે રસ્તા પર ફરતો હોય છે, એ એક જ દૃશ્ય ફિલ્મમાં સારું છે. આ સિવાય પ્લેનમાંથી કાર નીચે ફેંકવામાં આવે અથવા તો છેલ્લે બ્રિજ પરથી ડૉમિનિક કાર નીચે ઉતારે છે એ એટલાં દિલધડક નથી. જોકે જોન સીનાના જૅકબનું દૃશ્ય ખૂબ જ સારી રીતે લેવામાં આવ્યું છે.

પર્ફોર્મન્સ

વિન ડીઝલ પહેલી વાર આ સિરીઝમાં ફક્ત સ્ટાઇલ મારવા માટે આવ્યો હોય એવું લાગે છે. અહીં સલમાન ખાનનું નામ કોણે લીધું? તે ફક્ત સ્ટાઇલમાં ચાલતો અને ફૅમિલી ડાયલૉગ મારતો હોય એવું લાગી રહ્યું છે. તેના બાદ સૌથી મહત્ત્વનું પાત્ર જેસન મોમોઆનું છે. આ પાત્રમાં તે થોડો સાઇકિક હોય એવું લાગે છે. જોકે તે દરેક દૃશ્ય, દરેક ડાયલૉગ અને દરેક ગેટઅપને પોતાના બનાવી લે છે. આ ફિલ્મની શરૂઆતમાં ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહૅમર’નું ટ્રેલર દેખાડવામાં આવ્યું છે. આ ટ્રેલર બાદ ફિલ્મમાં પણ ક્રિસ્ટોફર નોલાનની એક ઝલક જોવા મળે છે. આ ઝલક ડાન્ટેના પાત્રમાં છે અને એ જોકરના પાત્રની છે. ડાન્ટે ઘણી વાર તેના જેવા સાઇકિકની ઍક્ટિંગ કરે છે, પરંતુ તે જ્યારે પોર્ટુગલમાં હોય છે અને એક ગ્રિલ પર ઉપર હોય અને નીચે ઊતરે છે ત્યારે તે જોકર જેવો લાગે છે. જેસને તેની ઍક્ટિંગમાં ડાન્સની સ્ટાઇલનો ઉમેરો કર્યો છે, પરંતુ એમ છતાં જોકર જેવો લાગે છે. મિશેલ રૉડ્રિગ્સ અને ચાર્લીઝ થેરોન ખૂબ જ મોટું નામ છે અને તેમનું પાત્ર પણ ખૂબ જ સારું છે. જોકે તેમની વચ્ચે ફક્ત એક ફાઇટ દેખાડવામાં આવે છે અને ત્યાર બાદ તેઓ બન્ને ગાયબ થઈ જાય છે. બન્ને પાસે સ્ક્રીન ટાઇમ નથી. આ સાથે જ જેસન સ્ટેધમ, બ્રી લાર્સન, જોન સીના, ટાઇરીસ ગિબ્સન, લુડાક્રીસ, નથાલી ઇમૅન્યુઅલ, સુંગ કેન્ગ, સ્કૉટ ઈસ્ટવુડ વગેરે જેવા ઍક્ટર ફક્ત ફિલ્મમાં કામ પૂરતા એટલે કે ફૅમિલી રીયુનિયનને ટ્રિબ્યુટ આપવા માટે ફક્ત આવ્યા હોય એવું લાગે છે. તેમની પાસે અગાઉની જેમ કોઈ પણ હેવી ડ્યુટી સ્ટન્ટ અથવા તો દૃશ્ય નથી.

આગે ક્યા?

ફિલ્મમાં જેટલા પણ પાત્રને મૃત્યુ પામતાં દેખાડવામાં આવ્યાં છે એ દરેક ફરી અગિયારમી ફિલ્મમાં જોવા મળશે. જૉન સીનાના પાત્રને નહીં દેખાડવામાં આવે એવું બની શકે છે, કારણ કે તે જે રીતે મૃત્યુ પામ્યો છે એ જોઈને લાગતું નથી કે તે બચી શકે. જોકે આ સિવાય વિન ડીઝલની જેટલી પણ ફૅમિલીના સભ્યો મૃત્યુ પામ્યા છે એ ફરી અગિયારમાં દેખાશે, કારણ કે એના વગર ફિલ્મ આગળ વધવી ખૂબ જ મુશ્કેલ છે. તેમ જ આ ફિલ્મમાં એક નહીં, બે નહીં ઘણી સેલિબ્રિટીઝે કૅમિયો કર્યા છે. બની શકે કે દરેકને ઓળખતા ન હોય, પરંતુ ફિલ્મને એક ગ્લોબલ ટચ જરૂર આપવામાં આવ્યો છે. તેમ જ આ ફિલ્મના લીડ ચહેરા સ્વર્ગીય પૉલ વૉકરની દીકરી મીડો વૉકરનો પણ આ ફિલ્મમાં કૅમિયો છે. આ સાથે જ એક ગ્લોબલ ટીવી સેલિબ્રિટીને ડેટ કરવા માટે જાણીતો કૉમેડિયન પણ એમાં જરૂર જોવા મળશે.

આખરી સલામ

આ ફિલ્મમાં ફૅમિલી ડ્રામા ઓછા કરી સ્ટોરીની સ્પીડ પર વધુ કામ કરવાની જરૂર હતી. માર્વલ સિનેમૅટિક યુનિવર્સની જેમ હવે મોટા ભાગની ફ્રૅન્ચાઇઝી ફિલ્મો એન્ડ-ક્રેડિટમાં આગળ શું થશે એની જાહેરાત કરી દે છે. આથી આ ફિલ્મ માટે પણ થિયેટર્સમાં એન્ડ-ક્રેડિટ માટે બેસી રહેવું.

20 May, 2023 06:06 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK