આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તેની સાથે ગલ ગડોટ અને જેમી ડોર્નન પણ લીડ રોલમાં દેખાશે
આલિયા ભટ્ટ ફાઇલ તસવીર
આલિયા ભટ્ટે તેની આગામી હૉલીવુડ ફિલ્મ ‘હાર્ટ ઑફ સ્ટોન’નાં કેટલાંક દૃશ્ય રીશૂટ કર્યાં છે. એ વાતની માહિતી તેના ડૅડી મહેશ ભટ્ટે આપી છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તેની સાથે ગલ ગડોટ અને જેમી ડોર્નન પણ લીડ રોલમાં દેખાશે. ટ્રેલર જોઈને આલિયાના ફૅન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આલિયાએ ગયા વર્ષે એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં હતાં અને મેમાં તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. જૂનમાં તેણે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાની આ પહેલી હૉલીવુડ ફિલ્મ હોવાથી તે આ તક પોતાના હાથમાંથી નહોતી જવા દેવા માગતી. આ જ કારણ છે કે પ્રેગ્નન્સી દરમ્યાન પણ તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. ટ્રેલર દરમ્યાન કેટલાક સીનમાં તેનું બેબી બમ્પ દેખાય છે. આલિયાના ડૅડી મહેશ ભટ્ટે જણાવ્યું છે કે આલિયાએ પોર્ટુગલમાં ફિલ્મનું રીશૂટ કર્યું હતું. કેટલાંક દૃશ્યો જોઈએ એવાં શૂટ નહોતાં થયાં એથી આલિયાએ બે દિવસ માટે શૂટિંગ કરવું પડ્યું હતું. ફિલ્મ વિશે આલિયાએ કહ્યું કે ‘આ મારી પહેલી હૉલીવુડ ફિલ્મ છે અને મારે કેટલાક ટાસ્ક કરવાના હતા, કારણ કે હું પહેલી વખત ઍક્શન ફિલ્મમાં કામ કરી રહી હતી. એ વખતે હું પ્રેગ્નન્ટ પણ હતી. એથી મારે ઘણી નવી વસ્તુઓ કરવાની હતી. જોકે તેમણે એ બધું ખૂબ સરળ અને આરામદાયક રીતે પાર પાડ્યું હતું. આ બાબત હું નહીં ભૂલું, કારણ કે તેમણે ખૂબ સરસ રીતે મારો આદર કર્યો હતો.’


