આ ફિલ્મમાં ભારતીયોની લાગણી દૂભવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે
ઓપનહાઇમર
ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહાઇમર’નો વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મની ખૂબ રાહ જોવાઈ રહી હતી, કારણ કે એ ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ છે. જોકે ઇન્ડિયામાં સોશ્યલ મીડિયા પર એનો વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં ભારતીયોની લાગણી દૂભવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ફિલ્મ રૉબર્ટ ઓપનહાઇમરની લાઇફ પર આધારિત ફિલ્મ છે, જેણે પરમાણુ બૉમ્બ બનાવ્યો હતો. તે એલામોસ પ્રયોગશાળાનો પ્રમુખ અને મૅનહટન પ્રોજેક્ટનો વૈજ્ઞાનિક હતો. મૅનહટન પ્રોજેક્ટને પરમાણુ બૉમ્બ બનાવવાનો રિસર્ચ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મમાં સિલિયન મર્ફીએ રૉબર્ટ ઓપનહાઇમરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં એક દૃશ્ય છે, જેમાં સિલિયન મર્ફી સેક્સ કર્યા બાદ બેડ પર હોય છે અને તેની ગર્લફ્રેન્ડ તેના શરીર પર નગ્ન સૂતી હોય છે. તે તેને કહે છે કે આ બુકમાંથી એક સંસ્કૃતનો શ્લોક વાંચીને સંભળાવ. એ બુક શ્રીમદ ભગવદ્ગીતા હોય છે. આ દૃશ્યને લઈને ભારતીયોએ નારાજગી દર્શાવી છે. ફિલ્મમાં ભગવદ્ગીતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો એ સારી વાત છે, પરંતુ જે દૃશ્યમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે એનાથી તેઓ ખુશ નથી. તેઓ આ ફિલ્મનો બૉયકૉટ કરવાની વાત કરી રહ્યા છે.


