આપણી પાસે એવી-એવી હસ્તી છે જેની લાઇફ વિશે જોવા માટે ઑડિયન્સ તૈયાર છે. આપણી પાસે એવી-એવી લોકવાર્તાઓ છે જે ઑડિયન્સ સુધી પહોંચવાની રાહ દસકાઓથી જુએ છે
પ્રતીકાત્મક તસવીર
હવે જ્યારે નવા સબ્જેક્ટ્સને ગુજરાતી ઑડિયન્સ આવકારતી થઈ ગઈ છે એવા સમયે મનમાં પહેલો સવાલ એ જાગે છે કે હજી સુધી ગુજરાતીમાં બાયોપિક પર કામ કેમ શરૂ નથી થયું, શું કામ હજી કાલ્પનિક વાર્તાઓ પર જ દુનિયા ચાલતી રહે, શું કામ હજી પણ ફિલ્મી વાર્તાઓ પર જ બધું અકબંધ રહે?
બાયોગ્રાફિકલ ફિલ્મના સબ્જેક્ટ જો શોધવા બેસો તો એટલા સરસ-સરસ વિષયો ગુજરાતી ફિલ્મ માટે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. થોડા સમય પહેલાં ‘નાયિકાદેવી’ નામની એક ફિલ્મ આવી હતી, પણ એ ફિલ્મ બાયોપિક કરતાં વધારે કાલ્પનિક હતી અને હું વાત કરું છું એ બાયોપિકની. સરદાર વલ્લભભાઈ પટેલથી માંડીને અનેક એવા રાજકીય આગેવાનો છે જેના પર ફિલ્મ બની શકે એમ છે તો અનેક એવી વ્યક્તિઓ છે જેની લાઇફ પરથી ફિલ્મ બની શકે છે. ફ્રીડમ-ફાઇટર પણ અઢળક છે અને ઇલાબહેન ભટ્ટ જેવાં સેવાભાવી આગેવાનો પણ છે જેના પર સરસ ફિલ્મ બની શકે.
ADVERTISEMENT
કબૂલ કે હિન્દી ફિલ્મોમાં બાયોપિકનો એક દોર હતો, જેમાં અનેક અદ્ભુત રિયલ લાઇફ કૅરૅક્ટર પર ફિલ્મો બની અને પછી એ દોર પૂરો થયો, પણ આપણે ત્યાં એ સ્તરે કામ થયું જ નથી કે દોર પૂરો થાય. આઇ મસ્ટ સે, કે એ દોર હજી આવ્યો જ નથી અને એને માટે પ્રયાસ પણ નથી થયા કે તમે એવું ધારી શકો કે ઑડિયન્સને એ નહીં ગમે. ઑડિયન્સને ગમે જ છે અને તેમને પસંદ પડે તો એ ગુજરાતી-હિન્દીનો ભેદભાવ ભૂલીને પણ જવા માટે રાજી જ છે, પણ એવું બને એ પહેલાં આપણે કંઈક નવું તો કરવું જ પડશે.
ગુજરાતી ફિલ્મોને કોઈ એક બંધ બૉક્સમાં રાખીને જોવાની જરૂર નથી એવું અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ કહું છું. ‘વશ’ નામની સાયકોલૉજિકલ-થ્રિલર બની અને લોકોએ એ સ્વીકારી એ જ દેખાડે છે કે તમારે કશુંક નવું કરવાની તૈયારી કરવી પડશે. પહેલા દિવસે, સ્ક્રિપ્ટ લખાવાની શરૂ થાય એ પહેલા દિવસે જ તમે એવું ધારવા માંડો કે ફલાણો સબ્જેક્ટ હમણાં ચાલ્યો છે તો આપણે એ જ કરવો જોઈએ કે પછી ઢીંકણો સબ્જેક્ટ વધારે ડિમાન્ડમાં છે તો આપણે એ જ લખવો જોઈએ. આ બહુ ખોટી વાત છે.
તમે અત્યારે જે લખો છો એ ૧૫ દિવસમાં તો સ્ક્રીન પર જોવા મળવાનું નથી. આ થઈ પહેલી વાત. બીજી વાત, તમે જે વિચારો છો એ જ રીતે બીજા બધા વિચારે છે એટલે જ્યારે તમારી ફિલ્મ સ્ક્રીન પર આવશે ત્યાં સુધી તો એકસરખી સ્ટોરી લઈને આવનારી ફિલ્મોનો ઢગલો થઈ ગયો હશે. જો એવું બનતું હોય તો પછી તમારી ફિલ્મ જોવા માટે શું કામ લોકો જાય, શું કામ લોકો એક જ વાર્તા સાંભળવા-જોવા બેસે?!
જરા યાદ કરો તમારું ચાઇલ્ડહુડ. એક ને એક સ્ટોરી સાંભળવા આપણે રાજી હતા?
નહીંને?
જો મફતમાં સાંભળવા મળતી અને પ્રેમથી સંભળાવવામાં આવતી સ્ટોરી પણ આપણે બીજી વાર સાંભળવા રાજી ન હોઈએ તો કેવી રીતે તમે એવું ધારી શકો કે પોતાની મહેનતની ઇન્કમ ઑડિયન્સ ફિલ્મની ટિકિટ માટે ખર્ચે, એ ફિલ્મની ટિકિટ માટે જેમાં કહેવાયેલી સ્ટોરી અગાઉ તે બેથી ચાર વાર જોઈ ચૂક્યો હો?!
બાયોપિક તો એક ઉદાહરણ છે. કહેવાનો મતલબ એ છે કે ચેન્જ થતી ગુજરાતી ફિલ્મોને આપણે આગળ લઈ જવાનું કામ કરતા રહેવું પડશે અને એવા-એવા સબ્જેક્ટ્સ લાવવા પડશે જે સબ્જેક્ટ્સ અગાઉ ક્યારેય સ્ક્રીન પર જોવા ન મળ્યા હોય. આપણે ત્યાં એવી-એવી લોકવાર્તાઓ છે જે આજે પણ સાંભળવા માટે ઑડિયન્સ ડાયરાઓમાં જઈને બેસે છે. એવી-એવી સત્યઘટનાઓ છે જે ખરેખર લોકો સુધી પહોંચે એ બહુ જરૂરી બની ગયું છે. આવી પરિસ્થિતિ વચ્ચે જો તમે કશું નવું લાવવાનું કામ નહીં કરો તો નૅચરલી જે ઑડિયન્સ માંડ કશું નવું જોવા માટે તૈયાર થઈ છે એ તરત જ પાછી ફરી જશે. પાછી ફરી જશે એ જ પૉઇન્ટ નથી. પૉઇન્ટ એ છે કે પાછી ફરી ગયેલી ઑડિયન્સને ફરી એક વાર થિયેટર સુધી લઈ આવવાનું કામ બહુ અઘરું છે અને એ વાત અત્યારે બૉલીવુડ પણ ભોગવી જ રહ્યું છે.
થ્રૂઆઉટ ફ્લૉપ ફિલ્મ પછી આજે એવી સિચુએશન આવી ગઈ છે કે સારી ફિલ્મ જોવા જવા માટે પણ ઑડિયન્સ તૈયાર નથી થતી. બૉલીવુડને અત્યારે પોસાશે એવું પણ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એ નહીં પોસાય. આપણી ઇન્ડસ્ટ્રી હજી ઊભી થઈ રહી છે અને ઊભી થતી ઇન્ડસ્ટ્રીને લાગતી પછડાટ હંમેશાં ખતરનાક હોય છે.
ઑલવેઝ.