તેમણે થિયેટરમાં પ્રોડ્યુસર તરીકે 100 કરતા વધુ નાટક નિર્માણ કર્યા છે અને કેટલાક નાટકોમાં કામ પણ કર્યું છે. આ સાથે તેઓ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’માં અભિનય માટે પણ જાણીતા હતા. તેમની અંતિમ યાત્રા નિવાસ સ્થાનેથી નીકળશે.
કૌસ્તુભ ત્રિવેદી
ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોમાં એક મોટી ખોટ સર્જાઈ છે. અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય અને નિર્માતા તરીકે પોતાની છાપ છોડનાર દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું મુંબઈમાં તેમના નિવાસ સ્થાને ૬૯ની વયે અવસાન થયું છે. કૌસ્તુભ ત્રિવેદીનું ગુજરાતી થિયેટરમાં ખૂબ જ મોટું યોગદાન હતું. તેમણે થિયેટરમાં પ્રોડ્યુસર તરીકે 100 કરતા વધુ નાટકો નિર્માણ કર્યા છે અને કેટલાક નાટકોમાં કામ પણ કર્યું છે. આ સાથે તેઓ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’માં અભિનય માટે પણ જાણીતા હતા. તેમની અંતિમ યાત્રા કાંદિવલીથી આવતી કાલે ૨૮.૫.૨૫ બુધવારે સવારે ૯ કલાકે નીકળશે.
ગુજરાતી રંગભૂમિના આ મોટા કલાકાર અને પ્રોડ્યુસરના નિધન પર તેમના નજીકના મિત્રો કલાકારો અને પરિવાર તરફથી શોક વ્યકત કરવામાં આવી રહ્યો છે. કૌસ્તુભ ત્રિવેદીના નિધન પર ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે તેમના મિત્રો અને કલાકારોએ વાત કરી તેમને શ્રદ્ધાંજલી આપી છે. અભિનેતા અને પ્રોડ્યુસર સંજય ગોરડિયા, બાબુલ ભાવસાર, રાજેન્દ્ર બુટાલાએ આ દિગ્ગજ કલાકાર સાથેની તેમની યાદગાર પળોને શૅર કરી તેમને યાદ કર્યા છે.
ADVERTISEMENT
બૉલિવૂડ અભિનેતા જૉની લીવરની દીકરી જેમી લીવરના પણ અનેક શો કૌસ્તુભ ત્રિવેદીએ પ્રોડ્યુસ કર્યા છે. જેમી લીવરે પણ તેમણે ભાવુક શ્રદ્ધાંજલી આપી છે.
View this post on Instagram
સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદીએ 100 કરતાં વધુ નાટકમાં પ્રોડ્યુસર અને સાથી કલાકાર તરીકે કામ કર્યું છે. ખાસ મિત્રના અવસાન પર તેમને યાદ કરતાં સંજય ગોરડિયા કહે છે કે “અમે પાર્ટનર પછી અને મિત્ર પહેલા હતા. 25 વર્ષ એકબીજા સાથે અમારી પાર્ટનરશિપની જર્નીને એક રેકોર્ડ ગણાવી શકાય. અમારી વચ્ચે મતભેદો થયા, પણ તે કદીયે પૈસાને લઈને નહીં પણ નાટકની ક્રિએટિવિટી બાબતને લઈને તેને બહેતર બનાવવાની દ્રષ્ટિએ થતાં.
ગુજરાતી રંગભૂમિને મોટી ખોટ પડી છે. તે ઘણા સમયથી નાટકોથી દૂર હતા, તેમ છતાં તેમનું નામ નાટકમાં હોય. નિર્માતાઓ તેમને કહેતા કે તમે કામ નહીં કરતાં પણ તમારું નામ નાટકમાં રહેશે, આ બાબત તેના કામ પ્રત્યે ઘણું કહીં જાય છે. ”કૌસ્તુભ ત્રિવેદી સાથે પોતાની જર્ની અને મિત્રતાને એક નાટકમાં વ્યાખ્યાયિત કરી શકાય તે અંગે સંજય ગોરડિયાએ કહ્યું ‘લાલી લીલા’. આ નાટકના બે પાત્રોની જેવી અમારી મિત્રતા હતી. અમારી વચ્ચે પૈસાને લઈને કોઈ અવિશ્વાસ કોઈ પણ પરિસ્થિતિમાં ન નિર્માણ થઈ શકે, એવી અમારી મિત્રતા હતી."
પ્રિતેશ સોઢાએ પણ આ દિગ્ગજ કલાકાર દ્વારા તેમને આપવામાં આવેલી એક સરસ મજાની વાત શૅર કરી હતી. તેમણે કહ્યું "મારા પહેલા નાટકમાં તેઓ પ્રેઝેન્ટર હતા. શરૂઆતમાં હું જ્યારે નાટકમાં કામ કરતો ત્યારે સીનમાં વધુ પડતી એનર્જી તેમાં નાખી દેતો. આ વખતે તેમણે મને બોલાવીને સમજવ્યું કે જો બેટા સિંહનું બચ્ચું સિંહ જ હોય, પણ તેને ક્યાં શિકાર કરવો તે ખબર ન હોય. જેથી તેમણે મને કહ્યું કે ક્યાં અને કઈ જગ્યાએ હાથ પગ મારવા અને પોતાને બહેતર બનાવવું. આ સાથે તેમને રંગભૂમિમાં આવતી નવી પીઢી બાબતે પણ ઘણો રસ હતો."
View this post on Instagram
કૌસ્તુભ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કરતાં બાબુલ ભાવસાર કહે છે કે “કૌસ્તુભ ભલે મારી સાથે નાટકમાં હોય કે ન હોય પણ તે હંમેશા પ્રોડકશનમાં દરેકને ગાઈડ કરતો. રંગભૂમિ માટે હંમેશા છાતી કાઢીને ઊભી રહી જાય તેવી વ્યક્તિ એટલે કૌસ્તુભ ત્રિવેદી. આ ક્ષેત્ર સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેમને જરૂર યાદ કરશે. તેઓ અનેક વખત મારા મદદગાર તરીકે આગળ આવ્યા છે અને નાટક અંગે સૌથી પ્રામાણિક વ્યક્તિ. તેમની સાથે કામ કરતી વખતે મને પૈસાની બાબતે કોઈ પણ વિવાદ કે તકલીફ થઈ નથી. તેઓ નાટકને ઉત્તમ બનાવવા માટે બધા જ પ્રયત્ન કરે. ‘ભગવાન તારું ભલું કરે’ આ વાક્ય તેમની જીભે હોય જ.”
આ સાથે અભિનેત્રી છાયા વોરા અને મેઘના ખાંડેકર પણ આ દિગ્ગજ કલાકારને શ્રદ્ધાંજલી આપી શોક વ્યક્ત કર્યો છે.
પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલા કૌસ્તુભ ત્રિવેદીને યાદ કરતાં કહે છે કે “હું અને તે ફક્ત નિર્માતા તરીકે જ નહીં પણ મિત્રો તરીકે પણ સાથે જોડાયેલા હતા. તેમની બાહોશ કુશળતા, સ્વભાવ અને જે વિઝન હતું તે ખરેખર પ્રશંસનીય છે. તેમના નિધનથી ગુજરાતી રંગ ભૂમિને મોટી ખોટ સાલશે. નાટક ન ચાલે તો પોતાની ભૂલ હોય તો સ્વીકારી લે તે કલાકારનું નામ કૌસ્તુભ ત્રિવેદી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર સાથે હું છું.”

