દ્વારકાની મારી ટ્રિપ પૂરી કરીને હું હજી તો નીકળ્યો જ હતો ત્યાં જ મને ઑફર આવી અને એક પ્રોડક્શન હાઉસની એકસાથે બે ફિલ્મ મેં સાઇન કરી. જોકે એ સમયે પહેલી વાર મારા મનના બૅકગ્રાઉન્ડમાં આ ભજન વાગવાનું શરૂ થઈ ગયું હતું. હા, હકીકત એ જ છે કે એની કૃપા હોય તો...

ભવ્ય ગાંધી
દ્વારકાની અમારી આ યાત્રા આગળ વધારતાં અમે દાંડી હનુમાન ગયા. આ જે દાંડી હનુમાનનું મંદિર છે એ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાન અને હનુમાનજીના દીકરાને સાથે પૂજવામાં આવે છે. દાંડી મંદિર માટે કહેવાય છે તમે જે માગો, એ મંદિરમાં તમે જે ઇચ્છા વ્યક્ત કરો એ પૂરી થાય. દાંડી હનુમાન તમારી ઇચ્છા પૂરી કરે એટલે તમારે અહીં સોપારી અર્પણ કરવાની.
આ બધી વાતો સાંભળીને મને ખરેખર બહુ મજા આવતી હતી. થતું હતું કે આપણું કલ્ચર કેટલું સરસ છે કે આપણે દરેકેદરેક ચીજવસ્તુઓને માન મળે એ પ્રકારે પ્રસાદમાં પણ એને ગોઠવી દીધી છે. પ્રસાદ જ નહીં, આપણે દરેકેદરેક જીવને પણ ભગવાન સાથે જોડ્યા છે જે દેખાડે છે કે આપણી સંસ્કૃતિમાં પહેલેથી એવું માનવામાં આવતું હતું કે સૃષ્ટિનો દરેક જીવ પોતાના જીવનનો હક ધરાવે છે. દાંડી હનુમાનના મંદિરમાં પણ મને એ જ વાઇબ્રેશન આવતાં હતાં જે અગાઉ આવ્યાં. મને લાગે છે કે આખા દ્વારકાની ભૂમિ પર એ વાઇબ્રેશન છે અને હોય પણ શું કામ નહીં? ભગવાન શ્રીકૃષ્ણ જે ધરતી પર ચાલ્યા હોય, પસાર થયા હોય, જે જગ્યાને તેમણે પોતાના હાથોથી બનાવી હોય એ જગ્યા પર તેમનો પ્રભાવ રહેવાનો જ રહેવાનો.
ઈશ્વરની લીલા કેવી હોય છે. તમે કંઈ પણ માગો, તમે કંઈ પણ ઇચ્છો તે તમારી એ માગ, ઇચ્છા પૂરી કરે જ કરે. બસ, તમારે શ્રદ્ધાથી તેની પાસે માગ કરવાની અને આ માગના બદલામાં તે કેટલું માગે છે આપણી પાસેથી? બે મિનિટ તેને યાદ કરો, તેની પાસે આવો અને તેમને મળો. આનાથી મોટી કોઈ ડિમાન્ડ તેની હોતી નથી. આ જે સમય આપવાની, પાસે અને સાથે બેસવાની જે નીતિ છે એ નીતિ આપણા યુથમાં આવી જાય તો ખરેખર કેવી નિરાંત થઈ જાય. મને તો ઘણી વાર વિચાર આવે કે આપણાં વડીલો પણ આ ભગવાન જેવાં જ હોય છેને, તે લોકોની માગ એટલી જ તો છે કે તમે અમારી પાસે બેસો, અમારી સાથે વાતો કરો અને જો એ કામ તમે કરો તો તમને એ બધું એટલે બધું આપી દે. માગો એ આપે અને માગ્યું ન હોય એ પણ આપે. બસ, આપણે યુથ પણ આ જ નીતિને ફૉલો કરીએ અને પહેલાં આપવાનું માઇન્ડસેટ બનાવીએ. આપ્યા વિના માગ-માગ કરવાની નીતિ તો ડેડ-એન્ડ જેવી છે. એ આપણી ઇચ્છાઓને વધારવાનું કામ કર્યા કરશે અને સાથોસાથ આપણા સંબંધોને અંત આપવાનું કામ કરશે. ઍનીવેઝ, બેટ દ્વારકાની ટ્રિપ પૂરી કરીને અમે ફરી પાછા આવ્યા દ્વારકા.
અમારી પાસે સમય બહુ ઓછો હતો, અમે બધી જગ્યાએ કટ-ટુ-કટ ચાલતા હતા. એક જ દિવસ હતો અને આ એક દિવસમાં મારે આ વિસ્તાર આખો જોઈ લેવો હતો, પણ કુદરતનો સંકેત કંઈક જુદો હતો.
અમે જેવા ફેરી માટે દરિયાકિનારે આવ્યા કે સાવ કોરુંકટ કહેવાય એવું આકાશ વાદળોથી ભરાઈ ગયું અને અચાનક જ તોફાની વરસાદ શરૂ થઈ ગયો. ખતરનાક વરસાદ અને જોરદાર પવન. અમારાં સદ્નસીબ કે અમે રિક્ષા છોડી નહોતી એટલે દોડતાં અમે ફરી પાછા આવીને રિક્ષામાં બેસી ગયા, પણ રિક્ષા સુધી પહોંચતાં સુધીમાં તો અડધા ભીંજાઈ ગયા.
તમે સ્પિરિચ્યુલ મૂડ સાથે આગળ વધતા હો અને એવામાં અચાનક જ તમને કુદરત પોતાની આવી તાકાત દેખાડે તો ખરેખર વિચાર કરો કે તમને તમારી જાત કેવી બિચારી લાગવા માંડે. અમે રિક્ષામાં બેઠા હતા ત્યારે દૂર-દૂર એક ભજન વાગતું હતું. એ ભજનના શબ્દો મારા મનમાં સ્ટોર થઈ ગયા. એ પછી તો મેં એ ભજન પુષ્કળ સાંભળ્યું, પણ પહેલી વાર જ્યારે એના શબ્દો મારા કાને પડ્યા ત્યારે તો જે હદે હું એ શબ્દની શરણે ગયો હતો એ વર્ણવી પણ શકું એમ નથી.
મેરા આપકી કૃપા સે,
સબ કામ હો રહા હૈ...
કરતે હો તુમ કન્હૈયા,
મેરા નામ હો રહા હૈ...
ખરેખર સાવ સાચી વાત છે. કરે છે તે અને નામના આપણી ઊભી થાય છે, પણ આપણે માનીએ છીએ કે આ બધું તો આપણે કર્યું. ના, જરા પણ નહીં. કરે છે તે, બસ, નામ તમારું થાય છે.