સારું કન્ટેન્ટ કોઈ પણ ભાષામાં બને એની માગ નીકળવાની જ. ‘વશ’થી એ વાત પુરવાર થઈ છે અને આગળ પણ આવું જ બનતું જવાનું છે

ફાઇલ તસવીર
આજે એકસાથે ત્રણ વાત કરવી છે અને ત્રણેત્રણ વાત બહુ મહત્ત્વની છે. પહેલાં આપણે વાત કરીએ ફિલ્મ ‘વશ’ની.
કૃષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેક બનવાની છે. ફિલ્મ રિલીઝ થઈ એ જ સમયે આપણે આ કૉલમમાં લખ્યું હતું કે ‘વશ’ને કોઈ લૅન્ગ્વેજ બૅરિયર નડવાનું નથી. આ ફિલ્મ એક સિનેમા છે અને એ દરેક ભાષામાં, દરેક બોલીમાં એટલી જ અસરકારક પુરવાર થઈ શકે એમ છે, જેટલી ગુજરાતીમાં અસરકારક પુરવાર થઈ છે. ‘વશ’ની હિન્દી રીમેક બનશે એ વાત ફિલ્મ રિલીઝ થઈ એ જ સમયે ક્લિયર થઈ ગઈ હતી અને ફિલ્મ રિલીઝ કરવા માટે અજય દેવગનના ફૅમિલી ફ્રેન્ડ એવા કુમાર મંગતની કંપની પૅનોરૅમા પિક્ચર્સ તૈયાર થઈ. પૅનરૅમા પિક્ચર્સને જ્યારે આ ફિલ્મ દેખાડવામાં આવી ત્યારે જ તેમના મનમાં આવી ગયું હતું કે આ ફિલ્મ હિન્દીમાં પણ બનવી જોઈએ, પણ કેટલીક ટર્મ્સ-કન્ડિશન તથા ગુજરાતી ફિલ્મ ‘વશ’ને કેવો રિસ્પૉન્સ મળે છે એ જોવાના હેતુથી જ થોડો સમય લેવામાં આવ્યો. મજાની વાત જો કોઈ હોય તો એ કે કૃષ્ણદેવ યાજ્ઞિકના હાથમાં બહુ સરસ જશરેખા છે. તેમણે બનાવેલી પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની પણ હિન્દી રીમેક બની અને એ ‘ડેઝ ઑફ ટફરી’ ફિલ્મ કૃષ્ણદેવ યાજ્ઞિકે જ ડિરેક્ટ પણ કરી. લખી રાખજો કે આવતા દિવસોમાં કૃષ્ણદેવ યાજ્ઞિકે જ ડિરેક્ટ કરેલી ‘રાડો’ની રીમેકના ન્યુઝ પણ આવવાના છે અને એ હન્ડ્રેડ પર્સન્ટ હિન્દીમાં અડૉપ્શન થશે, જેને માટે ઍડ્વાન્સમાં યાજ્ઞિક સરને કૉન્ગ્રેચ્યુલેશન.
ADVERTISEMENT
હવે વાત કરીએ સેકન્ડ ટૉપિકની.
સંજય ગોરડિયાની પહેલી સોલો હીરો ફિલ્મ ‘ચાર ફેરાનું ચકડોળ’ આવી રહી છે. આ ફિલ્મની અત્યાર સુધી બે રિલીઝ-ડેટ અનાઉન્સ થઈ અને એ બન્ને ત્યાર પછી પાછી ખેંચી લેવામાં આવી. પહેલી વાર એ ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ ‘બુશર્ટ ટીશર્ટ’ સાથે રિલીઝ થવાની હતી, પણ બન્ને ફિલ્મો એકબીજા સાથે ટકરાવી ન જોઈએ એવું સમજીને રિલીઝ ન થઈ, ખરેખર બહુ સારો નિર્ણય લેવામાં આવ્યો અને ‘ચાર ફેરાનું ચકડોળ’ પાછળ લઈ જવામાં આવી. આ પૉઇન્ટ દરેકેદરેક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ઍક્ટરે યાદ રાખવો જોઈએ એવું મને પર્સનલી લાગે છે. ગુજરાતી ફિલ્મ જ્યારે લિમિટેડ ઑડિયન્સ ધરાવે છે એવા સમયે ઑડિયન્સને વગર કારણે કન્ફ્યુઝ કરી ફિલ્મને ડૅમેજ કરવાની જરૂર નથી. જે ફિલ્મ સારી હશે એ ચાલશે, પણ સારી ફિલ્મ સુધી ઑડિયન્સ પહોંચે એ બહુ મહત્ત્વનું છે.
‘ચાર ફેરાનું ચકડોળ’ જોવા જજો. સંજય સર ધમાલ મચાવશે એ નક્કી છે. બહુ જૂજ ગુજરાતી ઍક્ટર એવા છે જેના નામ પર ઑડિયન્સ ૫૦૦ અને ૭૦૦ રૂપિયાની ટિકિટ લઈને નાટક જોવા જાય છે. આ જૂજ ઍક્ટરોમાં સિર્દ્ધાથ સર અને સંજય સરનાં નામ આવે. સંજય સર વધુ ને વધુ ફિલ્મો કરે અને આપણને મૅક્સિમમ એન્ટરટેઇન કરે એવી ઇચ્છા સાથે ફરી એક વાર કહીશ કે ‘ચાર ફેરાનું ચકડોળ’ ડેફિનેટલી ધમાલ મચાવવાની છે. ફિલ્મમાં સંજય ગોરડિયા એક એવા રૂપમાં જોવા મળશે જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહીં કરી હોય. આથી વધારે હું કશું કહી શકું એમ નથી, પણ હા, એટલું ચોક્કસ કહીશ કે ફિલ્મ જોવાનું ચૂકતા નહીં.
હવે આવીએ ત્રીજા પૉઇન્ટ પર.
કેટલાક લોકો ગુજરાતી ફિલ્મ અને એના બૉક્સ-ઑફિસ રિપોર્ટને લઈને સોશ્યલ મીડિયા પર બેફામ લખી રહ્યા છે. લખનારાઓ પણ આપણી જ ઇન્ડસ્ટ્રીના છે એ પણ એટલું જ સાચું છે, પણ એ જે લખવાનું કામ થાય છે એ બધું ઈર્ષ્યાથી થાય છે. આ ત્રીજા પૉઇન્ટમાં કહેવાનું એટલું જ કે સૌકોઈ એક વાત સમજે કે લાઇન લાંબી કરવા માટે જાતે મહેનત કરવી જોઈએ અને આપણે આપણી લાઇન વિસ્તારવી જોઈએ. નહીં કે બીજાની લાઇનને ટૂંકી કરીને આપણે મોટા થઈએ.
ગુજરાતી ફિલ્મો, પ્રોડ્યુસરો કે કોઈ કલાકારની નિંદા કરીને કશું મળવાનું નથી અને સોશ્યલ મીડિયાનો આવો મિસ-યુઝ કરવાનો કોઈ અર્થ નથી. હું એટલું કહેવા માગું છું કે હજી આપણી ઇન્ડસ્ટ્રી એક પર્સન્ટ પણ ગ્રો નથી થઈ ત્યાં જો આપણામાંથી કેટલાક લોકો આવું કામ કરવા માંડે તો જરા વિચારો કે જ્યારે આપણી ઇન્ડસ્ટ્રી મરાઠી અને બંગાળી ફિલ્મના લેવલ પર પહોંચશે ત્યારે આપણા આ ભાઈઓ કેવું-કેવું કરી શકે છે. બહેતર છે કે ઈર્ષ્યા છોડીને, આપણે સૌ ક્રીએટિવ કામ કરીએ અને ક્રીએટિવ ઇન્ડસ્ટ્રીને મજબૂત બનાવીએ.

