પહેલી પ્રેગ્નન્સી દરમ્યાન તેમણે સ્મોકિંગને તિલાંજલિ પણ આપી દીધી હતી
ઝીનત અમાન
ઝીનત અમાન પ્રેગ્નન્ટ થતાં તેમણે સિગારેટ છોડી દીધી હતી. તેમણે ૧૯૮૫માં મઝહર ખાન સાથે લગ્ન કર્યાં હતાં અને બે બાળકો અઝાન અને ઝહાનને જન્મ આપ્યો હતો. તેમણે હાલમાં એક જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે જેમાં તેઓ ડિમ્પલ કાપડિયા અને ડિરેક્ટર જૉય મુખરજી સાથે જોવા મળી રહ્યાં છે. આ ફોટો ૧૯૭૭માં આવેલી ‘છૈલાબાબુ’ના સેટ પરનો છે. એ વખતે ડિમ્પલ કાપડિયા તેમને મળવા ગયાં હતાં. ડિમ્પલ કાપડિયા એક એવાં ઍક્ટ્રેસ છે જેમણે જરૂરિયાતના સમયે ઝીનત અમાનને ઘણી મદદ કરી હતી અને જાહેરમાં તેમને સપોર્ટ પણ કર્યો હતો. એ ફોટોમાં ઝીનત અમાનના હાથમાં સિગારેટ જોવા મળે છે. એ વિશે ઝીનત અમાન કહે છે, ‘આ ફોટોમાં મને સ્મોકિંગ કરતી જોઈને તમારે પણ એ કરવાની જરૂર નથી. મેં ૨૫થી ૩૦ વર્ષની ઉંમર વચ્ચે દરરોજ ઘણી સિગારેટ પીધી હતી એ હું સ્વીકારું છું, પણ હું પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ હતી ત્યારે મેં સિગારેટની આદત છોડી દીધી હતી.’