‘ઝરા હટકે ઝરા બચકે’માં યંગ મિડલ ક્લાસ કપલની સ્ટોરી પર પ્રકાશ પાડશે, જે જૉઇન્ટ ફૅમિલીમાં રહીને પોતાનું મકાન બનાવવા માટે સ્ટ્રગલ કરે છે. સ્વર્ગીય ફિલ્મમેકર બાસુ ચૅટરજી આવી જ સ્ટોરી અગાઉ ૧૯૭૨માં આવેલી ‘પિયા કા ઘર’માં કહી ચૂક્યા છે.
Movie Review
ઝરા હટકે ઝરા બચકે
બે વર્ષ અગાઉ ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે ૨૦૧૧માં આવેલી મરાઠી ફિલ્મ ‘મલા આઈ વ્હાયચય’ની હિન્દી રીમેક ‘મીમી’ બનાવી હતી. એ ફિલ્મમાં ક્રિતી સૅનન લીડ રોલમાં હતી. હવે આ વખતે તે ‘ઝરા હટકે ઝરા બચકે’માં યંગ મિડલ ક્લાસ કપલની સ્ટોરી પર પ્રકાશ પાડશે, જે જૉઇન્ટ ફૅમિલીમાં રહીને પોતાનું મકાન બનાવવા માટે સ્ટ્રગલ કરે છે. સ્વર્ગીય ફિલ્મમેકર બાસુ ચૅટરજી આવી જ સ્ટોરી અગાઉ ૧૯૭૨માં આવેલી ‘પિયા કા ઘર’માં કહી ચૂક્યા છે. એ ફિલ્મ ૧૯૭૦માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘મુંબઈચા જાવઈ’ની હિન્દી રીમેક હતી. વાત ‘ઝરા હટકે ઝરા બચકે’ની.
સ્ટોરીની શરૂઆત થાય છે યોગ-ટીચર કપિલ દુબેથી જે વિકી કૌશલ ભજવી રહ્યો છે અને કેમિસ્ટ્રી ટ્યુટર સૌમ્યા જે સારા અલી ખાન ભજવી રહી છે. તેઓ પોતાનાં લગ્નની બીજી ઍનિવર્સરી ઘરમાં ફૅમિલી સાથે કેક કટિંગ કરીને સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ સેલિબ્રેશનમાં ત્યારે ખલેલ પડે છે જ્યારે ફૅમિલી આ પંજાબી બહૂ પર આરોપ લગાવે છે કે તું ઈંડાથી બનાવેલી કેક ખવડાવે છે. સૌમ્યા રિલેટિવ્સ માટે પોતાની રૂમ તેમને આપે છે. તેની કરવામાં આવતી નિંદા સૌમ્યાથી સહન નથી થતી એટલે તે કપિલને પોતાનું અલગ મકાન બનાવવાનું દબાણ કરે છે. જોકે રિયલ એસ્ટેટના વધતા ભાવ તેમના પ્લાન પર પાણી ફેરવી દે છે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અપ્લાય પણ કરે છે, પરંતુ એમાં તેઓ નિષ્ફળ જાય છે. એ પછી આ રોમૅન્ટિક કપલ ડિવૉર્સ લેવાના ખોટા સમાચાર ફેલાવે છે જેથી સૌમ્યા અપ્લાય કરી શકે. જોકે આવો પ્લાન ઘડવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજના તેની ઍપ્લિકેશન ફગાવી દે છે, કેમ કે અપીલકર્તાના પરિવાર પાસે પહેલેથી જ મકાન હતું. એથી આવી બાબતમાંથી કૉમેડી સર્જાશે એ વાત ચોક્કસ.
ADVERTISEMENT
વિકી અને સારા તેમની કેમિસ્ટ્રીથી મિડલ ક્લાસ ફૅમિલીનો ચટાકો લઈને આવે છે. સારા ખૂબ ચપળતાથી પંજાબી સૌમ્યાનો રોલ ભજવે છે, જે લાઇફને લઈને ખૂબ મહાત્ત્વાકાંક્ષી છે. બીજી તરફ વિકી પણ પોતાની ભૂમિકા બ્રિલિયન્ટલી ભજવે છે. એક સીન એવો પણ આવે છે જેમાં તે જાડા ગ્લાસિસ અને મોટા દાંત સાથે જોવા મળે છે અને હૉસ્પિટલનો એક સીન પણ દેખાડવામાં આવે છે જેમાં તે સૌમ્યાને કહે છે કે તેની ખુશી જ તેને માટે અગત્યની છે. આ સીન જોઈને ખ્યાલ આવે છે કે આટલાં વર્ષોમાં વિકીનો એક ઍક્ટર તરીકે ખૂબ સરસ રીતે વિકાસ થયો છે.
આકાશ ખુરાના દુબે સિનિયર, કનુપ્રિયા પંડિત કઠોર મામી, રાકેશ બેદી અને સુસ્મિતા મુખરજી સૌમ્યાના પેરન્ટ્સની ભૂમિકામાં છે. હિમાંશુ કોહલી ગુટકા ખાતો ડિવૉર્સનો વકીલ છે, ઇમાનુલ હક ધોકેબાજ ભગવાન દાસ અને શારિબ હાશમી સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડની ભૂમિકામાં છે.
લક્ષ્મણ ઉતેકરે મિડલ ક્લાસ ફૅમિલીની તકલીફને ખૂબ સચોટતાપૂર્વક દેખાડી છે ખાસ કરીને નાનાં શહેરોની. સ્ટોરીમાં ડ્રામા અને હ્યુમરનો તડકો સારી રીતે લગાવવામાં આવ્યો છે. ફિલ્મના સેકન્ડ હાફમાં એ થોડી પાછળ રહી જાય છે અને પૉઝિટિવ એન્ડ તરફ સ્પીડ પકડે છે. આવું તો અગાઉ પણ દેખાડવામાં આવ્યું છે. ઇન્દોર પર આધારિત સ્ટોરીને પ્રોડક્શન ડિઝાઇનર્સ સુબ્રતા ચક્રબર્તી અને અમિત રેએ, સિનેમૅટોગ્રાફર રાઘવ રામદોસ સાથે મળીને ઇન્દોરની સુંદરતાને ખૂબ સરસ રીતે કૅપ્ચર કરી છે. સાથે જ કુદરતી અને રમણીય દૃશ્યો, જેમાં મહેશ્વરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાંની રિવરફ્રન્ટ પર સ્થાનિક લોકો વીક-એન્ડમાં જાય છે.
‘ઝરા હટકે ઝરા બચકે’ને ટ્રેલરમાં જે રીતે દેખાડવામાં આવી છે એના કરતાં વધુ સારી રીતે દેખાડી શકાઈ હોત. સાથે જ ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર ૧૩૨ મિનિટની ફિલ્મના આ સબ્જેક્ટને હજી વધુ એન્ગેજિંગ અને દર્શકોને એની સાથે સારી રીતે જોડી શક્યા હોત. જોકે આવી વાતો તો અનેક ફિલ્મો વિશે અનેક વખત કહેવામાં આવી છે.