તેણે ડૉક્ટર્સ અને હેલ્થ કૅર વર્કર્સ સાથેનો ફોટો શૅર કર્યો હતો
અમાયરા દસ્તૂર
અમાયરા દસ્તૂરનું કહેવું છે કે તેના પિતાને જ્યારે કોરોના થયો હતો એ અનુભવ કદી પણ ન ભુલાય એવો ભયાનક છે. તેણે ડૉક્ટર્સ અને હેલ્થ કૅર વર્કર્સ સાથેનો ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં સૌકોઈ માસ્ક લગાવીને બેઠાં છે અને ટેબલ પર જૂસની બૉટલ છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમાયરાએ કૅપ્શન આપી હતી, ‘મારા પિતાને ૧૨ મેએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ અને ખાંસી થયા બાદ ન્યુમોનિયા થયો હતો (તેમની તમામ ટેસ્ટ નેગેટિવ આવી હતી). તેમનું ઑક્સિજન-લેવલ ઘટી રહ્યું હતું અને તેમની હાલત એટલી બધી ખરાબ હતી કે તેમને આઇસીયુમાં શિફ્ટ કરવા પડ્યા હતા. થોડા દિવસોમાં તેમને તાવ ઊતરી ગયો હતો. એ ડર અને નિઃસહાયની લાગણી હું કદી નહીં ભૂલું. એ અનુભવ તો ભારતના દરેક પરિવારે લીધો હશે અથવા તો હાલમાં પણ તેઓ એમાંથી પસાર થઈ રહ્યા હશે. ૧૭ મેએ ડૅડીની સ્થિતિ સુધારા પર હતી. જોકે મસીના હૉસ્પિટલમાં ડબલ બાયપાસ કરાવવા માટે તેમની કેટલીક ટેસ્ટ કરાવવાના હતા. ડૅડી હાલમાં જ ઘરે આવ્યા છે. રિકવિંરગ કરી રહ્યા છે, પરંતુ પહેલાં કરતાં હવે ઘણું સારું છે. એનું શ્રેય અદ્ભુત ડૉક્ટર્સ અને નર્સિસને જાય છે. તેમણે ખાતરી આપી હતી કે તેઓ સ્વસ્થ થઈ જશે અને તેમણે મારા પિતાની ખૂબ કાળજી લીધી હતી. તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તેઓ સતત કલાકો સુધી કામ કરે છે અને દરેક દરદીઓ માટે તેમની આંખોમાં આશા છલકાતી હોય છે. એ ખરેખર પ્રશંસનીય છે. આ કોવિડ વૉરિયર્સની પ્રશંસા કરવા માટે ફ્રેસ્કા જૂસિસે ૫૦ લિટર જૂસ મોકલ્યું છે એ બદલ તેમનો આભાર. હું દરેકને વિનંતી કરું છું કે તેઓ ડૉક્ટર્સ અને નર્સિસને હાનિ ન પહોંચાડે. સિક્કાની બીજી બાજુ જોઈએ તો કેટલાય લોકોના પ્રિયજનો તેમનાથી વિખૂટા પડી ગયા છે. એ દર્દમાંથી કેટલાંય કુટુંબો પસાર થઈ રહ્યાં છે. હું એ વાતની કલ્પના નથી કરી શકતી કે જો મારા પપ્પાનું અવસાન થયું હોત તો મેં શું કર્યું હોત. જોકે ડૉક્ટર્સ અને નર્સિસ પર હુમલો કરવો એ અન્યાય કહેવાય. તેઓ ખૂબ મહેનત કરે છે અને તેમને આપણા સપોર્ટની જરૂર છે. આ લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને આપણું રક્ષણ કરે છે. એવામાં તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ.’


