તેણે ટીનેજમાં સત્યજિત રેને એક લેટર લખ્યો હતો
વિદ્યા બાલન
વિદ્યા બાલનની ફિલ્મમેકર સત્યજિત રે સાથે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા અધૂરી રહી ગઈ છે. તેણે ટીનેજમાં સત્યજિત રેને એક લેટર લખ્યો હતો, પરંતુ એને પોસ્ટ નહોતો કર્યો. તેમનું અચાનક નિધન થતાં તે ખૂબ દુખી થઈ હતી. વિદ્યા બૉલીવુડમાં આવી એ અગાઉ તેણે ૨૦૦૩માં આવેલી બંગાળી ફિલ્મ ‘ભાલો થેકો’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ૨૦૦૫માં આવેલી ‘પરિણીતા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સત્યજિત રે પ્રત્યેની પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં વિદ્યા બાલને કહ્યું કે ‘જો આજે હું મિસ્ટર રેને લેટર લખું તો એમાં લખીશ, ‘આશા છે તમે લાંબું જીવન જીવો.’ તમે જાણો છો આજે પણ મને તેમની સાથે કામ કરવાનું ગમશે. રેની ‘પાથાર પંચાલી’ અને ‘ચારુલતા’ વિશે દરેક જણ ચર્ચા કરે છે, પરંતુ તેમની ‘મહાનગર’ મારી ફેવરિટ ફિલ્મ છે. એ ફિલ્મે મારા પર ઊંડી છાપ છોડી હતી. કદાચ તેઓ લાંબું જીવ્યા હોત અને હું તેમની સાથે અનેક ફિલ્મોમાં કામ કરી શકી હોત. મારી પાસે રેની ફિલ્મ ‘મહાનગર’નું પોસ્ટર છે અને સાથે જ ફિલ્મોનાં કૅરૅક્ટર્સને પેઇન્ટ કરેલું કૅન્વસ છે. મારા ઘરમાં રેના કામથી પ્રેરણા લેતાં અનેક સુશોભિત આર્ટવર્ક છે. મારું ઘર રેથી શણગારેલું છે. બંગાળી સિનેમા અને એની પરંપરા પ્રત્યે મને અપાર પ્રેમ અને માન છે.’