વિકી છેલ્લે શાહરુખ ખાનની ‘ડંકી’માં દેખાયો હતો. તે હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ અને રશ્મિકા મંદાના સાથે ‘છાવા’માં દેખાવાનો છે
વિકી કૌશલ , હૃતિક રોશન
વિકી કૌશલે સ્ટારડમને લઈને પોતાના વિચાર જણાવતાં હૃતિક રોશનને સ્ટારડમને કૅરી કરનાર છેલ્લી વ્યક્તિ કહી છે. સાથે જ તેનું એવું પણ માનવું છે કે તે હજી સુધી એ લેવલ પર નથી પહોંચ્યો. વિકી છેલ્લે શાહરુખ ખાનની ‘ડંકી’માં દેખાયો હતો. તે હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ અને રશ્મિકા મંદાના સાથે ‘છાવા’માં દેખાવાનો છે. સ્ટારડમ વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં વિકી કૌશલે કહ્યું કે ‘સ્પષ્ટપણે કહું તો પહેલા દિવસે તમારી ફિલ્મ જોવા આવનારા લોકો પરથી સ્ટારડમ નક્કી થાય છે. તમારી ફિલ્મનું ટ્રેલર કેવું છે, ગીતો ફૅન્ટૅસ્ટિક છે કે પછી ફિલ્મનું પોસ્ટર કેવું છે એનાથી લોકોને કોઈ ફરક નથી પડતો. તેઓ તો માત્ર તમને જોવા આવે છે. અન્ય કોઈ વસ્તુની તેમને ચિંતા નથી હોતી. સ્ટારડમની આ જ ખરી વ્યાખ્યા છે. પ્રામાણિકપણે કહું તો મારી સાથે આવું નથી થયું. મારે હજી એ મેળવવાનું બાકી છે. હું ત્યાં સુધી પહોંચ્યો નથી.’
હૃતિક રોશનની પ્રશંસા કરતાં વિકી કૌશલે કહ્યું કે ‘મને એવું લાગે છે કે ક્લાસિક સ્ટારડમ વિવિધ દૃષ્ટિકોણ સાથે જોવામાં આવશે. દિલીપકુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની પૉપ્યુલૅરિટી શાહરુખ ખાન કરતાં અલગ છે. એ આજે પણ વિશાળ છે, પરંતુ એની અભિવ્યક્તિ અલગ છે. મને એવું લાગે છે કે હૃતિક રોશન છેલ્લી વ્યક્તિ છે જેણે એનો એહસાસ કર્યો હોય. એ અદ્ભુત હતું. વર્તમાનમાં તો યુવાઓમાં ખૂબ કન્ફ્યુઝન છે, કારણ કે દર અઠવાડિયે એક સ્ટાર દેખાય છે જે ટ્રેન્ડ કરે છે અને થોડાં અઠવાડિયાં બાદ તેને કોઈ યાદ નથી રાખતું. આજની પેઢી માટે ભૂતકાળના એ સ્ટારડમને મેળવવું ખૂબ અઘરું રહેશે.’