બૉલીવુડમાં અત્યારે આ ચર્ચા ચાલી રહી છે
તૃપ્તિ ડિમરી
ફિલ્મ ‘ઍનિમલ’ પછી ‘ભાભી 2’ અને ‘નૅશનલ ક્રશ’ જેવા ટૅગ્સ મેળવીને લાઇમલાઇટમાં આવેલી તૃપ્તિ ડિમરી આ વર્ષે ‘આશિકી 3’નું શૂટિંગ શરૂ કરવાની હતી. એમાં કાર્તિક આર્યન છે અને અનુરાગ બાસુ આ ફિલ્મનું ડિરેક્શન કરી રહ્યા છે. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સમાચાર આવ્યા કે ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે અને તૃપ્તિએ પણ આ પ્રોજેક્ટ છોડી દીધો છે. એ પછી એવું કહેવામાં આવ્યું કે નિર્માતાઓ મુખ્ય અભિનેત્રીમાં ઇનોસન્ટ ચહેરાની ડિમાન્ડ કરે છે અને તૃપ્તિ આ માપદંડને પૂરો કરતી નથી, કારણ કે તેણે તેની ફિલ્મોમાં બોલ્ડ રોલ કરીને આ નિર્દોષતા ગુમાવી દીધી છે; આ સંજોગોમાં તૃપ્તિને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી છે. એક બીજો દાવો એવો કરવામાં આવ્યો હતો કે ‘ઍનિમલ’ પછી તૃપ્તિ વિશે લોકોમાં કોઈ ખાસ ચર્ચા નથી અને તેણે એકલા હાથે બૉક્સ-ઑફિસ પર કોઈ નોંધપાત્ર દેખાવ નથી કર્યો.
હવે આ બધી ચર્ચાઓ પર ફિલ્મના ડિરેક્ટર અનુરાગ બાસુએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે એ સાચું નથી, આ વાત તૃપ્તિ પણ જાણે છે. જોકે તૃપ્તિએ હજી સુધી આ સંદર્ભે કોઈ નિવેદન કર્યું નથી અને ‘આશિકી 3’ના નિર્માતાઓએ હજી સુધી નવી હિરોઇનના નામની જાહેરાત નથી કરી.
ADVERTISEMENT
જોકે તૃપ્તિએ થોડા દિવસ પહેલાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે સાજિદ નડિયાદવાલાની ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી છે જેમાં શાહિદ કપૂર, રણદીપ હૂડા અને નાના પાટેકર જેવા સ્ટાર્સ છે.


