લૉકડાઉન પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ આ ફિલ્મનો વિષય અલગ છે અને નાના પાટેકરે ફિલ્મને જોરદાર રીતે પોતાના ખભા પર ઉઠાવી છે : વિવેક અગ્નિહોત્રીએ કેટલાંક દૃશ્યોને ગ્લોરિફાય કરવાને બદલે ન્યુટ્રલ રાખવાની જરૂર હતી
ફાઇલ તસવીર
ફિલ્મ: ધ વૅક્સિન વૉર
કાસ્ટ: નાના પાટેકર, પલ્લવી જોષી, ગિરીજા ઓક, નિવેદિતા ભટ્ટાચાર્ય, રાઇમા સેન, અનુપમ ખેર
ADVERTISEMENT
ડિરેક્ટર: વિવેક અગ્નિહોત્રી
રેટિંગ: ૩ (ટાઇમ પાસ)
વિવેક અગ્નિહોત્રીની ‘ધ વૅક્સિન વૉર’ હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં નાના પાટેકર, પલ્લવી જોષી, ગિરીજા ઓક, નિવેદિતા ભટ્ટાચાર્ય, રાઇમા સેન અને અનુપમ ખેરે કામ કર્યું છે.
આ ફિલ્મનું નામ અને વિષય કન્ટ્રોવર્શિયલ લાગે છે, પરંતુ ફિલ્મ નથી. આ ફિલ્મમાં ૨૦૨૦થી ૨૦૨૨નો સમયગાળો દેખાડવામાં આવ્યો છે. કોરોના વાઇરસની શરૂઆત વુહાનથી થઈ હતી એનું નોટિફિકેશન ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવને મળે છે. આ ઓરિજિનલ નામ છે અને એ જ નામનો ઉપયોગ ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે જે પાત્ર નાના પાટેકરે ભજવ્યું છે. ડૉક્ટર ભાર્ગવ એક ટીમ તૈયાર કરે છે, જેમાં પલ્લવી, ગિરીજા અને નિવેદિતાનો સમાવેશ છે. લૉકડાઉન હોય અને દરેક જણ ઘરમાં હોય ત્યારે કેવી રીતે આ સાયન્ટિસ્ટ વૅક્સિન બનાવે છે અને તેમને શું–શું તકલીફ પડે છે એના પર આ ફિલ્મ છે. મોટા ભાગે ફિલ્મમાં એક વિલન હોય છે, પરંતુ અહીં વિલન ઇન્ડિયન મીડિયાને દેખાડવામાં આવ્યું છે. ખાસ કરીને એક જર્નલિસ્ટ છે જે મોટી ફાર્મા કંપની સાથે મળીને ઇન્ડિયન ગવર્નમેન્ટની ફક્ત ખરાબ બાજુ જ દેખાડવા માગે છે.
ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. આ ફિલ્મનો પ્લસ પૉઇન્ટ અને માઇનસ પૉઇન્ટ બન્ને છે. પ્લસ પૉઇન્ટ એ છે કે ફિલ્મ ડૉક્ટર ભાર્ગવની બુક પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે એથી તેમની પાસે પૂરતું મટીરિયલ છે અને આને ઇન્ડિયાની પહેલી બાયો-ફિલ્મ કહી શકાય તેમ જ લૉકડાઉન અને મેડિકલને ધ્યાનમાં રાખીને ઘણી સ્ટોરી કહેવામાં આવી છે, પરંતુ પહેલી વાર સાયન્ટિસ્ટને ધ્યાનમાં રાખીને તેમના નજરિયાથી ફિલ્મને કહેવામાં આવી છે. આથી વિવેક અગ્નિહોત્રી તેમના વિઝન દ્વારા એક ફ્રેશનેસ જરૂર લાવ્યા છે. જોકે માઇનસ પૉઇન્ટ એ છે કે ફિલ્મમાં જે રીતે મીડિયાને દેખાડવામાં આવ્યું છે એ સંપૂર્ણ સત્ય નથી તેમ જ ફિલ્મમાં કેટલાંક દૃશ્યમાં હાલની સરકારને ગ્લોરિફાય કરવામાં આવી છે. આ દૃશ્યોને કારણે કેટલાક લોકો એને પ્રૉપગૅન્ડા ફિલ્મ જરૂર કહી શકે છે. જોકે વિવેક અગ્નિહોત્રી આ દૃશ્યોને થોડા સેન્સિટિવલી રજૂ કરીને એ ટૉપિકને દૂર રાખી શક્યા હોત તેમ જ ફિલ્મ મીડિયા અને રિસર્ચ ફૅસિલિટી વચ્ચેનાં જે દૃશ્યો છે એ વધુપડતાં રીલ લાગે છે, એને રિયલ બનાવવાં જરૂરી હતાં. એને રિયલ બનાવવાની સાથે એમાં વધુ પડતી માહિતીનો ઉમેરો કરી એને વધુ માહિતીસભર બનાવી શકાયાં હોત.
આ ફિલ્મમાં ડૉક્ટર ભાર્ગવનું પાત્ર નાના પાટેકરે જોરદાર રીતે ભજવ્યું છે. નાના પાટેકર ખરેખર ડૉક્ટર હોય એવું લાગે છે. એક વાર તો તેઓ પાત્ર ભજવી રહ્યા છે એ ભૂલી જવાય છે. નાના પાટેકરની પર્સનાલિટીને પણ આ પાત્ર ખૂબ સૂટ થાય છે. તેમની સાથે પલ્લવીએ પણ ખૂબ સારું કામ કર્યું છે. નાના પાટેકરને કોઈએ ટક્કર આપી હોય તો એ પલ્લવીએ. જોકે ઘણાં દૃશ્યમાં તેણે સાઉથ ઇન્ડિયનનો જે લહેજો પકડ્યો હતો એ છૂટતો જોવા મળે છે, જ્યારે નાના પાટેકર એકદમ કન્સિસ્ટન્ટ છે. ગિરીજા અને નિવેદિતાએ પણ ખૂબ સારું કામ કર્યું છે. એક મહિલા તેના રોજિંદા જીવનની જવાબદારીઓ સાથે કેવી રીતે કામ કરે છે એને તેણે ખૂબ સારી રીતે દેખાડ્યું છે. એક રીતે જોવા જઈએ તો સૌથી વધુ લેયરવાળું કોઈ પાત્ર હોય તો એ રાઇમા સેનનું છે. તેના પાત્રને ખૂબ સ્ટ્રૉન્ગ લખવામાં આવ્યું હતું, કારણ કે સમગ્ર રિસર્ચ સામે એક જ જર્નલિસ્ટને લડતી દેખાડવામાં આવી હતી. જોકે તેના પાત્રને જેટલું સ્ટ્રૉન્ગ લખવામાં આવ્યું છે એટલું સારી રીતે રાઇમા એને સ્ક્રીન પર રજૂ નથી કરી શકી. આ ફિલ્મમાં અનુપમ ખેર મહેમાન ભૂમિકામાં છે અને તેઓ જ્યારે પણ આવે છે ત્યારે મોરલ બૂસ્ટ આપતા જોવા મળે છે.
આખરી સલામ
કેટલાંક દૃશ્યોને થોડાં નૉર્મલ બનાવવાની જરૂર હતી. આ એક એવી ફિલ્મ છે જે જોઈને ઇમોશનલ પણ થઈ જવાય અને કેટલાંક દૃશ્યોને જોઈને ગર્વ પણ થાય. અલગ નજરિયો, અલગ સ્ટોરી અને જોરદાર પર્ફોર્મન્સને કારણે ફિલ્મ એક વાર જોવી જ રહી.


