Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધ કેરલ સ્ટોરી’ની ટીમે હવે અતિશય નફરતનો સામનો કરવો પડશે : વિવેક અગ્નિહોત્રી

‘ધ કેરલ સ્ટોરી’ની ટીમે હવે અતિશય નફરતનો સામનો કરવો પડશે : વિવેક અગ્નિહોત્રી

07 May, 2023 05:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કેરલ સ્ટોરી’ની ટીમને સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે હવે અતિશય નફરતનો સામનો કરવો પડશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કેરલ સ્ટોરી’ની ટીમને સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે હવે અતિશય નફરતનો સામનો કરવો પડશે. આ ફિલ્મ કેરલાની સત્યઘટના પર આધારિત છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ વિવાદ થતાં એ હટાવી દેવામાં આવ્યું હતું. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેરલાની યુવતીને ફોસલાવીને, ધર્મપરિવર્તન કરાવીને આતંકવાદી જૂથમાં સામેલ કરવામાં આવે છે. આ ફિલ્મના વિષયને લઈને હોબાળો મચ્યો છે એને લઈને ટ્વિટર પર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે ‘સિનેમા અને હોબાળો : હું મહાન ફિલ્મમેકર્સ અને સિનેમા ક્રિટિક્સને એટલું સાંભળતાં મોટો થયો હતો કે કળાનો ઉદ્દેશ લોકોની શ્રદ્ધા અને તેમની માન્યતાઓ પર સવાલ ઉઠાવવા માટે ઉકસાવવાનો અને પક્ષપાત કરવાનો છે. મેં એમ પણ સાંભળ્યું હતું કે સિનેમા સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે. મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે સિનેમાએ જૂની વસ્તુઓને નષ્ટ કરીને નવું નિર્માણ કરવું જોઈએ. એક લખાયા વગરનો કાયદો છે કે જો રાક્ષસ વધુ તાકાતવર બની જાય તો કલાકારનો ધર્મ છે કે તે પોતાની કળા દ્વારા તેને ઉઘાડો પાડે. શું આ ખોટું છે? જોકે જે લોકો એ વાત કરે છે એ ખોટા છે. તેઓ વાત તો આઝાદીથી બોલવાની કરે છે, પરંતુ સેન્સરશિપ લગાવે છે. તેઓ વાત કરે છે સેક્યુલરિઝમની, પરંતુ કામ સામાજિક નફરત ફેલાવવાનું કરે છે. વાત માનવ અધિકારની કરે છે અને આતંકવાદ અને નક્સલવાદને સપોર્ટ કરે છે. તેઓ દુષ્ટને ઉઘાડા પાડ્યા કરે છે અને પોતે સત્ય છુપાવે છે. મને એવો અહેસાસ થયો છે કે આધુનિક સમયમાં સિનેમામાં એટલો પાવર છે જે મીડિયા અને રાજકારણ પાસે પણ નથી. એ અસહજ વાસ્તવિકતાને દેખાડી શકે છે, ઇતિહાસને સુધારી શકે છે, સાંસ્કૃતિક લડાઈ લડી શકે છે અને દેશના કલ્યાણ માટે સૉફ્ટ પાવર પણ બની શકે છે. ભારતમાં આવી ફિલ્મો બનાવવી સરળ નથી. મેં એ વસ્તુનો ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જૅમ’, ‘ધ તાશ્કંત ફાઇલ્સ’ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ વખતે પ્રયાસ કર્યો હતો. મને ફિઝિકલી, પ્રોફેશનલી, સોશ્યલી અને સાઇકોલૉજિકલી પરેશાન કરવામાં આવ્યો હતો. મારી આગામી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ પૉઝિટિવ ફિલ્મ છે, એમાં ભારતને મળેલી મહાન સિદ્ધિને સેલિબ્રેટ કરવામાં આવશે. એને લઈને મારા પર અટૅક કરવામાં આવે છે અને એ પણ એવા લોકો દ્વારા જેમણે મને આ બધું શીખવાડ્યું છે. આ ફિલ્મ જ્યારે આ વર્ષે રિલીઝ થશે ત્યારે મને પૂરી ખાતરી છે કે ત્યારે તેઓ નવી બાબતને લઈને મારા પર હુમલો કરશે, કારણ કે તેઓ નથી ચાહતા કે ભારત સફળ થાય. સત્ય ન કહેવામાં આવે અને ભારતને સેલિબ્રેટ ન કરવામાં આવે. તાજેતરમાં મેં જ્યારે કલકત્તામાં મારી ૨૦૨૪માં રિલીઝ થનારી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ની જાહેરાત કરતાં જણાવ્યું કે એ ફિલ્મ બંગાળમાં ૧૯૪૬/૪૭/૭૧ના નરસંહાર પર આધારિત છે અને કઈ રીતે ખિલાફત વિચારધારાવાળા લોકો એ સાંપ્રદાયિક હિંસા માટે જવાબદાર છે, જેમાં દિલ્હીની હિંસાનો પણ સમાવેશ છે ત્યારે મારા પર હુમલો, અપશબ્દો અને એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા હતા. કલકત્તા મૉલમાં મને મારી બુક્સને સાઇન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એમાં કોઈ અતિશયોક્તિ નથી કે મારી લાઇફ લૉબીઝ અને કટ્ટરવાદીઓએ નરક બનાવી દીધી છે. જોકે ભારતમાં નવો માર્ગ અપનાવવો, હોબાળો કરવો અને જૂની પ્રથાને ખતમ કરવી એ નબળા લોકોનું કામ નથી. તમારે બધાં બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડે છે. ભવિષ્યને સ્વર્ગ બનાવવા માટે તમારે નરકમાં રહેવું પડે છે.’

આ વિશે વધુ જણાવતાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘મારું એવું માનવું છે કે મા સરસ્વતીએ મને માધ્યમ બનાવ્યો છે અને હું તેમને પૂરી રીતે સમર્પિત છું. એને કારણે મને કટ્ટરવાદીઓ, સત્ય, ન્યાય અને ધર્મના દુશ્મનો સામે લડવાનું સામર્થ્ય મળે છે. ડિયર વિપુલ શાહ, સુદીપ્તો સેન, અદા શર્મા અને ‘ધ કેરલ સ્ટોરી’ની ટીમને તેમના સાહસ બદલ સૌપ્રથમ અભિનંદન આપવા માગું છું. સાથે જ તમને એક ખરાબ સમાચાર પણ અહીંથી આપવા માગું છું કે હવે તમારું જીવન પહેલાં જેવુ નહીં રહે. તમે કલ્પના પણ નહીં કરી હોય એવી નફરતનો તમારે સામનો કરવો પડશે. તમને ગભરામણ થશે. ઘણી વખત તમે કન્ફ્યુઝ અને નાસીપાસ થશો. જોકે એક વાત યાદ રાખવી કે પરિવર્તન લાવવાની જવાબદારી આપવા માટે ભગવાન કસોટી કરે છે. જો તમને લાગતું હોય કે સિનેમા તમારા માટે ધર્મનું પાલન કરવાનું માધ્યમ છે તો એને બંધ ન કરતા. ભારતીય સ્ટોરી ટેલર્સને સમાજમાં આગળ વધવા દો. નવા, યંગ સ્ટોરી ટેલર્સને મદદ કરો. આ નવા ભારતને ઇન્ડિક રિનાઇસેન્સને માર્ગદર્શન આપવા દો. તમને જ્યારે પણ એવું લાગે કે તમને કોઈ નથી સમજી શકતું ત્યારે ગુરુદેવની લાઇન યાદ રાખો : એકલા ચાલો રે. બેસ્ટ હંમેશાં. વિથ લવ.’


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2023 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK