ટ્રેલર-લૉન્ચના ગણતરીના કલાકોમાં જ સોશ્યલ મીડિયા પર ફિલ્મના બૉયકૉટની ડિમાન્ડ
`સિતારે ઝમીન પર`નો સીન
મંગળવારે આમિર ખાનની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે અને લૉન્ચિંગના ગણતરીના કલાકોમાં જ એ નંબર વન પર ટ્રેન્ડ કરવા માંડ્યું હતું. જોકે દર્શકોના પ્રેમ છતાં ટ્રેલર-લૉન્ચના ગણતરીના કલાકોમાં જ સોશ્યલ મીડિયા પર ફિલ્મના બૉયકૉટની ડિમાન્ડ થઈ રહી છે અને એ માટે આમિર ખાનના વર્તનને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.
હાલમાં ઑપરેશન સિંદૂરને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તનાવનું વાતાવરણ છે. એ દરમ્યાન સામાન્ય લોકોથી લઈને અનેક સેલિબ્રિટીઝે ભારતીય સેનાના સાહસની પ્રશંસા કરીને એને સમર્થન આપ્યું છે. જોકે આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાને આ મામલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું જે લોકોને બિલકુલ નથી ગમ્યું. આ જ વર્તનને આગળ ધરીને હવે કેટલાક લોકો ‘સિતારે ઝમીન પર’નો બૉયકોટ કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ પછી એક યુઝરે લખ્યું છે, ‘જેઓ આપણા જવાનો માટે એક પણ શબ્દ નથી બોલ્યા તેમની ફિલ્મ અમે નહીં જોઈશું કે ન તો કોઈને જોવા દઈશું. ફક્ત ગદ્દાર જ આવી ફિલ્મ જોવા જશે. આ ફિલ્મનો બૉયકૉટ કરવો જોઈએ.’
અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે, ‘આમિરની ‘સિતારે ઝમીન પર’નો બૉયકૉટ કરો, કારણ કે બૉલીવુડ પાસે ભારત દેશ માટે સમય નથી. તેઓ પોતાના પાકિસ્તાની ચાહકોને નારાજ કરવા નથી માગતા. કોઈ પણ અભિનેતા કે અભિનેત્રીને સમર્થન ન કરો.’
‘સિતારે ઝમીન પર’ના બૉયકૉટ વિશે અલગ-અલગ પ્લૅટફૉર્મ પર ચર્ચા ચાલી રહી છે. આ ઑનલાઇન ચર્ચાઓમાં જોવા મળ્યું છે કે બૉયકૉટની માગણી પાછળ બીજાં અનેક કારણો છે. કેટલાક યુઝર્સ આમિર ખાને ઑપરેશન સિંદૂરને જાહેરમાં સ્વીકૃતિ ન આપી એ બદલ પણ નારાજ છે. કેટલાક ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશન દરમ્યાન ટર્કીનાં તત્કાલીન ફર્સ્ટ લેડી એમિન એર્દોગન અને આમિરની મુલાકાતને યાદ કરીને તેને ભારતવિરોધી ગણાવી રહ્યા છે. આ લોકો ૨૦ જૂને રિલીઝ થનારી ‘સિતારે ઝમીન પર’ના બૉયકૉટની માગણી કરી રહ્યા છે.

