સિદ્ધાર્થ મલ્હોત્રાએ કૅપ્ટન વિક્રમ બત્રાના સાહસ અને બહાદુરીને દેખાડતી ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’માં કામ કર્યું હતું.
સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રાએ કૅપ્ટન વિક્રમ બત્રાના સાહસ અને બહાદુરીને દેખાડતી ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’માં કામ કર્યું હતું. ગઈ કાલે પરમવીર ચક્ર કૅપ્ટન વિક્રમ બત્રાની ડેથ-ઍનિવર્સરી હતી. આજે તેમના બલિદાનને પચીસ વર્ષ પસાર થઈ ગયાં છે. ૧૯૯૯માં થયેલા કારગિલ યુદ્ધ દરમ્યાન વિક્રમ બત્રાએ દુશ્મનોને ધૂળ ચટાડી હતી. તેઓ જખમી હોવા છતાં પણ દુશ્મનો પર હુમલો કરતા રહ્યા હતા. ૧૯૯૯ની વીસ જૂને શ્રીનગર-લેહ માર્ગની બરાબર ઉપર અગત્યના અને સૌથી દુર્ગમ ક્ષેત્ર પર રાતે સાડાત્રણ વાગ્યે તેમણે કબજો કર્યો હતો. સાથે જ રેડિયો પર કૅપ્ટને કહ્યું હતું કે ‘યે દિલ માંગે મોર’ અને આખા દેશમાં તેઓ છવાઈ ગયા હતા. તેમના આ બલિદાનને સિદ્ધાર્થ મલ્હોત્રાએ યાદ કર્યું છે. કૅપ્ટન વિક્રમ બત્રાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કૅપ્શન આપી, ‘પરમવીર ચક્ર કૅપ્ટન વિક્રમ બત્રાની નીડરતા અને બલિદાન, જેણે ઇતિહાસ રચી દીધો છે એને પચીસ વર્ષ પસાર થઈ ગયાં છે. આજ દિન સુધી તમારી બહાદુરીનો વારસો સન્માનનીય રહ્યો છે. અમે તમને આજે અને હંમેશાં ‘યે દિલ માંગે મોર’ માટે યાદ કરીશું અને આદર આપતાં રહીશું. જય હિન્દ.’

