આ પ્રીમિયમ કમર્શિયલ ટાવર ૧૦ લાખ ચોરસ ફુટથી વધુના બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલો હશે અને અહીં પ્રૉપર્ટીની કિંમત ૪ કરોડ રૂપિયાથી શરૂ થાય છે
આ ઇવેન્ટમાં શાહરુખની એન્ટ્રીએ ચાર ચાંદ લગાવી દીધા
દુબઈમાં શાહરુખ ખાનના નામ પર બાંધવામાં આવેલા એક પ્રીમિયમ કમર્શિયલ ટાવર ‘શાહરુખ્ઝ બાય ડૅન્યુબ’નું લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. ૨.૧ બિલ્યન દિરહામ એટલે કે આશરે ૫૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યનો આ પ્રોજેક્ટ લૉન્ચના પહેલા દિવસે જ સોલ્ડ-આઉટ થઈ ગયો છે એટલે કે સંપૂર્ણપણે વેચાઈ ગયો છે. કોઈ ભારતીય સ્ટારના નામે દુબઈમાં બનેલો આ પહેલો પ્રોજેક્ટ છે.
દુબઈ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા આ લૉન્ચિંગમાં ૬૦૦૦થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં શાહરુખની એન્ટ્રીએ ચાર ચાંદ લગાવી દીધા. તેણે ‘કિંગ’ના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પર એન્ટ્રી લીધી અને ‘પઠાન’ના ગીત પર ડાન્સ કર્યો તેમ જ ‘ઓમ શાંતિ ઓમ’ના ડાયલૉગ બોલીને ઉત્સાહનું વાતાવરણ તૈયાર કરી દીધું.
ADVERTISEMENT
‘શાહરુખ્ઝ બાય ડૅન્યુબ’ દુબઈના શેખ ઝાયેદ રોડ પર આવેલો પંચાવન માળનો એક કમર્શિયલ ટાવર છે જે ૨૦૨૯ સુધીમાં તૈયાર થઈ જશે. દુબઈની જાણીતી રિયલ એસ્ટેટ કંપની ડૅન્યુબ પ્રૉપર્ટીઝ દ્વારા એનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એની મુખ્ય વિશેષતા એ હશે કે એના પ્રવેશદ્વાર પર શાહરુખના સિગ્નેચર પોઝવાળું સ્ટૅચ્યુ સ્થાપિત કરવામાં આવશે. આ ટાવર ૧૦ લાખ ચોરસ ફુટથી વધુના બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલો હશે. અહીં પ્રૉપર્ટીની કિંમત ૪ કરોડ રૂપિયાથી શરૂ થાય છે.


